રાજકોટની જનતા માટે મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર પીડાં આપવાનું કેન્દ્ર બન્યું છે. નાગરિકો નાના-નાના કામો કરાવવા માટે ચાર-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યાં છે. આધાર કેન્દ્ર બહાર પણ લાંબી લાઈનો લાગેલી હોવાથી કલાકો સુધી ખડેપગે રહેવું પડે છે. આખો દિવસ બગાડ્યા બાદ પણ લોકોનું આધાર કાર્ડનું કામ ન થતાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેશનીય છે કે, દિવાળી પૂર્વે મહાનગરપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અંદાજે બે મહિના પહેલાની એન્ટ્રીમાં મીસમેચ થતા મુંબઈની રિઝનલ કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના મનપાની ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ છે. હાલ માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં આધાર કાર્ડની કામગીરી 4 નવા ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહી છે. એકસાથે 18 ઓપરેટરને સસ્પેન્ડ કરાતા કામગીરી બગડી
પ્રાપ્ત વિગત અનુસાર, બે મહિના પહેલા નાના બાળકો અને તેના પિતાની કરવામાં આવેલ એન્ટ્રીઓમાં અનેક અરજી મીસમેચ થઈ હતી. ગત મહિને આવી અરજીનો આંકડો મહાપાલિકા વિસ્તારનો 4129 હોવાના કારણે એકસાથે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં જૂની કલેક્ટર કચેરીમાં આવેલ તાલુકા મામલતદાર કચેરીમાં છ મહિના પહેલા આધારકાર્ડની એક કીટ મુકવામાં આવી હતી. શહેરી વિસ્તારના લોકો માટે આ સવલત ઉભી કરવામાં આવી હતી, પરતું આ ઓપરેટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતા શહેર વિસ્તારમાં કુલ 19 ઓપરેટરો સસ્પેન્ડ થયા છે. જેને લઈને આધારકાર્ડની કામગીરી બંધ થતા લોકોને પોસ્ટ ઓફિસ, સરકારી બેંકોના ધક્કા ખાવાની ફરજ પડી છે. ફોટો ચેન્જ કરાવવા બે દિવસથી ધક્કા ખાવ છું: આર્યન
આધારકાર્ડનાં કામ માટે આવેલા આર્યન સંચાણીયાએ જણાવ્યું હતું કે, મારા આધારકાર્ડમાં ફોટો ચેન્જ કરવો જરૂરી હોવાથી હું બે દિવસથી ધક્કા ખાવ છું. ફોટો જૂનો હોવાથી આધારકાર્ડ લિંક કરવામાં મુશ્કેલી આવે છે. આ કારણે મારે ફોટો બદલવો જરૂરી છે. હાલ શિષ્યવૃત્તિનાં ફોર્મ ભરવા સહિતની કામગીરી અટકી ગઈ છે. આ માટે પોસ્ટ ઓફીસ તેમજ અન્ય બેંકમાં પણ ગયો હતો. જોકે કામ નહીં થતા અહીં આવ્યો હતો. પણ લાંબી લાઈનો હોવાથી બે-ત્રણ ધક્કા થયા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. રાશન કાર્ડ સહિતમાં મુશ્કેલી પડી રહી છે: ધીરૂભાઇ
અન્ય એક નાગરિક ધીરૂભાઇ ટાંકનાં જણાવ્યા મુજબ, તેઓને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો છે. આ માટે તેઓ બે-ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પણ લાંબી લાઈનો હોવાને કારણે કામ થતું નથી. હાલ આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોવાથી રાશન કાર્ડ સહિતની વસ્તુઓમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે લાંબી લાઈનો ન થાય તે માટેની વ્યવસ્થા તંત્ર કરે તેની ખાસ જરૂર છે. અન્ય મોટાભાગના અરજદારો આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે આવ્યા હતા. જેમાં કેટલાક તો લાંબી લાઈનો જોઈને ચાલ્યા જતા હોવાનું જોવા મળ્યું હતું. માત્ર 4 નવા ઓપરેટર દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરીમાં કામગીરી
મહાપાલિકામાં આધારકાર્ડની જવાબદારી સંભાળતા ચૂંટણી શાખાનાં મેનેજર નરેન્દ્ર આરદેશણાએ આ અંગે જણાવ્યું હતું કે, UIDની મુંબઈ રિઝનલ ઓફિસ દ્વારા રાજકોટ મનપાનાં આધારકાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એકવર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ત્રણેય ઝોનમાં 6-6 ઓપરેટરો દ્વારા કામ કરવામાં આવતું હતું. પરંતુ તેઓ સસ્પેન્ડ થતા હવે ચાર નવા ઓપરેટરો માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીએ કામગીરી કરી રહ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. સસ્પેન્શન રોકવા ગાંધીનગર UID કચેરીમાં રજૂઆત
જોકે, જે કારણે ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં તેની નહીં પણ જન્મ-મરણનાં સોફ્ટવેરની ભૂલ હતી, જે હવે દૂર કરવામાં આવી છે. તેમજ મનપામાં આધારકાર્ડની કામગીરી એક વર્ષ માટ બંધ થાય નહીં તે માટે ગાંધીનગર UID કચેરીમાં રિકવેસ્ટ મેઈલ મોકલીને આ સસ્પેન્શન રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ આ રજૂઆતમાં વાજબી કારણો પણ આપવામાં આવ્યા હોવાથી એકાદ સપ્તાહમાં સસ્પેન્શન રદ થવાની શક્યતા છે. આમ નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આગળ નવી ભરતી સહિતની પ્રક્રિયા કરવામાં આવશે. મુંબઈ રિઝનલ કચેરીના નિર્ણયની રાહ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડના સર્વરમાં ટેકનિકલ ક્ષતિ છે. આ માટે કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગાંધીનગર અને મુંબઈમાં રજૂઆત કરવામાં આવી હતી. આધારકાર્ડ માટે આવતી અરજી સબમીટ થવાના બદલે સીધી જ એરર આવી જતી હોય અને અરજી રિજેક્ટ થાય છે. આવી ઢગલાબંધ ફરિયાદો હતી. જેના કારણે અમુક આધાર કેન્દ્રો ખાતે તો રોજ અરજદારોની લાંબી લાઈનો લાગે છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આધારકાર્ડ માટે ઓપરેટરોના ફિંગરપ્રિન્ટ સાથેની આઈ. ડી. પણ શરૂ કરવામાં આવી હતી. જે આઈડી ઉપરાંત ઓપરેટરોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહાપાલિકાના તમામ 18 ઓપરેટર સસ્પેન્ડ થતા કામગીરી બંધ થવાની દહેશત છે. ત્યારે હવે મુંબઈ રિઝનલ કચેરી દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.