કડીના છત્રાલ રોડ ઉપર આવેલ કોટન માર્કેટની બહાર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાતા વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યા હતા. કડી માર્કેટના વેપારીઓની મનમાની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. દિવાળીના મીની વેકેશન બાદ વેપાર ધંધાની માર્કેટ યાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં વેપારીઓ દ્વારા મુહૂર્ત પ્રથમ દિવસે અચાનક જ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને કોટન માર્કેટની બહાર ખેડૂતો રોડ ઉપર બેસી ગયા હતા અને હોબાળો કર્યો હતો. દિવાળીના તહેવારમાં મીની વેકેશન બાદ વ્યાપારીઓ દ્વારા શુક્રવારથી વેપાર ધંધાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યાં કડી તાલુકા તેમજ અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પોતાની ડાંગર ટ્રેક્ટરમાં તેમજ અન્ય વાહનોમાં ભરી કોટન માર્કેટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મુહૂર્તના પ્રથમ દિવસે 400થી પણ વધુ વાહનો ડાંગર લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા. જ્યાં અચાનક જ વેપારીઓ દ્વારા ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠી હતી અને હાઇવે ચક્કાજામ કરી મૂક્યા હતા. વેપારીઓ દ્વારા ટ્રેક્ટર શેડની નીચે લઈને આવવાનું ખેડૂતોને કહેવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને આ મંજૂર ન હતું અને અચાનક જ વેપારીઓ દ્વારા હરાજી બંધ કરી ઓફિસમાં બેસી જતા અચાનક જ ખેડૂતો કોટન માર્કેટ યાર્ડની બહાર આવી પહોંચ્યા હતા અને હાઇવે ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહારની અવરજવર બંધ થઈ જતા પોલીસ પણ આવી પહોંચી હતી.