સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટનું યજમાન બનવાનો મોકો મળવા જઈ રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં યુનિવર્સિટીના મેદાનમાં વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ગુજરાત ઊપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતની 70 યુનિવર્સિટીના 700 જેટલા ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવશે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. હરીશ રાબા પોતે હેન્ડ બોલના નેશનલ પ્લેયર
યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક હરીશ રાબા પોતે હેન્ડ બોલના નેશનલ પ્લેયર છે અને ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ત્યારે તેમના અનુભવના લાભ થકી હોમ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી મેડલ મેળવવા માટે ઉત્સાહિત છે. વર્ષ 2007માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેસ્ટ ઝોનમાં ક્રિકેટ ગેમની યજમાની કરી હતી. હેન્ડબોલની ટુર્નામેન્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 વર્ષ પછી હેન્ડબોલની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન કરવાનો મોકો મળ્યો છે. યુનિવર્સિટી પાસે હેન્ડબોલના ખૂબ જ સારા ખેલાડીઓ છે. પરંતુ આ વખતે જ્યારે ઇન્ટર યુનિવર્સિટીની હેન્ડબોલની ટુર્નામેન્ટ ઘર આંગણે એટલે કે, યુનિવર્સિટીના મેદાનમાં જ યોજાઈ રહી છે ત્યારે તેનો સ્થાનિક કક્ષાના ખેલાડીઓને ખૂબ જ મોટો ફાયદો થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેલાડીઓને ડેવલપ કરવા માટે હેન્ડબોલની આ ટુર્નામેન્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. લોકલ માહોલ હોવાથી ખેલાડીઓ તેમાં સારુ પરફોર્મન્સ આપી શકશે અને રિઝલ્ટ પણ સારૂ મળશે. 700 જેટલા ખેલાડીઓ રાજકોટ આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આંતર કોલેજ હેન્ડબોલની સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે ખેલાડીઓ માટે અંદાજે એક માસનો હેન્ડ બોલનો કેમ્પ યોજવામાં આવશે. જેઓને એક્સપર્ટ કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે અને તેનાથી બેસ્ટ 16 સિલેક્ટ કરવામાં આવશે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સારી ટીમ બની શકે. વેસ્ટ ઝોન હેન્ડબોલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોની 70 જેટલી ટીમ ભાગ લેવાની છે. એટલે કે, 700 જેટલા ખેલાડીઓ રાજકોટ આવશે. 25માંથી 12 ખેલાડીઓ તો સ્કૂલ ગેમ નેશનલમાં મેડાલિસ્ટ
આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમમાં 25માંથી 12 ખેલાડીઓ તો સ્કૂલ ગેમ નેશનલમાં મેડાલિસ્ટ છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડેમીના પ્લેયરો છે. જેથી તેઓ કોમ્બિનેશન સાથે ટીમ ગેમમાં સારું પરફોર્મન્સ આપી શકશે. 15 વર્ષ પહેલા હું જ્યારે હેન્ડ બોલની ગેમ રમતો હતો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ બેસ્ટ ઝોનમાં ક્વોલિફાય થઈ હતી. જે બાદ હવે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે હેન્ડબોલ ભાઈઓની ટુર્નામેન્ટનું યજમાન બની રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે, તેઓ મેડલ લઈને આવશે. મેચ દીઠ એન્ટ્રી ફી અને રેફરી ચાર્જ હોય છે
જ્યારે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે ફી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા મેચ દીઠ એન્ટ્રી ફી અને રેફરી ચાર્જ રૂ. 1500 હોય છે. જે-તે યુનિવર્સિટી પાસેથી મેચ દીઠ આ રકમ લેવાની થશે અને જે-તે યુનિવર્સિટીએ AIUમાં રૂ. 3000 ભરવાના હોય છે. ખેલાડીઓના આવવા જવા માટેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ફ્રી આપવામા આવશે. જ્યારે ફૂડ ફેસેલિટીનો ચાર્જ લેવામાં આવશે. VIP ગેસ્ટ હાઉસ સહિતની વ્યવસ્થા કરાશે
ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની ભાઈઓની હેન્ડબોલ ટુર્નામેન્ટના આયોજનને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આવેલા મેદાનમા હેન્ડબોલની 4 કોટ બનાવવામાં આવશે. રહેઠાણ માટે પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની હોસ્ટેલ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્પોર્ટ્સ હોસ્ટેલ, કુલપતિ બંગલો, VIP ગેસ્ટ હાઉસ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. સૌરાષ્ટ્રમા 25 વર્ષથી હેન્ડબોલ ગેમનુ પ્રભુત્વ
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હેન્ડબોલનું પ્રભુત્વ 25 વર્ષથી રહેલું છે. જેમાં પણ સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં સ્કૂલ ગેમથી લઈ અને કોલેજ લેવલના હેન્ડબોલના ખેલાડીઓ વર્ષોથી તૈયાર થતા આવે છે. સૌથી પહેલા હેન્ડબોલના કોચ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેલાડીઓને તૈયાર કરતા હતા ત્યારથી લઈ અને આજ દિવસ સુધી સૌરાષ્ટ્રે હેન્ડબોલમાં ઘણા જ નેશનલ, ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ ખેલાડીઓ આપેલા છે. હાલમાં ભાવનગરમાંથી અને રાજકોટમાંથી ઘણા ખેલાડીઓ હેન્ડબોલની સ્પોર્ટ્સ એકેડમીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રેલવે ગુજરાત પોલીસ આમાં ઘણા બધા હેન્ડબોલના ખેલાડીઓ ગુજરાત અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે. એટલે જ સૌરાષ્ટ્રમાં હેન્ડબોલનું આ પ્રભુત્વ હજી સુધી અકબંધ રહ્યું છે. તેમાંથી ઘણા બધા એવા ખેલાડીઓ છે જેને નેશનલમાં મેડલ મેળવ્યો છે અને ભારતની ટીમનું પ્રતિનિધિત્વ કરેલું છે. જેમાં વરમોરા અશ્વિન, ઇન્દ્રોડા રોહિત, જોગરાણા હરીશ, ચોસલા હરેશ, જાડેજા આદિત્ય, જાડેજા મહિપાલસિંહ, ગુપ્તા વિજય અને જૈન અનંતનો સમાવેશ થાય છે. રાબાના અનુભવનો ફાયદો ખેલાડીઓને મળશે
ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ મેળવનાર હેન્ડ બોલના નેશનલ પ્લેયર અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક રાબાના અનુભવનો ફાયદો ખેલાડીઓને મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા પોતે હેન્ડબોલના નેશનલ પ્લેયર છે. જેઓએ વર્ષ 2001માં ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. જે ખેલાડી સતત 3 વર્ષ નેશનલની ટીમને મેડલ અપાવે એ ખેલાડીને ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ આપવામાં આવતો હોય છે. ભારતીય હેન્ડબોલ ટીમમાં ભારતના પ્રતિનિધિત્વ પ્રતિનિધિ તરીકે તેઓએ ઇન્ટરનેશનલ હેન્ડબોલ સ્પર્ધામાં સ્પર્ધામાં 2007માં ભાગ લીધો છે. સ્કૂલ ગેમમાં અન્ડર 19માં 2003માં ગોલ્ડ મેડલ મેળવેલો છે. 2001માં નેશનલમાં સિલ્વર મેડલ અને 2002માં નેશનલમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. 60 મિનિટમાં 28 ગોલ માર્યા હતા
તેમણે 20થી પણ વધારે નેશનલ ઇન્ટર યુનિવર્સિટી, સિનિયર નેશનલ, જુનિયર નેશનલમાં ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે ભાગ લીધેલો છે. 4 વર્ષ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની નેશનલની ટીમના કેપ્ટન તરીકે ભૂમિકા ભજવેલી છે. આ ઉપરાંત 3 વર્ષ ગુજરાત વિદ્યાપીઠની નેશનલની ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. એક ટુર્નામેન્ટમાં 60 મિનિટમાં 28 ગોલ મારી અને ગુજરાતની ટીમને વિજેતા બનાવેલી છે. સૌરાષ્ટ્રમાં નેશનલ લેવલના હેન્ડબોલના ઘણા ખેલાડીઓને તૈયાર કરવામાં તેઓએ મહત્વનો ભાગ ભજવેલો છે.