શાહજહાંપુરમાં 56 શ્રદ્ધાળુને લઈ જતી બસ રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 51 મુસાફર ઘાયલ થયા છે. તમામની સારવાર ચાલી રહી છે. બસ અમદાવાદથી અયોધ્યા શ્રદ્ધાળુઓને દર્શન કરાવવા લઈ જઈ રહી હતી. ત્યારે કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર ફીલનગર ગામ પાસે આ અકસ્માત થયો હતો. મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તપાસ બાદ તબીબે 5ને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા. બસ-ડ્રાઈવર દુર્ગેશસિંહ રાણાવતે જણાવ્યું હતું કે અમે અમદાવાદથી અયોધ્યા જવા નીકળ્યા હતા. આજે સવારે 4 વાગે ફીલનગર ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે એક રોડવેઝ બસ ઊભી હતી. બસને બચાવવા જતાં બીજી તરફથી એક ટ્રક આવી ગઇ. બંનેને બચાવવા મેં બ્રેક લગાવી હતી, પરંતુ બસ રોડવેઝમાં ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ એ રોડની બાજુમાં આવેલી ઝાડીઓ સાથે પણ અથડાઈ હતી. બસ અથડાતાંની સાથે જ હાઈવે પર ચીસો ગુંજી હતી. ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘણા લોકોને માથામાં તો કેટલાકને હાથ-પગમાં ઈજા થઈ હતી. અકસ્માત થતાં જ આસપાસનાં ગામના લોકો પણ આવી ગયા હતા. મને પણ ઈજા થઈ. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. થોડા સમય પછી ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જીતસિંહ રાય, પોલીસ એરિયા ઓફિસર અમિત ચૌરસિયા સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમશંકર શુક્લા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. બધાને બચાવી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં દરેકની સારવાર ચાલી રહી છે. હાલ તમામની હાલત સારી છે. અમારી સાથે રહેલા પાંચ મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડોક્ટરે તેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક ધારાસભ્ય વીર વિક્રમસિંહ પ્રિન્સ પણ તેમની ટીમ સાથે પહોંચ્યા અને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી, તેમણે ફળોનું વિતરણ કર્યું અને હોસ્પિટલ મેનેજમેન્ટને તમામ શક્ય મદદ અને સારવાર આપવાનો નિર્દેશ આપ્યો.