કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના ફોટાની એક દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સાંજે ભવ્ય લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને રંગ કસુંબલી ડાયરામાં રમઝટ બોલાવી હતી. ત્યારે ચાલુ ડાયરામાં એક યુવક હાથમાં બંદૂક લઈને આવે છે અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ડાયરામાં ભડાકા કરી શો-બાજી કરવી હવે ગુજરાતમાં જાણે કે સામાન્ય વાત બની ગઇ હોય એમ લાગે છે. છાશવારે ડાયરામાં ફાયરિંગની ઘટના જોવા મળે છે. ધાર્મિક કાર્યક્રમમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતાં બાળકો ગભરાઇ ગયાં હતાં. ત્યારે હવે સવાલ એ થઇ રહ્યો છે કે આ મામલે હવે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેમ પહેલેથી ચાલતું આવે છે એમ ચાલતું રહેશે. એક દિવસીય ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
કડીના ખેરપુર ગામે લાખો રૂપિયા ખર્ચ કરીને જોગણી માતાજીના મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. એને લઈ ગુરુવારે એક દિવસીય જોગણી માતાજી ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે સવારે માતાજીના ફોટાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યાર બાદ યજ્ઞનો પ્રારંભ થયો હતો. ગુરુવારે બપોરના 12:39 કલાકે માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સાંજે મહાયજ્ઞમાં શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ
નંદાસણ પોલીસ સ્ટેશનના PI સિસોદિયાએ જણાવ્યું હતું કે ખેરપુરમાં આયોજિત ડાયરામાં રાત્રે એક શખસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ બંદૂક હાથમાં આવે એ બાદ પુષ્ટિ કરવામાં આવશે કે વીડિયોમાં જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ જ છે કે કેમ. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નામાંકિત કલાકારોએ ડાયરામાં રંગ જમાવ્યો
ગુરુવારે(7 નવેમ્બર) રાત્રે ફોટો પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત સાહિત્યકાર સુખદેવ ગઢવી, લોકગાયક ગોપાલ સાધુ, હાસ્ય કલાકાર ભાવેશ મિસ્ત્રી, બિંદુ રામાનુજ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દરમિયાન એક યુવકે ડાયરામાં આવી હવામાં ફાયરિંગ કર્યું હતું. મહોત્સવમાં હવામાં ફાયરિંગ કેટલું યોગ્ય?
તમામ લોકો ડાયરો માણતા હતા ત્યારે એક યુવક ચાલુ ડાયરામાં બંદૂક લઈને આવે છે અને સૌ પ્રથમ લોકો વચ્ચે જઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. ત્યાર બાદ બાળકો સામે જઈ હવામાં અન્ય એક રાઉન્ડ ફાયરિંગ કરતાં બાળકો પણ ડરી ગયાં હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગુરુવારે રાત્રિ દરમિયાન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હવામાં બંદૂક જેવા હથિયારથી ફાયરિંગ કરાય એ કેટલું યોગ્ય છે, એ પણ તપાસનો વિષય બનવા પામ્યો છે.