વિશ્વભરમાં બાળકો દ્વારા સતત વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગ વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગૂ કરવાની યોજના ઘડી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા સરકાર ટૂંક સમયમાં સોશિયલ મીડિયાના ઉપયોગને શરૂ કરવા માટે 16 વર્ષની વયમર્યાદા નિર્ધારિત કરવા માટે કાયદો ઘડશે તેમજ તેના અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ જવાબદાર ગણાશે. ઓસ્ટ્રેલિયન PM એન્થની અલબાનીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી આપણા બાળકોને નુકસાન થઇ રહ્યું છે અને હવે નક્કર પગલાં લેવાનો સમય આવી ચૂક્યો છે. આ વર્ષના સંસદ સત્રના છેલ્લા બે સપ્તાહ દરમિયાન આ કાયદો રજૂ કરવામાં આવશે.
આ સંસદ સત્ર આગામી 18 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. કાયદો પસાર થયાના 12 મહિના બાદ વયમર્યાદા લાગૂ કરાશે. એક્સ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના પ્લેટફોર્મે ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી ઓછી વયના બાળકોને સોશિયલ મીડિયાથી કઇ રીતે દૂર રાખવા એ અંગે કામગીરી કરવાની રહેશે. અલ્બાનીસે વધુમાં ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયાના હજારો માતા-પિતા, દાદા-દાદી સંતાનોની ઑનલાઇન સલામતીને લઇને ચિંતિત છે. આ પ્રસ્તાવ એ સમયે આવ્યો છે જ્યારે સમગ્ર વિશ્વની સરકાર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જેવી ટેક્નોલોજીના યુવા લોકોમાં ઉપયોગનું મોનિટરિંગ કરવા માટે નક્કર તરકીબ લાવવા માટે પ્રયાસરત છે. વયમર્યાદાના અનુપાલનનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને દંડ પણ ફટકારવામાં આવશે. જો કે 16 વર્ષથી ઓછી વયના બાળકો કે તેમના માતાપિતાને કોઇપણ પ્રકારની સજા કરવામાં આવશે નહીં.