ભરૂચથી અમદાવાદના બારેજા ખાતે મેલડી માતાના મંદિરે પગપાળા દર્શને જતા ભરૂચના 32 વર્ષિય જીગ્નેશ શશીકાંત પટેલને વરણામા ગામના બસ સ્ટેન્ડ પાસે કારે પાછળથી ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને એસએસજી લવાતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે ભરૂચના મકટમપુર ખાતે રહેતા પરિવારને જાણ કરાતા મૃતકના ભાઈ જયદીપભાઈ પટેલ એસએસજી હોસ્પિટલ પહોચ્યાં હતાં. ઘટના અંગે પરિવારને મોબાઈલ થકી જાણ કરનાર હર્ષદભાઈ બારીયાએ પરિવારને જણાવ્યું હતું કે, તેઓ બારેજા ગામમાં મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જતા હતા તે દરમિયાન જીગ્નેશભાઈ સાથે પાલેજથી મુલાકાત થઈ હતી. અને હર્ષદભાઈ, દિલીપભાઈ બારીયા અને જીગ્નેશ પટેલ ત્રણેય સાથે ચાલતા જતા હતાં. દરમિયાન તા. 5 નવેમ્બરે રાતે 11 વાગ્યે વરણામા ગામના બસ સ્ટેન્ડ પાસે બાપા સિતારામની મઢુલી પાસે રાત્રી રોકાણ કર્યું હતું. જ્યારે તા. 6 નવેમ્બરે સવારે સાડા છ વાગે રોડની સાઈડમાં ચાલતા સુરત થી વડોદરા તરફ જતા રોડ પર જતા હતા, તેવામાં પાછળથી કાર આવીને જીગ્નેશને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં જીગ્નેશ રોડ પર પટકાતાં મૃત્યુ થયું હતું. ભરૂચથી યુવક અમદાવાદ પાસે બારેજા ગામે જતો હતો, ફરાર કારચાલકની શોધખોળ