SMCએ તાજેતરમાં કબૂતરબાજીના કેસમાં મુખ્ય સુત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલના સાથીદાર પંકજ ઉર્ફે પી. કે. શંકરલાલ પટેલની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં SMCની ટીમે 22 મહિનાથી તેને પકડવા માટે અલગ-અલગ પ્રયાસો કર્યા હતાં. એટલું જ નહીં પંકજ પટેલ સામે રૂ. 25 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે વારાણસીમાં તે એક મોબાઇલ, કેટલાક ડોલર અને ડોંગલ રાખીને છુપાઈને રહી રહ્યો હતો. પોલીસને આરોપી પંકજ પાસેથી એક ડાયરી મળી છે, જેની તપાસ બાદ નવા કારનામા બહારે આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. પોલીસે પંકજ પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું
2022માં કબૂતરબાજી કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બોબી પટેલના ઘરે ચર્ચ કરતાં 97 પાસપોર્ટ મળી આવ્યા હતાં, જેમાંથી 6 પાસપોર્ટ ડુપ્લિકેટ હતાં. આ મામલે પોલીસ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. આ કબૂતરબાજીનો માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ હતો અને તેના એજન્ટ તરીકે પંકજ ઉર્ફે પી. કે. શંકરલાલ પટેલ કામ કરતો હતો. સમગ્ર કાંડનો ખુલાસો થતાં પંકજ પટેલ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. ઘણા સમય બાદ પણ પંકજ પટેલ પકડમાં ન આવતા તેની માહિતી આપનાર માટે પોલીસે 25,000નું ઈનામ જાહરે કર્યું હતું. SMCને ટીપ મળતાં વારાણસી પહોંચી
થોડા દિવસો પહેલાં જ SMCને બાતમી મળી હતી કે, આરોપી પંકજ વારાણસીમાં છુપાઈને રહે છે, જેથી SMCની એક ટીમ તપાસ માટે વારાણસી પહોંચી ગઈ હતી. ત્રણ દિવસ સુધી આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યારબાદ પંકજ પટેલની ખરાઈ થતાં તેને વારાણસીના કિશન કટરા વિસ્તારમાંથી દબોચી લીધો હતો અને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. આરોપી પાસેથી એક ડાયરી મળી આવી
પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં પંકજ પટેલ મધ્યપ્રદેશ અને વારાણસીમાં છુપાઈને રહ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પંકજ પાસેથી એક પાસપોર્ટ, મોબાઈલ ફોન, ડોલર અને હિસાબની ડાયરી પણ મળી આવી છે. આ વસ્તુઓમાં આરોપીઓના ઘણા ખેલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કબૂતરબાજી કેસમાં આરોપીએ 8 લોકોને વિદેશ મોકલ્યા છે. જેથી વિદેશમાં ગયેલા લોકો કોણ છે? અને કબૂતરબાજીના નેટવર્કમાં વોન્ટેડ અન્ય એજન્ટોને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. વિદેશમાં રહેતા ભાગીદારની ધરપકડ થાય તો મોટા કાંડ ખૂલી શકે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બોબી પટેલની સાથે અનેક એજન્ટ કનેક્ટ થતાં હતાં. જે ઉત્તર ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના કેટલાક લોકોને વિદેશ મોકલવા માટે કરોડો રૂપિયાની ડીલ કરતા હતાં. જેના માટે તેમને માત્ર એક-બે લાખ રૂપિયા જેટલી રકમ બોબી પટેલ આપતો હતો. એટલું નહીં આ વ્યક્તિઓનો બોબી પટેલ સાથે સંપર્ક કરાવ્યાં બાદ તેઓના રૂપિયાની જવાબદારી પણ એજન્ટો જ લેતા હતાં. જ્યારે બોબી પટેલનો એક ભાગીદાર હાલ વિદેશમાં છે, જેની પાસે આ સમગ્ર મામલે ખૂબ જ મહત્વની વિગતો છે. આ આરોપીને પકડ્યા બાદ આખા ગુજરાતમાં ચાલતા મોટા કબૂતરબાજીના નેટવર્કનો પર્દાફાશ થશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.