સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 5થી 7 ડિસેમ્બર સુધી આંતર કોલેજ એથલેટિક મીટ એટલે કે, 53મો ખેલકૂદ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં દોડ, કૂદ અને રિલે એમ 3 વિભાગની 38 ઇવેન્ટ 3 દિવસ ચાલશે. જેમાં સામાન્ય રીતે એથલેટિક્સ મિટના પ્રથમ દિવસે 10,000 મીટર દોડ, લંગડી ફાળ, વાંસકુદ, બરછી ફેક, હર્ડલ્સ સ્પર્ધાઓ યોજાય છે. બીજા દિવસની ખેલકુદ સ્પર્ધાઓમાં ચક્ર ફેંક, 5000 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, ગોળા ફેક, હથોડા ફેક 400 મીટર હર્ડલ્સ, 100 મીટર અને ઊંચી કૂદ સ્પર્ધા યોજાય છે. જ્યારે ત્રીજા અને અંતિમ દિવસે 1500 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કુદ, 4 x100મી રિલે અને 04 x400 મીટર રિલે દોડ સહિતની સ્પર્ધાઓ યોજાય છે. ગત વર્ષે 68 કૉલેજના 500 જેટલા વિદ્યાર્થી ખેલાડીઓએ જ ભાગ લીધો હતો, જેથી આ વર્ષે પણ તેટલા જ ખેલાડીઓ ભાગ લે તેવું અનુમાન છે. જોકે, યુનિવર્સિટી સંલગ્ન 235 જેટલી કોલેજો છે, તેમ છતા તેમાંથી 4 ગણી ઓછી કોલેજોના ખેલાડીઓ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લેતા હોય છે. જેથી વધુમાં વધુ ખેલાડીઓ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લે તેવા પ્રયાસો કરવામા આવશે. 3 દિવસ અલગ-અલગ પ્રકારની ઇવેન્ટનું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતુ કે, શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ષમાં બે મોટી ઇવેન્ટ યોજવામાં આવે છે. જેમાં એક યુવક મહોત્સવ અને બીજી એથલેટિક મીટ હોય છે. જેમાં એથલેટિક મીટ એ સ્પોર્ટ્સની સૌથી મોટી ઇવેન્ટ ગણવામાં આવે છે. જેમાં 35થી 40 ઇવેન્ટ યોજવામાં આવે છે. જે આ વર્ષે તા. 5, 6 અને 7 ડિસેમ્બર એમ 3 દિવસ યોજવામાં આવશે. ખેલકૂદ મહોત્સવ દરમિયાન ત્રણ દિવસ સુધી અલગ-અલગ પ્રકારની ઇવેન્ટનુ આયોજન કરવામાં આવશે. ખેલકૂદ મહોત્સવ ત્રણ વિભાગમાં યોજાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ખેલકૂદ મહોત્સવ ત્રણ વિભાગમાં યોજવામાં આવશે. જેમાં દોડ, ફૂદ અને ફેંકનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોંગ ઇવેન્ટથી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે 5 ડિસેમ્બરના 10000 મીટર દોડ અને 6 ડિસેમ્બરના 5000 મીટર દોડની ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 100 મીટર અને 200 મીટર દોડની સાથે લોંગ જમ્પ, ત્રિપલ જમ્પ સહિતની ઇવેન્ટ યોજવામાં આવશે. વિજેતાઓને રોકડ ઇનામ અને મેડલ એનાયત કરાશે
એથલેટિક્સ મીટમાં ભાગ લેતા ખેલાડીઓમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઇનામ અને મેડલ એનાયત કરવામાં આવશે. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એથલેટિક્સની ટીમ બનશે તે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. જેમાં આ વખતે રનિંગ, જમ્પિંગ, રિલે, 400 મીટર હર્ડલ્સ, શોર્ટ પૂટમાં ખેલો ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયામાં મેડલ મળે તેવી અપેક્ષા છે. ગત વર્ષે 68 કોલેજે ભાગ લીધો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં 52મો વાર્ષિક ખેલકુદ મહોત્સવ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 68 કોલેજોના 500 જેટલા ખેલાડી ભાઈઓ બહેનૉએ ભાગ લીધો હતો. 3 દિવસ સુધી 38 સ્પર્ધાઓનું આયોજન થયુ હતુ, જેમાં 10 નવા રેકોર્ડ પ્રસ્થાપિત થયાં હતા. જેમાં બહેનોમાં સદગુરુ મહિલા કોલેજની વિદ્યાર્થિની ઝાલા દેવ્યાનીબા મહેન્દ્રસિંહએ 200 મીટર દોડ 00:25:51માં અને 100 મીટર દોડ 00:12:54માં તો 400 મીટર દોડ 00:59:57માં પૂર્ણ કરી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. એક જ કોલેજની વિદ્યાર્થિનીએ ત્રણ રેકોર્ડ બનાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કર્યુ હતુ. રેકોર્ડ સ્થાપિત કરનાર કોલેજો
જ્યારે ભાઈઓમાં 200 મીટર દોડ દવે યશ અસ્વિનભાઈએ 00:22:29 (ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, હડાળા), લાંબી કુદ કડછા દિનેશ કારાભાઈ 6:59 મીટર (જે. જે. કું કુંડલીયા આર્ટસ કોમર્સ કોલેજ, રાજકોટ), 400 મીટર હર્ડલ્સ ઝાલા નિકુંજ જયેન્દ્રભાઈએ 00:56:45 (જે. જે. કું કુંડલીયા આર્ટસ કોમર્સ કોલેજ, રાજકોટ), 800 મીટર ચૌહાણ મહેન્દ્ર અમશીભાઈએ 02:00:88માં (કમાણી સાયન્સ કોલેજ, અમરેલી), 100 મીટર દોડમાં દવે યશ અશ્વિનભાઈએ 00:10:77માં (ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, હડાળા), 400 મીટર દોડ ઝાલા નિકુંજ જયેન્દ્રભાઈએ 00:51:49માં (જે. જે. કું કુંડલીયા આર્ટસ કોમર્સ કોલેજ, રાજકોટ), તો 10,000 મીટર દોડ સાંઘાણી કશ્યપે 00:33:09માં (શાંતિ નિકેતન કોલેજ, રાજકોટ) અને સરવૈયા જયેશે 00:33:09 (જસાણી કોલેજ, રાજકોટ)માં પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો હતો. ગત વર્ષે 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હતો
ગત વર્ષે 10,000 મીટર દોડ ભાઈઓમાં 43 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હતો. ઝાલા નિકુંજે 400 મીટર રનિંગ 51.49 સેકન્ડ સાથે નવો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન પોતાના નામે કર્યો હતો અને 400 મીટર વિઘ્ન દોડમાં પણ આજે 56.47 સેકન્ડનો નિકુંજ ઝાલાએ રેકોર્ડ કર્યો હતો. જ્યારે કુંડલિયા કોલેજના જ કડચા દિનેશ કાળુભાઈએ લાંબીકૂદમાં 6:59 મીટર કૂદીને 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન પોતાના નામે કર્યો હતો.