કેનેડાએ ઑસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલ ઑસ્ટ્રેલિયા ટૂડે અને તેના સોશિયલ મીડિયા હેંડલ્સને બ્લૉક કર્યા છે. વાસ્તવમાં આ ચેનલે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રેસ કૉન્ફરન્સને ટીવી પર દર્શાવી હતી. જયશંકરે ગુરુવારે ઑસ્ટ્રેલિયન વિદેશ મંત્રી સાથે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ કૉન્ફરન્સમાં જયશંકરે નિજ્જરના મામલે નક્કર પુરાવા વગર ભારત પર આરોપ લગાવવા માટે કેનેડાની ટીકા કરી હતી. દરમિયાન જયશંકરે કહ્યું હતું કે કેનેડા ભારત વિરોધી તત્વોને રાજકીય સ્થાન આપે છે. સાથે જ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર રખાતી નજરને લઇને પણ નિંદા કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના પગલાંને દંભ બતાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્ત રણધીર જયસ્વાલે કહ્યું કે વિદેશમંત્રી જયશંકરની પ્રેસ કૉન્ફરન્સની કેટલીક કલાકો બાદ જ કેનેડાએ આ પગલું લીધું હતું. વિદેશમંત્રી જયશંકર 3 થી 7 નવેમ્બર સુધી ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન જયશંકરે અનેક બિઝનેસ લીડર્સ અને કંપનીઓના CEO સાથે વાતચીત કરી હતી. સાથે જ 15માં ભારત-ઑસ્ટ્રેલિયા ફ્રેમવર્ક ડાયલૉગમાં ભાગ લીધો હતો. સિડનીમાં જયશંકરે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કેનેડાથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે નિજ્જરની હત્યા મામલે ભારત પર પુરાવા વગર આરોપ લગાવવા, ભારતીય રાજદ્વારીઓ પર નજર રાખવી તેમજ ભારત વિરોધી તત્વોને રાજકીય સ્થાન આપવા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.