વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 7 મહિનામાં ટિકિટ ચેકિંગ ડ્રાઇવ કરીને રૂા.80.56 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રેલવે દ્વારા મેલ એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેનો અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવોના પરિણામે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં ટિકિટ વિના મુસાફરી કરતા 13.73 લાખ જેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ટ્રેનોમાં ટિકિટ વિનાના લોકોને કારણે ટિકિટ લઈને મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડતી હોય છે. જેથી રેલવે તંત્ર દ્વારા આવા મુસાફરોને ઝડપી દંડ વસૂલવામાં આવે છે. રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન વિવિધ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ટિકિટ વિનાના 2.09 લાખ મુસાફરો પાસેથી 12.10 કરોડની વસૂલાત કરવામાં આવી હતી, જેમાં બુક કરાવ્યા વગરના સામાનના કેસનો પણ સમાવેશ કરાયો હતો. ઉપરાંત ઓક્ટોબર મહિનામાં વેસ્ટર્ન રેલવે મુંબઈ ઉપનગરીય વિભાગમાં 93 હજાર કેસોની તપાસથી 3.90 કરોડના દંડની વસૂલાત કરાઈ હતી. એસી લોકલ ટ્રેનોમાં ટિકિટ વગરના મુસાફરોના પ્રવેશને રોકવા માટે અવાર-નવાર સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવ દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં લગભગ 34,800 અનધિકૃત મુસાફરોને પકડી રૂા.1.15 કરોડનો દંડ વસૂલાયો હતો. રેલવેની કામગીરીના કારણે ટિકિટ વગર મુસાફરી કરતાં પ્રવાસીએામાં ગભરાટ વ્યાપ્યો છે.