સુરતના સિટી લાઈટ વિસ્તારનાં જિમ એન્ડ સ્પામાં ફાટી નીકળેલી આગમાં બે સિક્કિમની યુવતીનો ભોગ લેવાયો હતો. જેનાં માટે મહાનગરપાલિકાનાં અઠવા ઝોન અધિકારીઓ અને ફાયર વિભાગનાં અધિકારીની બેદરકારી પણ સામે આવી છે. જ્યાં આ ઘટના બની તે શિવ પૂજા કોમ્પલેક્સના ટેરેસ ઉપર ટેમ્પેરી સ્ટ્રક્ચર જોવા મળે છે. પતરાના શેડથી બે જગ્યાએ ઓફિસ ઊભી કરવામાં આવી છે. જેમાં એસી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ટેમ્પેરી સ્ટ્રક્ચર કાયદેસર છે કે ગેર કાયદેસર આ અંગે અઠવા ઝોનના અધિકારીઓને જાણકારી જ નથી. બે યુવતીનો ભાગ લીધો
ફાયર વિભાગ દ્વારા નોટિસ-નોટિસનો ખેલ ખેલવામાં આવ્યો. પરંતુ જિમ એન્ડ સ્પા સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે અઠવા ઝોન ઓફિસનાં અધિકારીઓ દ્વારા પણ ચેકિંગ કરવા ઉપરાંત ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં નહીં આવતાં બે નિર્દોષ યુવતીનાં મોત નીપજ્યાં હતાં. સિટી લાઈટ વિસ્તારની આગની ઘટના બાદ ફરી ચેકિંગ કરવાની અને સીલ મારવાની કવાયત હાથ ધરવામાં આવશે. સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્ષમાં બુધવારે સાંજે સન સિટી જિમ (જિમ 11) અને અમૃતિયા સ્પામાં લાગેલી આગે બે યુવતીનો ભાગ લીધો હતો. બંને યુવતીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો
સુરત અઠવા ઝોનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓની લાલિયાવાડીના કારણે બંને યુવતીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોમ્પ્લેક્સમાં એક જ માળે પાર્ટીશન દ્વારા અલાયદો ફ્લોર બનાવી જિમની સાથે અંદરથી અલગથી દાદર બનાવી સ્પા બનાવી દેવામાં આવ્યું હતું અને જેના માટે ગેરકાયદેસર કાચનું એલિવેશન પણ કરવામાં આવ્યું હતું. આગનો ધુમાડો બહાર ન નીકળી શકતા અને સ્પામાં અંદર જ ફેલાવો હતો. બંને યુવતીઓના સ્પામાં અંદર ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યા હતા. આ ઓફિસ જિમની એકદમ ઉપર
આ કોમ્પલેક્સના ટેરેસ પર બે જગ્યાએ ટેમ્પેરી સ્ટ્રક્ચર ઉભું કરી ઓફિસ શરૂ કરવામાં આવી છે. આ ઓફિસ જિમની એકદમ ઉપર છે. પતરાના શેડથી આ ઓફિસ બનાવામાં આવી છે. આ કાયદેસર બાંધકામ છે કે નહિ તે અંગે અધિકારીઓને જાણ સુદ્ધા નથી. અઠવા ઝોનના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મામલે પણ તપાસ કરવામાં આવશે. પાલિકા કમિશનર શાલીની અગ્રવાલે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માગ્યો
આગ દુર્ઘટનામાં પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ, અઠવા ઝોન અને ફાયર વિભાગ ત્રણેય જુદા જુદા મત આપી પોતાનો કક્કો ખરો કરવા મથી રહ્યા છે. બીજી બાજુએ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કડકાઈ અપનાવતા ત્રણેય વિભાગ પાસેથી ઘટના અંગેનો રિપોર્ટ માગ્યો છે. ઝોન અને વિભાગને ભૂતકાળમાં કરેલી કાર્યવાહી અને સ્થળ પર દેખાયેલી બેદરકારીનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવાની તાકીદ કરાઈ છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, કમિશનરે તટસ્થ તપાસ, કાર્યવાહી માટે પોલીસ વિભાગ સાથે પણ સંકલન કર્યું છે. શિવ પૂજા કોમ્પ્લેક્સની અત્યારસુધીની સ્થિતિ અને કાર્યવાહી મોલ અને જિમમાં ઇમર્જન્સી એક્ઝિટ જ નથી
મોલમાં બેદરકારી આ માટે પણ સ્પષ્ટ રીતે જણાય છે. કારણ કે, એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ જગ્યા છે. ઇમર્જન્સી એક્ઝિટ માટે કોઈ વિકલ્પ લોકો પાસે નથી. મેઇન ગેટથી જ એન્ટ્રી અને એક્ઝિટ કરી શકાય છે. જ્યારે જિમની વાત કરવામાં આવે તો જિમથી સ્પામાં જવા માટેનો રસ્તો છે. જિમની અંદર બનાવવામાં આવેલા દાદરથી જ સ્પા તરફ જઈ શકાય છે. મહિલાઓએ અંદરની તરફ ભાગી બાથરૂમનો દરવાજો લોક કરી દીધો
આગ લાગી ત્યારે સ્ટાફના 5 લોકો હાજર હતા, જેમાં ચાર મહિલા અને એક વોચમેન હતો. ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યાં હતાં. જ્યારે બે સ્ટાફની મહિલાઓએ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો. જેથી, કરીને સ્મોક ન આવે પરંતુ, વધુ પડતી હીટને કારણે સ્મોક ફેલાયો હતો. ગૂંગળામણના કારણે બંને સ્પા મહિલા કર્મચારીઓનું મોત થઈ ગયું છે. શરીર ઉપર દાઝ્યાનાં કોઈ નિશાન નથી. બંને મૃતક સિક્કિમની રહેવાસી હતી
સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કિમની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બીનુ હંગામાં લીમ્બુ અને મનીષા રોય નામની યુવતીનું મોત થયું છે. મનીષા રોય એક મહિના પહેલાં જ સુરત આવી હોવાનું તેની બહેને જણાવ્યું છે. તેની બહેનના કહેવા પ્રમાણે તે ક્યાં કામ કરતી હતી તે અંગે તેને કોઈ માહિતી નથી. પરંતુ જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે પહોંચી હતી અને ત્યારબાદ તેની બહેનનું મોત થયું હોવાનું તેને જાણવા મળ્યું હતું. રાજકોટની ઘટના બાદ પણ કોઈ બોધપાઠ લીધો હોય એવું જણાતું નથી
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં માસૂમ લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને તત્કાલ સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, જે સ્ટ્રક્ચર હોય છે તે સ્ટ્રક્ચર કેવી રીતે બન્યાં હોય છે? તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી નથી. જિમ અને સ્પા એકસાથે ચાલી રહ્યું હતું તો અધિકારી દ્વારા તેની સ્થળ તપાસ કરીને તેની ગંભીરતા લેવામાં આવી હતી કે કેમ? જો જિમમાં પાર્ટિશન કરીને ઉપરની તરફ સ્પા ચલાવવામાં આવી રહ્યું હતું તો તેને યોગ્ય રીતે એક્ઝિટ મળી શકે તે પ્રકારનું હતું કે કેમ અને જો નહોતું તો અધિકારીઓએ તાત્કાલિક અસરથી જે-તે સમયે પગલાં કેમ લીધાં નથી. મેયરે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની વાતો કરી છે પરંતુ, આખરે આના માટે જવાબદાર કોને ઠેરવવામાં આવશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે.