મહીસાગર જિલ્લો મોટો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર જાનવરો આવી ચડતા હોય છે અને દેખાતા હોય છે. જેમાં સરીસૃપ જીવો રહેણાંક વિસ્તારોમાં વધુ આવી ચડતા હોય છે. જેમાં ખાસ કરીને અજગર અને વિવિધ પ્રજાતિના સાપો રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવે છે. ત્યારે આવી જ ઘટના જિલ્લાના કોલવણ ગામે ઘટી હતી. જ્યાં એક મકાનમાં મસ મોટો ઝેરી પ્રજાતિનો સાપ ઘૂસી આવ્યો હતો જેને જોઈ ઘરના લોકોમાં ભય ફેલાયો હતો. લુણાવાડા તાલુકાના કોલવણ ગામે રહેતા પગી સુરપાલભાઈના મકાનમાં ઝેરી પ્રજાતિનો એક મોટો સાપ ઘૂસી આવ્યો હતો. રહેણાંક મકાનમાં વિશાળ સાપ ઘુસી આવતા ઘરમાં રહેતા લોકો ભયભીત થયા હતા. જ્યારે સાપ રેસ્ક્યુ કરતા ટીમને આ અંગે કોલ કરીને જાણ કરવામાં આવતા એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમના હિતેશભાઈ પ્રજાપતિ કોલવણ ગામે પહોંચ્યા હતા અને મકાનમાં ઘુસી આવેલ સાપનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. હિતેશભાઈના જણાવ્યા અનુસાર આ સાપ અત્યંત ઝેરી પ્રજાતિનો સાપ હતો. જે સાપનું નામ સ્પેક્ટીકલ કોબ્રા છે. દેશી ભાષામાં તેને લોકો નાગ કહે છે. ત્યારે આ ઝેરી સાપનું હિતેશભાઈ દ્વારા રેસ્ક્યુ કરી અને રહેણાક વિસ્તારથી દૂર સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.