back to top
Homeભારતટ્રમ્પ સરકારમાં પટેલની એન્ટ્રી:ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ બની શકે છે CIA...

ટ્રમ્પ સરકારમાં પટેલની એન્ટ્રી:ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ બની શકે છે CIA ચીફ, ટ્રમ્પના વફાદારોમાં થાય છે ગણતરી

નવેમ્બર 2020
વોશિંગ્ટન ડીસી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડન સામે ચૂંટણી હારી ગયા હતા. પદ છોડતાં પહેલાં ટ્રમ્પ પોતાના લોકોને મહત્ત્વપૂર્ણ સરકારી પદો પર નિયુક્ત કરવાના પ્રયાસમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન તેઓ પોતાના ખાસ વફાદારને રક્ષા મંત્રાલયમાં મોટાં પદ પર નિયુક્ત કરવા માગતા હતા, જોકે તેમનો પ્રયાસ સફળ થયો નહીં. વાસ્તવમાં ચૂંટણી હાર્યા બાદ નબળા પડી ગયેલા ટ્રમ્પને તત્કાલીન જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ માર્ક મિલી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ આમ કરશે તો આ મામલાને કોર્ટમાં લઈ જશે. થોડા સમય પછી ટ્રમ્પે એ જ વ્યક્તિને FBIના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એટર્ની જનરલ બિલ બારે ધમકી આપી કે આ ફક્ત તેમની લાશ પર જ થઈ શકે છે. ટ્રમ્પ આ વખતે પણ નિષ્ફળ ગયા. ટ્રમ્પ ફરી એકવાર એ જ વ્યક્તિને CIAના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવા માગતા હતા. CIA ચીફ ગિના હાસ્પેલ આનાથી નારાજ થઈને રાજીનામું આપવાની ધમકી આપી. ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને અન્ય મોટા નેતાઓની દરમિયાનગીરી બાદ ટ્રમ્પે આ વખતે પણ પોતાના હાથ પરત ખેંચવા પડ્યા હતા. ટ્રમ્પ જેને ‘સેટ’ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હતા તેનું નામ કશ્યપ ‘કશ’ પટેલ છે. વિદેશી ભારતીય પરિવારમાં જન્મેલા કાશ પટેલ ટ્રમ્પ માટે આટલા ખાસ કેવી રીતે બન્યા? બધા અધિકારીઓને તેમનાથી ડરવાનું કારણ શું હતું? જાણીશું આ સ્ટોરીમાં… પટેલ ઉપરાંત રામાસ્વામી અને જિંદાલને પણ પદ મળી શકે છે
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ પદના શપથ લેશે. આ પહેલાં ટ્રમ્પ અને તેમની ટીમ તેમની નવી કેબિનેટ માટે અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. કાશ પટેલ ઉપરાંત ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને બોબી જિંદાલને પણ ટ્રમ્પ વહીવટીતંત્રમાં સ્થાન મળે એવી શક્યતા છે. તેમને મહત્ત્વપૂર્ણ પદ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પટેલને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) ચીફની જવાબદારી મળી શકે છે. તેઓ આ પદ માટે ટોચના દાવેદાર હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલો અનુસાર, ટ્રમ્પે પટેલને CIA ચીફ બનાવવાનો નિર્ણય કરી લીધો છે. ડિસેમ્બર 2023માં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ટ્રમ્પે પટેલને કહ્યું હતું – ” તૈયાર થઈ જાઓ કાશ, તૈયાર થઈ જાઓ.” કાશ પટેલ ભારતીય પ્રવાસીના પુત્ર છે. તેમનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. યુગાન્ડાના શાસક ઈદી અમીનના દેશ છોડવાના આદેશથી ડરીને કાશ પટેલનાં માતા-પિતા 1970માં કેનેડા થઈને અમેરિકા પહોંચી ગયાં. પટેલના પિતાને 1988માં અમેરિકન નાગરિકતા મળ્યા બાદ તેમને એક વિમાન કંપનીમાં નોકરી મળી. 2004માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી જ્યારે પટેલને મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી, ત્યારે તેમણે સરકારી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે તેમણે પોતાની ડ્રીમ જોબ માટે 9 વર્ષ રાહ જોવી પડી હતી. કાશ પટેલ 2013માં વોશિંગ્ટનમાં ન્યાય વિભાગમાં જોડાયા હતા. અહીં ત્રણ વર્ષ પછી 2016માં પટેલને ગુપ્તચર બાબતો સંબંધિત સ્થાયી સમિતિમાં કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વિભાગના વડા ડેવિડ નુન્સ હતા, જે ટ્રમ્પના કટ્ટર સહયોગી હતા. પટેલને 2016ની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપ પર રચાયેલી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. આના પર કામ કરતી વખતે જ તેઓ સૌથી પહેલા ટ્રમ્પની નજરમાં આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે પોતાના પ્રેસિડેન્ટ તરીકે 2019માં યુક્રેન પર જો બાઈડનના પુત્ર વિશે માહિતી એકઠી કરવા દબાણ કર્યું હતું. એના કારણે વિપક્ષ તેમના પર નારાજ થઈ ગયો. કોઈપણ કાનૂની ગૂંચવણો ટાળવા માટે ટ્રમ્પે આ મામલે મદદ કરવા માટે સલાહકારોની એક ટીમ બનાવી, જેમાં કાશ પટેલનું નામ પણ સામેલ હતું. ત્યારે તેમનું નામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 2019માં ટ્રમ્પ વહીવટીતંત્રમાં જોડાયા પછી કાશ પટેલે પ્રમોશનની સીડી પર ચઢવાનું ચાલુ રાખ્યું. તેઓ માત્ર 1 વર્ષ અને 8 મહિના ટ્રમ્પ વહીવટીતંત્રમાં રહ્યા, પરંતુ બધાની નજરમાં આવી ગયા. ધ એટલાન્ટિક સામયિકના એક અહેવાલમાં પટેલને ‘ટ્રમ્પ માટે કંઈપણ કરનાર’ વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યાં ટ્રમ્પ વહીવટીતંત્રમાં લગભગ દરેક જણ પહેલેથી જ ટ્રમ્પને વફાદાર હતા ત્યાં પણ તેમની ગણતરી ટ્રમ્પના સૌથી વફાદાર લોકોમાં થવા લાગી. આ કારણે ઘણા અધિકારીઓ તેમનાથી ડરતા હતા. જો પટેલને CIA કે FBIનું નિયંત્રણ મળે તો તેઓ ટ્રમ્પના કહેવા પ્રમાણે દરેક કાર્ય પાર પાડી શકે છે. ટ્રમ્પ પર પુસ્તક લખ્યું, એમાં પણ મદદરૂપ બન્યા
કાશ પટેલ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે 17 ગુપ્તચર એજન્સીની કામગીરીનું ધ્યાન રાખ્યું હતું. આ પદ સંભાળતી વખતે પટેલ અનેક મહત્ત્વની બાબતોમાં સંકળાયેલા હતા. તેઓ ISIS નેતાઓ, બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદા નેતાઓને ખતમ કરવા ઉપરાંત ઘણા અમેરિકન બંધકોને પરત લાવવાના મિશનમાં પણ સામેલ છે. ટ્રમ્પે પદ છોડ્યા બાદ કાશ પટેલ પૂર્વ રાષ્ટ્રપતિના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાશે “ગવર્નમેન્ટ ગેંગસ્ટર્સઃ ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી” નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સરકારમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે. ટ્રમ્પને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે કાશ પટેલે ધ પ્લોટ અગેઇન્સ્ટ ધ કિંગ નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં તેમણે એક જાદુગરની ભૂમિકા ભજવી છે, જે ટ્રમ્પને હિલેરી ક્લિન્ટનથી બચાવવામાં મદદ કરે છે. વાર્તાના અંતે જાદુગર લોકોને સમજાવવામાં સફળ થાય છે કે ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને છેતરીને સત્તા નથી મેળવી. કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘સત્ય’ની કામગીરી પર પણ દેખરેખ રાખે છે. પટેલે 2022 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતાર માટે સુરક્ષા સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. ગયા મહિને કાશ પટેલે ટ્રમ્પની રેલીમાં કહ્યું હતું કે તેઓ સરકાર અને મીડિયામાં કાવતરાખોરોને ખતમ કરી દેશે. અમેરિકી નાગરિકો સાથે ખોટું બોલનારને તેઓ છોડશે નહીં. જેમણે બાઈડનને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મદદ કરી હતી તેમનો પણ હિસાબ લેવામાં આવશે. અમેરિકા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ટ્રમ્પે કહ્યું- હું ભારતને સાચો મિત્ર માનું છુંઃ પીએમ મોદીને કહ્યું, વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરો; 2 રાજ્યમાં મતગણતરી ચાલુ છે ​​​​​​ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમને 50 રાજ્યની 538માંથી 295 બેઠક મળી છે, બહુમત માટે 270 બેઠકની જરૂર છે. ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ કાંટાની ટક્કર આપવા છતાં માત્ર 226 સીટ જીતી શકી હતી. અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પને બહુમતી મળી હોવા છતાં તમામ રાજ્યોનાં પરિણામો હજુ પણ સામે આવ્યાં નથી. એરિઝોના અને નેવાડામાં હજુ પણ મતગણતરી ચાલુ છે. આ બંને રાજ્યમાં કુલ 17 ઈલેક્ટોરલ વોટ્સ છે. ટ્રમ્પની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન કરીને બીજી ટર્મ માટે વ્હાઇટ હાઉસ પરત ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કહ્યું કે બંને નેતાઓએ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે પીએમ મોદીનાં વખાણ કર્યા અને તેમને અદ્ભુત માણસ કહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતને મારો સાચો મિત્ર માનું છે. આખી દુનિયા મોદીને પ્રેમ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે મોદી વિશ્વના પહેલા નેતાઓમાં સામેલ છે, જેમની સાથે તેમણે જીત બાદ વાત કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર…)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments