back to top
Homeદુનિયાવિકલી કોલમ:એપલ : કર લો દુનિયા મુઠ્ઠી મેં

વિકલી કોલમ:એપલ : કર લો દુનિયા મુઠ્ઠી મેં

મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા અને સફરજનનું ફળ એમના માથા પર આવીને પડ્યું. તેમને સવાલ થયો કે એપલ નીચેની બાજુ જ કેમ પડ્યું? આ સવાલને કારણે દુનિયાને ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જાણવા મળ્યો. આ સિદ્ધાંતને કારણે જ સંસાર અને બ્રહ્માંડને જોવાની એક નવી વૈજ્ઞાનિક દૃષ્ટિ માનવજાતને સાંપડી. એપલ દુનિયાની સૌથી મોટી અને મોંઘી બ્રાન્ડ
કેલ્ક્યુલસના સ્થાપક એવા સર ન્યૂટનની પાસે પડેલા એપલને કારણે દુનિયા બદલાઈ ગઇ. તેના સાડા ચારસો વર્ષ પછી બીજું એક સફરજન જ દુનિયા બદલવામાં નિમિત્ત બને છે. તે આધુનિક જમાનાનું સફરજન એટલે એપલ કંપની. ન્યૂટનના જમાનાના એપલ અને આપણા જમાનાના એપલમાં ફરક એટલો કે ભૂતકાળમાં માત્ર એક એપલ એક વ્યક્તિના ખોળામાં પડ્યું હતું. જ્યારે હવે એક એપલને પોતાના ખિસ્સામાં રાખવાનો મનસૂબો લગભગ દરેક માણસ રાખે છે. એપલ દુનિયાની સૌથી મોટી ને મોંઘી બ્રાન્ડ છે. કોલેજ ડ્રોપ આઉટે એપલ કંપનીની સ્થાપના કરી
1 એપ્રિલ, 1976 ના રોજ એપલ કંપનીની સ્થાપના થઇ. કોણે કરી? કોલેજ ડ્રોપ આઉટ સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોઝનિક નામના બે ભેજાબાજોએ. આ બન્ને કોમ્પ્યુટરની વ્યાખ્યા બદલી નાખવા માંગતા હતા. તેઓને એવા સ્માર્ટ કોમ્પ્યુટર બનાવવા હતા જેને લોકો પોતાના ઘર અને ઓફિસમાં રાખી શકે અને તેની પાસેથી પ્રોફેશનલ લેવલનું કામ લઈ શકે. તે હેતુ માટે થઈને તે બન્નેએ એક ગેરેજમાં એપલ કંપનીની સ્થાપના કરી. અત્યારે આ કંપની દરેક નવી પ્રોડક્ટ્સ સાથે ઇતિહાસ રચી રહી છે. 2007માં નામ બદલ્યું
Apple Inc. એ અમેરિકન મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની છે જેણે કોમ્પ્યુટર સોફ્ટવેર, પર્સનલ કોમ્પ્યુટર, મોબાઈલ ટેબ્લેટ, સ્માર્ટફોન અને કોમ્પ્યુટર પેરિફેરલ્સના ઈનોવેશન દ્વારા ટેકનોલોજી સેક્ટરમાં ક્રાંતિ આણી દીધી અને તે દુનિયાનું દરેક બાળક જાણે છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના કુપરટીનો શહેરમાં આવેલી એપલ કંપની એ 2007માં તેનું નામ બદલીને Apple Inc. કર્યું કારણ કે કંપનીએ તેનું ફોકસ કોમ્પ્યુટરથી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ તરફ વધારી દીધું. Apple 2023 માં 383.29 બિલિયન અમેરિકન ડોલર સાથે આવકની દ્રષ્ટિએ સૌથી મોટી ટેકનોલોજી કંપની બની ગઈ. એપલના સ્ટોરની બહાર 2 દિવસ પહેલાં લાઇન લાગે
