back to top
Homeગુજરાતદર 15 દિવસે મજબૂર લોકોની ટ્રીપ મારતા:150માં બાળક અને 500માં આખો પરિવાર...

દર 15 દિવસે મજબૂર લોકોની ટ્રીપ મારતા:150માં બાળક અને 500માં આખો પરિવાર રાજસ્થાનથી અમદાવાદ લાવી ભીખ મંગાવતા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે એજન્ટને ઝડપી પાડ્યા

સાહેબ ભૂખ લાગી છે પૈસા આપોને… આવું તમને અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી સાંભળવા મળે. બાળકો એટલાં બધાં કરગરે કે, આપણે દયા ખાઈને બાળકોને પાંચ કે દસ રૂપિયા આપી દઈએ. પણ આ બાળકો ક્યાંના છે, શું કામ ભીખ માગે છે એ સવાલ આપણા મનમાં ક્યારેય આવ્યો જ નથી. પરંતુ, આ એક રીતસરનો કારોબાર છે અને હ્યુમન ટ્રાફિકિંગનું આખું રેકેટ છે. જેમાં બાળકો અને આખે આખા પરિવારને અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદના એસજી હાઈવે, સીજી રોડ તેમજ મહત્ત્વના જંકશન પર ભીખ માંગવા માટે ગોઠવી દેવામાં આવે છે અને આ ગોઠવનારા કોઈ બીજા નહીં પણ રીતસરના એજન્ટ છે. ઘણાં વર્ષોથી ચાલતી આ પ્રક્રિયામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે બે એજન્ટની ધરપકડ કરી છે. જે રાજસ્થાનના નાના નાના જિલ્લાઓમાં જઈને બાળકો અને આખા પરિવારને ભીખ માંગવા માટે અમદાવાદ લાવતા હતા. જોકે, રેકેટમાં ચોંકાવનારી વાત એ છે કે, બાળકોને સમાન્ય રીતે વધુ ભીખ મળતી હોવાથી તેના 150 રૂપિયા અને આખે આખા પરિવારને અદાવાદ લાવવાના રોજના તેઓ 500 રૂપિયા આ ગરીબોની મજબૂરીનો લાભ લઈને વસૂલતા હતા. આ સમગ્ર રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે અને બે આરોપીની અમદાવાદ લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાંથી લવાયેલા લોકોના એજન્ટ તરીકે આ કામ કરતા હોવાની વિગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી જાણવા મળી છે. પરિવારને ભીખ માંગવા માટે તેમની સાથે ડીલ કરતા
અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર અલગ અલગ જગ્યાએ ભીખ માંગતા લોકોનું રેસ્ક્યૂ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી કામ કરી રહી છે. આ સમગ્ર રેકેટ છે તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા કરવામાં આવી રહી હતી અને તે હાલ એક નિર્ણાયક વળાંક પર આવીને ઉભી છે. કારણ કે, આ ભિખારીઓને પોતાની મરજીથી ભીખ માંગવા નહીં પણ તેની મજબૂરીના કારણે અમદાવાદ લાવીને ભીખ મંગાવવામાં આવતી હતી. આ માટે બાળકો અને પરિવારને ભીખ માંગવા માટે તેમની સાથે ડીલ કરવામાં આવતી હતી. જેમાં બાળકો જો એકલા આવે તો તેના પરિવાર પાસેથી રોજના 150 રૂપિયા અને આખો પરિવાર આવે તો તેમની પાસેથી રોજના 500 રૂપિયા આ એજન્ટો વસૂલતા હતા. એજન્ટો 15-15 દિવસે મજબૂર લોકોની ટ્રીપ મારતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બે એજન્ટ પાસેથી મહત્ત્વની વિગત એવી જાણવા મળી રહી છે કે, આ બે એજન્ટો 15-15 દિવસે મજબૂર લોકોની ટ્રીપ મારતા હતા. એટલે કે, નાના ગામમાં જઈને તેમને અમદાવાદ શહેરમાં ભીખ માંગવા માટે લાવવામાં આવતા હતા. તેમને અમદાવાદ લાવીને કોઇપણ બ્રિજની નીચે રહેવા માટે મૂકી દેવામાં આવતા હતા. સાંજ પડે આ એજન્ટો તેમની પાસેથી રૂપિયા વસૂલ કરતાં હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓને કોઇ એજન્સી અથવા સરકારી સંસ્થા દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો ત્યાંથી પણ તેમને લઈ આવવા સુધીની કામગીરી કરવામાં એજન્ટો એક્ટિવ હતા. બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, બાળકો અને પરિવારને ભીખ મંગાવવાના રેકેટની અંદર બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. જો અલગ અલગ જગ્યાએથી ગરીબ લોકોને લાવીને અહીંયા ભીખ મંગાવતા હતા. જેમાં તેઓના સ્ટેન્ડ એસજી હાઈવે અને સીજી રોહ હતા. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને કેટલા સમયથી કેટલા લોકોને અહીંયા લાવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ રેકેટ પાછળ બીજા લોકો પણ સામેલ
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા લોકોને લાવવામાં આવતા હતા. તેમાં હાલ બે એજન્ટ પકડાયા છે, પરંતુ આ પાછળ બીજા લોકો પણ સામેલ છે તેવું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કડી મળી છે અને ગુજરાતના અમદાવાદ સિવાય બીજી કઈ જગ્યાએ ગરીબ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસે ભીખ મંગાવાતી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં કઈ રીતે કેટલા રૂપિયાની લાલચે લોકો જોડાયા હતા તે સ્પષ્ટ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments