મોરબીની ખોડિયાર સોસાયટીમાં અને વિજયનગરના નાકા પાસે જુદાજુદા બે મકાનોને નિશાન બનાવીને ત્રણેક મહિના પહેલા નિશાન બનાવેલ હતા. જેની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાયેલ હતી. જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને એક કે બે નહીં પરંતુ 200 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે બાઇક ઉપર જામનગરથી મોરબી ચોરી કરવા માટે આવતા એક શખ્સને હાલમાં પકડવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, તેની સાથે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. મોરબીના ઇન્દિરાનગર નજીક આવેલા ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 28/5/24ના સવારના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 7:00 વાગ્યા દરમિયાન તેઓના ઘરમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાના નકુચા તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તસ્કરે કબાટમાં રાખવામાં આવેલ માલ સમાનને વેરવિખેર કરી નાખીને તેમાં રાખવામા આવેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ છે અને તસ્કર 1.21 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આવી જ રીતે મોરબીમાં વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. 22/6ના રોજ રાત્રીના 12:00 થી સવારના 6:00 વાગ્યા દરમિયાન તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને ઘરમાં પ્રવેશની ચોરી કરી હતી. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500નો મુદ્દામાલ લઈ ગયા હતા. આ બંને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી સોનુસિંઘ શેરસિંઘ ખીચી જાતે ચિખલીગર શીખ (19) રહે. હાલ ખોડિયાર કોલોની યોગેશ્વરધામ ઢીચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ હતી. તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. આ બાબતે ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, આ આરોપી રાત્રિ દરમ્યાન બાઈક લઈને અન્ય આરોપીઓની સાથે મોરબી આવતો હતો અને રાતે બંધ પડેલા મકાન કે પછી લોકો અગાશી ઉપર સૂતા હોય અને નીચેના ભાગે તાળા મરેલ હોય તેવા મકાનને તે નિશાન બનાવતા હતા. વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, આ આરોપીને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા. આ આરોપીની પૂછપરછમાં તેને બંને ચોરીની કબૂલાત આપેલ છે. આ આરોપી ચોરીના ગુનામાં પહેલી વખત પકડાયેલ છે. જો કે, તેની સાથે બીજા જે શખ્સો સંડોવાયેલ હતા. તેના નામ પોલીસને મળે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. જેથી કરીને તે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.