હમણાં 20 સપ્ટેમ્બર 2024 ના iPhone 16 lineup, AirPods 4, Apple Watch Series 10 નામની નવી એપલ પ્રોડક્ટ્સ બહાર પડી. જ્યારે જ્યારે એપલની કોઈ પણ પ્રોડક્ટ બજારમાં આવે ત્યારે 2 દિવસ પહેલાથી એપલના દુનિયાભરના સ્ટોર્સની બહાર એની ખરીદી માટે લાઈનો લાગી જાય અને કેટલાય દેશોમાં પ્રોડક્ટ્સ બ્લેક માર્કેટમાં વેચાતી હોય એવું પણ બને. આઇફોન રાખવો એ બહુધા લોકો માટે સ્ટેટસ સિમ્બોલ છે. આઇફોન લેવો હોય તો કિડની વેચવા માટે પણ તૈયાર -આવા જોક્સ પણ જૂના થઈ ગયા. એપલના ગેઝેટ્સ લાંબા સમય સુધી ટકે છે
એપલની પ્રોડક્ટ્સ માટે પબ્લિકનું ગાંડપણ કેમ ના હોય? Apple ની પ્રોડક્ટ્સ ખરીદવાનો અર્થ એ છે કે તમે એક સુંદર ડિઝાઇન અને મજબૂત સૉફ્ટવેરવાળી સ્મૂધ પ્રોડક્ટ મેળવી રહ્યાં છો. જે ઉપયોગમાં સરળ છે અને તમે આવનારા વર્ષો સુધી સેફ્ટી સાથે તેનો ઉપયોગ કરી શકો છો. Apple સંપૂર્ણ નથી, પરંતુ તે ગુણવત્તાયુક્ત ગેઝેટ્સ બનાવે છે જે લાંબા સમય સુધી ટકતા હોય છે. જે એપલ પ્રોડકટ્સની માલિકી ખાસ કરીને આઈફોનની માલિકી ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે એ એપલ કંપનીનો લોગો ‘અડધું ખાધેલું સફરજન’ છે. તેની પાછળ પણ રસપ્રદ કહાની છે. લોકોની મૂંઝવણ દૂર કરવા અડધા ખાધેલા એપલનો લોગો બનાવાયો
સફરજનના પ્રતીકનો વિચાર સૌપ્રથમ કંપનીના સહસ્થાપક સ્ટિવ જોબ્સને આવ્યો જ્યારે તે ફળોના આહાર પર હતા અને સફરજનના ફાર્મની મુલાકાતે ગયા હતા. ત્યાં એમને લાગ્યું કે એપલ નામ રસપ્રદ અને ઉત્સાહભર્યું છે. પણ પછી લોગોના ગ્રાફિક ડિઝાઈનર રોબ જ્યોફએ તેને અડધું ખાધેલું એપલના લોગોમાં પરિવર્તિત કર્યું જેથી લોકો આ ચેરીનું ફળ છે કે એપલનું એના વિશે મૂંઝવણ ન અનુભવે! વિશ્વભરમાં 90,000 કરતા વધારે એમ્પ્લોયી ધરાવતી એપલ કંપની વિશે જાત જાતની લોકવાયકા છે પણ એના વિશેની કેટલીક રસપ્રદ માહિતી જોઈએ. 1. Apple એટલી સફળ છે કે તેની પાસે યુએસ ટ્રેઝરી કરતા બમણી રકમ છે. 2. એપલે 1983માં તેની લિસા લાઇન ઓફ કોમ્પ્યુટર લોન્ચ કર્યું ,પરંતુ તે નિષ્ફળ ગયું. એવું કહેવાય છે કે લગભગ 2,700 ઉપકરણો ઉટાહમાં લેન્ડફિલમાં દફનાવવામાં આવ્યા છે. 3. Apple પાસે લગભગ 150 બિલિયન ડોલરની વધારાની મૂડી છે. તે Netflix, Twitter, Tesla અને Facebook જેવી કંપનીઓને ખરીદી શકે છે. 4. Apple એવી પહેલી કંપની હતી જેણે કલર ડિજિટલ કેમેરા બનાવ્યો. 5. iPod નામ 2001: A Space Odyssey ફિલ્મથી પ્રેરિત હતું. અને વેલ, એપલની દરેક પ્રોડકટ્સ પર એક અલાયદો લેખ લખવો પડે એટલો રસપ્રદ એની પાછળનો ઇતિહાસ અને અદ્યતન ટેક્નોલોજી છે. એપલ કંપની અને તેની સફળતા એ વાત સાબિત કરે છે કે દુનિયાને કંઇક નવું આપો તો દુનિયાને મુઠ્ઠીમાં સમાવવી અશક્ય નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments