હિરેન ભટ્ટ
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેનું કામ 2018માં શરૂ થયું હતું અને 2020માં પૂર્ણ કરવાનું હતું. તેની અગાઉથી તૈયાર કરાયેલી ડિઝાઇન મુજબ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹2,620 કરોડ આંકવામાં આવ્યો હતો. જેની મુદત વિત્યાને 4 વર્ષ પછી 2024માં પણ આ કામ અધૂરું છે. ત્યારે સરકારે એજન્સીને દંડ કરવો જોઈએ તેના બદલે એજન્સીને ફાયદો કરાવવા પ્રોજેક્ટમાં ડિઝાઇન બદલી 3 ઓવરબ્રિજ અને 7 અંડરપાસ દૂર કરી દેવાયા અથવા કહો કે ગુમ કરી દેવાયા. ખરેખર ડિઝાઇનમાં આટલા મોટા કામનો કાપ મુકાય તો ખર્ચની રકમ કરોડોમાં ઘટવી જોઈએ તેના બદલે પ્રોજેક્ટ ખર્ચ 730 કરોડ વધારી અધધ.. 3350 કરોડ પહોંચાડી દેવાયો છે. તેમ છતાં હજુ પણ રાજકોટ નજીક સાત હનુમાન મંદિર પાસે, કુવાડવા બાયપાસ અને બગોદરા પાસે બ્રિજનાં કામ બાકી છે, જેથી દિવાળી પર્વ માળામાં રાજકોટ-અમદાવાદ આવન જાવન કરનારા હજારો વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યા વેઠવા સાથે કિંમતી સમય વેડફ્યો છે. ભ્રષ્ટ સિસ્ટમથી હજારો વાહન ચાલકોને કષ્ટ બદલ એજન્સી, RB કે સરકારને જરા પણ ક્ષોભ નથી. આ રહ્યો પ્રોજેક્ટની સમયમર્યાદાનો પુરાવો
19 જાન્યુઆરી 2018એ પ્રોજેક્ટ શરૂ કરી 18 જાન્યુઆરી 2020ના રોજ એટલે કે 24 મહિનામાં પૂર્ણ કરી દેવાનો હતો. કરૂણતા એ છે કે આ સમયમર્યાદા જાણવાં પણ આરટીઆઇ કરવી પડે છે. વાસ્તવમાં સરકારે લોકહિતમાં કામ શરું હોય ત્યાં જ સમયમર્યાદાની આ વિગતો સાથે કોઈને મુશ્કેલી હોય તો રજૂઆત કરવા જવાબદાર અધિકારીનો નંબર દર્શાવવો જોઈએ તેવો નિયમ છે. તમામ કામગીરી માટે એજન્સી નીમી દેવાય છે તો RBના નિષ્ણાત ઈજનેરોનું કામ શું છે?
સરકાર કરોડોના માર્ગોના કામ એજન્સીને આપી દે છે, તેની ડિઝાઇન પણ ખાનગી પાર્ટી તૈયાર કરે છે. મોનિટરિંગ સુદ્ધાં ખાનગી એજન્સી કરે છે તો RBના રાજકોટ, અમદાવાદ અને લીંબડી ત્રણ ત્રણ ડિવિઝનના નિષ્ણાત ઇજનેરોનું કામ શું છે? ખરેખર આ ઈજનેરોની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. ત્રણ ઓવરબ્રિજ અને સાત અંડરપાસનો કાપ મૂકવા છતાં એજન્સી સામે કૂણું વલણ તંત્રની પારદર્શકતા સામે સવાલ ઊભા કરે છે. સરકારે આનો જવાબ આપવો જોઈએ. > શૈલેન્દ્રસિંહ જાડેજા, આરટીઆઇ એક્ટિવિસ્ટ