પુસ્તકાલય પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા માટે વર્ષ 1968થી સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ 14થી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ અનુસંધાને ખંભાળિયામાં જુની મામલતદાર કચેરી પરિસરમાં કલ્યાણરાયજી મંદિર પાસે આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે પણ તારીખ 14થી 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વેશભૂષા સ્પર્ધા, ચિત્રકલા, રંગોળી અને ઇન્ડોર ગેમ્સ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ રોકડ ઈનામ વડે પુરસ્કૃત કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તારીખ 13 નવેમ્બર સુધીમાં પુસ્તકાલય ખાતે નિ:શુલ્ક નોંધણી કરાવવાની રહેશે.