વડોદરા ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ બાદ આજે સમાન્ય જનતા માટે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકોને ₹500નો દંડ ફટકાર્યો હતો. આ સમયે લોકો વિવિધ પ્રકારના બહાના બતાવતા નજરે પડ્યા હતા. આ અંગે એક વાહનચાલકે કહ્યું કે, મને ફરજિયાત હેલ્મેટના નિયમની ખબર જ નથી. તો કોઈએ કહ્યું હતું કે, દીકરીને હોસ્પિટલ મુકવા માટે નીકળ્યો હતો, ઉતાવળમાં હેલ્મેટ મૂકવાનું ભૂલી ગયો, હું ગુનેગાર છું, જેથી મારે દંડ ભરવો જ પડશે. 500 રૂપિયાનો દંડ મને વધુ લાગે છે રજત સોની
વાહનચાલક રજત સોનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કોઇ નિયમ નહોતો, પરંતુ અચાનક જ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો હોવાથી મેં હેલ્મેટ પહેર્યું નથી. મને આ અંગે કંઈ ખબર નહોતી. હું સોશિયલ મીડિયા પણ એક્ટિવ નથી. જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તેમને ખબર પડી જાય છે. હું કામ માટે બહાર નીકળ્યો હતો. 100 કે 200 રૂપિયા હોય તો હું તરત ભરી દઉ, પરંતુ 500 રૂપિયા મને વધુ લાગે છે. હવે હું ટ્રાફિકને બધા રુલ્સને ફોલોવ કરીશ. હું ગુનેગાર છું, જેથી મારે દંડ ભરવો જ પડશેઃ શિવાજી મોરે
વાહનચાલક શિવાજી મોરેએ જણાવ્યું હતું કે, ખરેખર હેલ્મેટ તો પહેરવું જ જોઈએ, હેલ્મેટ ન પહેરવું એ ગુનો છે. હેલ્મેટ એ આપણી સુરક્ષા માટે છે. બીમાર દીકરીને હોસ્પિટલ મુકવા માટે નીકળ્યો હતો, જેથી ઉતાવળમાં હેલ્મેટ પહેરવું ભૂલી ગયો. હું ગુનેગાર છું, જેથી મારે દંડ ભરવો જ પડશે. દૂર જવાનું હોય તો હેલ્મેટ પહેરું છુંઃ અલ્કેશભાઈ
વાહનચાલક અલ્કેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં નજીકથી જ આવ્યો છું અને નજીકમાં જ ઓફિસના કામથી જવાનું હોવાથી હેલ્મેટ પહેર્યું નથી. નાનો રસ્તો હોય તો હેલ્મેટ નથી પહેરતો, પણ દૂર જવાનું હોય તો હેલ્મેટ પહેરું છું. લોકોએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું
વાહનચાલક સાનિધ્ય ઠાકોરે જણાવ્યું હતું કે, અર્જન્ટ કોલ આવ્યો હોવાથી ઉતાવળમાં હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો. અન્ય એક વાહનચાલકે જણાવ્યું હતું કે, હું વાહન ચલાવતો નહોતો, પેલો વાહન ચલાવતો હતો. બાઇકમાં પાછળ બેસવા વાળાને હેલ્મેટ પહેરવાનું હોય એ મને ખબર નથી. તો કેટલાક વાહનચાલકોએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. લોકોએ સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવા જોઈએ: ACP
ટ્રાફિક એસીપી ડી. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમનને લઈને અવરેશના કાર્યક્રમ કરવામાં આવે છે. તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા જેમને હેલ્મેટ નથી પહેર્યા તેમને હેલ્મેટ આપ્યા હતાં અને જેમને હેલ્મેટ પહેર્યા હતા તેમને ગિફ્ટ વાઉચર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. લોકોએ સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવા જોઈએ. અમે દંડા આપીને હેલ્મેટ પહેરવા માટે કહીએ તે યોગ્ય નથી. તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતમાં ઇજા કે મૃત્યુ થઈ શકે છે. હેલ્મેટ પહેરવા બાબતે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે આગામી દિવસમાં પણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ ન પહેરનાર સરકારી કર્મચારીઓને મેમો આપવામાં આવ્યો હતો અને આજે સામાન્ય લોકો માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.