હાલમાં દિવસ અને રાતના તાપમાન વચ્ચે મોટુ અંતર જોવા મળતા શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. પાલિકાની ટીમ દ્વારા ગુરુવારે શહેરના બાપોદ, દંતેશ્વર, માણેજા, માંજલપુર સહિત વિવિધ વિસ્તારોમાં સરવે કરવામાં આવ્યો હતો. તેમજ 10553 જેટલા ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આખા શહેરમાં તાવના 583 અને ડેન્ગ્યુના 7 કેસો મળી આવ્યા હતા. શહેરમાં ઋતુ બદલાવાના કારણે રોગચાળામાં વધારો થયો હોવાનું જોવા મળે છે. ખાસ કરીને તાવ, ખાંસી અને શરદીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં સરવે કરવામાં આવે છે અને ઘરોમાં ફોગિંગ કરવામાં આવે છે. આખા શહેરમાં 10,553 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત 122 સ્થળોએ પણ ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. શહેરના બાપોદ, માણેજા, માંજલપુર, મકરપુરા, મુંજમહુડા અને ગોરવા વિસ્તારમાં સરવે કરવામાં આવ્યો હતો. આરોગ્યની ટીમ દ્વારા 82 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 7 કેસો પોઝિટીવ મળી આવ્યા હતા, ચિકનગુનિયાના 38 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 1 કેસ પોઝિટીવ મળી આવ્યો હતો. ઉપરાંત 14 ટાઈફોઈડના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 2 કેસો મળી આવ્યા હતા.