આજવા રોડની બહાર કોલોની પાસે બુધવારે ચોર ટોળકી ત્રાટકી હતી. જો કે પાડોશીએ બૂમાબૂમ કરતાં તસ્કરો ઇકો કાર લઇને ભાગી જવામાં સફળ રહ્યા હતા. મળતી વિગતો મુજબ, આજવા રોડની બહાર કોલોનીમાં રહેતો પરિવાર મકાનને બંધ કરી યાત્રાએ ગયો હતો. બુધવારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બંધ મકાનમાંથી અવાજ આવતાં પાડોશી ઉઠી ગયા હતા. પાડોશીને શંકા જતાં તેઓ બહાર નીકળ્યા હતા. ત્યારે તેમને ધ્યાને આવ્યું હતું કે, કેટલાક લોકો બંધ ઘર તરફ ઊભા છે. જેથી તેમણેે બૂમ પાડતાં ઘર આગળ ઉભેલા ઇસમો ગભરાઈ ગયા હતા અને નજીક ઊભેલી તેમની ઇકો કાર લઈને ભાગ્યા હતા. આ ઘટનાનો એક સીસીટીવી સામે આવ્યો હતો. જેમાં ઇકો કાર લઇને ભાગતા તસ્કરો પાછળ બાઈક ચાલક પીછો કરી રહ્યો છે. બાઇક ચાલકે ઇકો કારની પાછળ ચોર ચોરની બૂમો પાડતાં પીછો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ વારંવાર કહેતી હતી કે, શહેરમાં ચોર આવ્યા તે એક અફવા છે. પરંતુ તે બાદ પણ અનેકવાર તસ્કરો શહેરમાં પ્રવેશી ચોરી કરી ચૂક્યા છે. અથવા તો ચોરીના પ્રયાસ કર્યા છે. વધતી ચોરીની ઘટનાઓને જોતાં પોલીસ પેટ્રોલિંગ સહિતની કામગીરી પર ઘણા ગંભીર સવાલો ઉભા થયા છે.