જ્યારે મોત આવતું હોય છે ત્યારે ઘણી વખત માત્ર ઘટના નિમિત્ત બની જતી હોય છે. સુરતના સિટીલાઈટ વિસ્તારના શિવપૂજા કોમ્પ્લેક્સની આગમાં સ્પાના બાથરૂમમાં ગૂંગળાઈને મોતને ભેટેલી બન્ને યુવતી સાથે પણ કંઈક આવું જ થયું છે. બંને યુવતીને જાણે કાળ જ અમૃત્યા સ્પામાં કામ કરવા માટે લઈ આવ્યો હોય એવું લાગી રહ્યું છે. મનીષા પૂર્ણબદ્ર દમાઇ નામની યુવતી 15 દિવસ પહેલાં જ સ્પામાં કામ કરવા માટે આવી હતી. તો બીજી યુવતી બીનુ હાંગ્મા લીમ્બુનો તો સ્પામાં પહેલો જ દિવસ હતો ને તે આગમાં જીવતી ભૂંજાઈ ગઈ. નોકરીના પહેલા દિવસે જ યુવતી મોતને ભેટી હોવાની વાતથી સૌકોઈ અચંબામાં પડી ગયા છે. તો 15 દિવસથી કામ કરતી યુવતીની નાની બહેનને તો એ પણ ખબર નહોતી કે તેની મોટી બહેન ક્યાં કામ કરી રહી છે. સિક્કિમથી ઘરનું ગુજરાન ચલાવવા સુરત આવી ને મોત મળ્યું
6 નવેમ્બરે સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પ્લેક્સના ટોપ ફ્લોર ઉપર આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં સ્પામાં કામ કરનારી સિક્કિમની મનીષા પૂર્ણબદ્ર દમાઇ અને બીનુ હાંગ્મા લીમ્બુનું બાથરૂમમાં ગૂંગળામણને કારણે મોત થયું હતું. બન્ને યુવતી સિક્કિમથી ઘરનું ગુજરાન ચલાવવા માટે સુરત આવી હતી. નાની બહેનને જાણ પણ નહોતી કે મોટી બહેન ક્યાં કામ કરે છે
મનીષા પૂર્ણબદ્ર દમાઇની નાની બહેન ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં તેણે ચીસો પાડી-પાડીને રુદન કરી આખી હોસ્પિટલ માથે લઈ લીધી હતી. પોતાની બહેન હવે રહી નથી એ વાતથી તે ભારે આક્રંદ કરતી હતી. મોટી બહેન ક્યાં કામ કરી રહી હતી એની જાણ પણ નાની બહેનને નહોતી. સુરતમાં આવ્યા બાદ મનીષા નોકરીની શોધમાં હતી અને સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અમૃત્યા સ્પામાં છેલ્લા 15 દિવસથી કામ કરી રહી હતી. મોટી બહેન મનીષાનું મોત કેવી રીતે થયું છે એ મામલે પણ તે અજાણ હતી. આ ઘટનાથી તે ખૂબ દુઃખી થઈ ગઈ હતી. નોકરીના પહેલા દિવસે આગ લાગી ને મોત
બીજી યુવતી બીનુ હાંગ્મા લીમ્બુને જાણે કાળ જ અમૃત્યા સ્પામાં લઈ આવ્યો હોય એ રીતે તેનું મોત નીપજ્યું છે. હજી તો તેનો અમૃત્યા સ્પા એન્ડ સલૂનમાં પહેલો જ દિવસ હતો અને આગ તેને ભરખી ગઈ. જાણે તેનું મોત નિશ્ચિત જ હોય એ રીતે સ્પાના પ્રથમ દિવસે જ દુઃખદ ઘટના બની હતી. બન્ને યુવતીની કમનસીબી એવી હતી કે એકને માત્ર 15 જ દિવસ થયા હતા અને બીજી યુવતીને પ્રથમ દિવસે જ મોત મળ્યું હતું. દુર્ઘટનાથી સમગ્ર શહેરમાં સ્પામાં કામ કરતી અને ખાસ કરીને સિક્કિમ અને નાગાલેન્ડ જેવાં રાજ્યોમાંથી આવતી યુવતીઓમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું. મોટા ભાગની યુવતી સ્પામાં નોકરી કરે છે
ઉલ્લેખનીય છે કે સિક્કિમથી બન્ને યુવતી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે સુરતમાં કામકાજ માટે આવી હતી. આવી અનેક યુવતીઓ નાગાલેન્ડ જેવાં રાજ્યોમાંથી આવી સુરતમાં રોજગારી મેળવે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને અહીંની યુવતીઓ મોટે ભાગે સ્પામાં કામ કરતી હોય છે. આ પણ વાંચો… શિવપૂજા અગ્નિકાંડ પ્રકરણમાં સંચાલકોની ધરપકડ, એક ફરાર; સ્પા-સંચાલકનું એક જ રટણ ગુમસ્તા લાઇસન્સ બળીને ખાખ થઈ ગયું, આરોપીઓ સામે માનવવધનો ગુનો દાખલ