ગુજરાતના ઉદ્યોગો પર દેશમાં સૌથી વધુ 2.38 લાખ કરોડ રૂપિયા દેવું છે. દેશમાં નવેમ્બર 2023થી જૂન 2024 દરમિયાન કરાયેલા ‘એન્યુઅલ સરવે ઑફ ઇન્ડસ્ટ્રીઝ 2022-23’ મુજબ, રાજ્યના ઉદ્યોગોએ એક વર્ષમાં 1.50 લાખ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તેમ છતાં 10 વર્ષમાં રાજ્યના ઉદ્યોગો પર દેવું 53% વધ્યું છે. 2013-14થી 2022-23 દરમિયાન ગુજરાતની ફેક્ટરીઓનો વાર્ષિક નફો 75 હજાર કરોડથી 1.50 લાખ કરોડ થયો છે. દેશના ઉદ્યોગોનું 16% દેવું એકલું ગુજરાત ધરાવે છે. પાંચ મોટા રાજ્યો જ 54% દેવું ધરાવે છે. દેશના ઉદ્યોગો પર કુલ 15 લાખ કરોડ દેવું (આઉટસ્ટેન્ડિંગ લોન) છે. સરવે મુજબ, રાજ્યમાં 84 હજાર મહિલાઓ જ ફેક્ટરીઓમાં ડાયરેક્ટ એમ્પલોઇ છે, જ્યારે 10 લાખથી વધુ પુરુષ ડાયરેક્ટ એમ્પલોઇ છે. રાજ્યમાં કુલ 31 હજારથી વધુ ફેક્ટરી છે. અહીં કંપની એક્ટ, ફેક્ટરી એક્ટ વગેરે ઉદ્યોગોને લગતા વિવિધ સાત કાયદા હેઠળ રજીસ્ટર ઉદ્યોગ-ફેક્ટરીઓ સામેલ છે. એન્યુઅલ સરવે ઑફ ઇન્ડસ્ટ્રીઝ રિપોર્ટમાં ઘટસ્ફોટ ફેક્ટરીઓનું 45 હજાર કરોડ લાઇટ બિલ આવ્યું
ગુજરાતમાં 31 હજારથી વધુ ફેક્ટરીઓ દ્વારા એક વર્ષમાં કુલ 1.04 લાખ કરોડ રૂપિયાનું બળતણ વપરાયું હતું. જેમાં સૌથી વધુ 5454 કરોડ કિલોવૉટ વીજ વપરાશ થયો હતો. જેનું મૂલ્ય 45 હજાર કરોડ રૂપિયા હતું. 20 હજાર કરોડના કિંમતનો કુલ 2.4 કરોડ ટન કોલસો વપરાયો હતો. જ્યારે 8 હજાર કરોડની પેટ્રોલિયમ પ્રોડક્ટ બળતણ તરીકે વપરાઇ હતી. આ ઉપરાંત 29 હજાર કરોડ રૂપિયા અન્ય બળતણમાં ખર્ચ થયા હતા.