દેશમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શહેરી તેમજ ગ્રામીણ માર્કેટમાં ક્રમિક રીતે રિકવરીનો ટ્રેન્ડ રહ્યો છે અને દેશના મોટા ભાગના પ્રાંતોમાં શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામીણ વિસ્તારોમાં વધુ વોલ્યૂમ ગ્રોથ જોવા મળ્યો છે. ડેટા એનાલિટિક્સ ફર્મ નીલ્સન આઇક્યૂના એક રિપોર્ટ અનુસાર દેશની એફએમસીજી ઇન્ડસ્ટ્રીએ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મૂલ્ય તેમજ વોલ્યૂમમાં અનુક્રમે 5.7% અને 4.1%નો ગ્રોથ નોંધાયો છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન શહેરી વપરાશનો ગ્રોથ 2.8% હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગ્રોથ ગત ક્વાર્ટરના 5.2%થી વધીને 6% રહ્યો છે. કેટલાક ક્વાર્ટર દરમિયાન ઘટાડા બાદ નાની અને મધ્યમ એફએમસીજી કંપનીઓમાં ફરીથી તેજીનો ચમકારો જોઇ શકાય છે. મૂલ્ય અને વોલ્યૂમની દૃષ્ટિએ મોટા એફએમસીજી દિગ્ગજોની તુલનામાં નાની એફએમસીજી કંપનીઓનો ઝડપી ગ્રોથ નોંધાયો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાને કારણે શહેરી માર્કેટમાં HUL, નેસ્લે, ડાબર અને તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવી એફએમસીજી કંપનીઓની પ્રોડક્ટ્ની માંગમાં નરમાઇ પ્રવર્તી રહી હતી. FMCG વેચાણમાં શહેરી માર્કેટ અંદાજે 62 થી 65%નો હિસ્સો ધરાવે છે જ્યારે બાકીનું યોગદાન ગ્રામીણ વિસ્તારના માર્કેટનું છે, જેમાં મુખ્યત્વે ફૂડ પ્રોડક્ટ્સ અને નાની પ્રોડક્ટ્સનો દબદબો વધુ છે. શહેરી-ગ્રામીણ માર્કેટમાં HPC કેટેગરીમાં ગ્રાહક માંગ સ્થિર
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શહેરી અને ગ્રામીણ માર્કેટમાં એચપીસી કેટેગરીમાં ગ્રાહકોની માંગ સ્થિર રહી હતી જેમાં સ્કીનકેર, શેમ્પૂ, બોડી લોશન, શાવર જેલ, ટૂથપેસ્ટ, લોન્ડરી ડીટર્જન્ટ વગેરે સામેલ છે. તે ઉપરાંત એફએમસીજી સેગમેન્ટમાં મોટી કંપનીઓએ મજબૂત પરફોર્મન્સ નોંધાવ્યું છે.