શહેરના કાલાઘોડા બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ પડતાં લાખો લિટર પાણી વહી રહ્યું છે. આ અંગે પાલિકાની ટીમને જાણ થતાં તેઓએ સ્થળ મુલાકાત લઇને સમારકામની કામગીરી શરૂ કરી છે. જોકે પર્યાવરણ પ્રેમીઓના આક્ષેપ છે કે, નદીમાં ઠાલવવામાં આવેલા કાટમાળના કારણે લાઈનમાં વારંવાર ભંગાણ થઈ રહ્યું છે. કાલાઘોડા બ્રિજ નજીક યવતેશ્વર ઘાટ પાસેથી વહેતી વિશ્વામિત્રી નદીમાંથી પાણીની લાઈન પસાર થાય છે, જેમાં ભંગાણ પડ્યું છે. છેલ્લા ઘણા દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થવાથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. 4 દિવસ પહેલાં પાલિકાના અધિકારીઓને પાણીની લાઈનમાં ભંગાણ હોવાનું જાણવા મળતાં તેઓએ સ્થળ મુલાકાત કરી હતી. તે પછી ગુરુવારે લાઈનમાં પડેલા ભંગાણને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે પાલિકાની આ કામગીરી સામે પર્યાવરણ પ્રેમી સંજય સોનીએ નારાજગી દર્શાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, નદીમાં ઠાલવેલા કાટમાળને કારણે લાઈનમાં વારંવાર ભંગાણ પડે છે. લાઈન પરના ભંગાણની સમારકામની કામગીરી વખતે વન વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા નથી. જેથી મગર અને કાચબા જેવા જળચર પ્રાણીઓને નુકસાન પહોંચી શકે તેમ છે. તદઉપરાંત તંત્રે પહેલાં નદીમાં ઠલવાતા કાટમાળ અટકાવવો જોઈએ. 4 દિવસ પહેલાં અધિકારીઓની મુલાકાત લીધા બાદ આખરે સમારકામ શરૂ પર્યાવરણ પ્રેમીઓના આક્ષેપ,નદીમાં ઠલવાયેલા કાટમાળથી ભંગાણ પડ્યું લાઈનમાં નાનું લીકેજ છે, પાણીના પ્રેશર માટે પ્રેશર પોઇન્ટ મુકાશે ફાજલપુરથી આવતી પાણીની લાઈન છાણી અને કાલાઘોડા બ્રિજ નજીકથી થઈ લાલબાગ ટાંકી સુધી જાય છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લાઈનમાં નાનું ભંગાણ મળી આવ્યું છે. જેની ચકાસણી કર્યા બાદ સમારકામ કરાશે. તદુપરાંત પાણીની લાઈન પર પ્રેશર પોઇન્ટ મૂકી પ્રેશર ચેક કરાશે. પૂર બાદ કાલાઘોડા નજીક જમીનના ભાગ સાથે ત્યાં નાખેલો કાટમાળ નદીમાં ઠલવાયો હતો. જેને કારણે ભંગાણ થયું હોવાનું અનુમાન છે. તેવામાં ગણતરીના દિવસોમાં સમારકામ કરાશે.