ક્યારેય એવું સાંભળ્યું નહીં હોય કે, કોઈ વ્યક્તિનું મોત થયાના 20 મહિના પછી ખબર પડી કે તેની હત્યા થઈ છે તે પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં… ફેબ્રુઆરી 2023ના અમદાવાદમાં એક 25થી 30 વર્ષના યુવકની લાશ મળી હતી. સામન્ય રીતે પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતે મોત નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, 20 મહિના બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેનું કારણ એ હતું કે, રિપોર્ટ જોયા બાદ પોલીસને ખબર પડી હતી કે, આ યુવકનું મોત અકસ્માતે નહીં પણ તેની માર મારી હત્યા કરવામાં આવી હતી. જોકે, 20 મહિના થયાં છતાં મૃતક યુવકની ઓળખ હજી સુધી થઈ નથી અને તેના મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે તેના પરિવારજનો કોણ છે તે પણ ખબર પડી નથી અને તેનો હથિયારો કોણ છે તે પણ ખબર નથી, ત્યારે આ ઘટનામાં મૃતક કોણ છે અને અત્યાર સુધી રિપોર્ટ કેમ મોડો આવ્યો તે ખૂબ જ શંકાસ્પદ બાબત છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં જો તપાસમાં એક એજન્સી દ્વારા આટલું મોડું કરવામાં આવે તો તે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. કારગીલ પેટ્રોલ પંપ પાસે યુવકની લાશ પડી હતી
આ બનાવ છે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા કારગીલ પેટ્રોલ પંપ પાસેનો… 1 ફેબ્રુઆરી 2023ના વહેલી સવારે બ્રિજની પાસે આવેલી એક દુકાનની નજીક એક 25થી 30 વર્ષના યુવકની લાશ પડી હતી. અહીં ઘણી જગ્યાએ બ્રિજ નીચે લોકો બિનવારસી રહેતા હોય છે અને જેમ તેમ કરીને પોતાના દિવસો કાઢતા હોય છે. સમાન્ય રીતે કોઈ વ્યક્તિ પસાર થાય તો અજાણ્યો વ્યક્તિ સમજીને આગળ વધી જાય છે, પરંતુ આ બ્રિજ નીચે એવી ઘટના બની જે 20 મહિના બાદ ઉકેલાઈ છે. પોલીસને અજાણ્યા વ્યક્તિની લાશ હોવાનો ફોન આવ્યો હતો
સવારે લાશ પડેલી જોઇને એક વ્યક્તિએ સોલા પોલીસને ફોન કરી જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ સામાન્ય રીતે કોઇ વ્યક્તિની બિનવારસી લાશ મળી છે તે રીતે તપાસમાં ગઈ હતી અને પ્રથમ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં પોલીસને હેમરેજ થયું હોવાનું ખબર પડી હતી, પરંતુ હજી પણ આ તપાસ અહીંયા અટકી ન હતી કારણ કે, શરીર પર બીજા નિશાન હતા. આ નિશાન પડી જવાથી કે અન્ય કોઇ કારણસર હતા તે હજી સ્પષ્ટ થયું ન હતું. એટલે તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટરે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ડિટેઇલમાં અભિપ્રાય માગ્યો હતો. યુવકના મોતના 20 મહિના બાદ PM રિપોર્ટ આવ્યો
જોકે, આ અભિપ્રાય માટે સોલા સિવિલની એક પ્રક્રિયા હોય છે અને તે સીધા પોલીસને આ અંગે જાણ કરતી હોય છે, પરંતુ ધીમે ધીમે સમય ગયો અને સોલા પોલીસ પણ અકસ્માતે મોત થયું તેમ સમજીને આ તપાસ કરી રહી હતી. બીજી તરફ રિપોર્ટ ના આવતા અલગ અલગ અધિકારીઓ વારેઘડીએ સોલા સિવિલને પત્ર લખીને અભિપ્રાય આપવા માટે કહેતા હતા, પરંતુ આ રિપોર્ટ આવતો ન હતો. એક સમયે કદાચ આ ફાઈલ પોલીસ ચોપડે બંધ પણ થઈ ગઈ હોત, પરંતુ કંઈક અજુગતું કોઈની સાથે બન્યું હોય તો કોઈ કડી ચોક્કસ છૂટી જાય છે અને આ સમગ્ર મામલે બે દિવસ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક અભિપ્રાય સોલા પોલીસ સ્ટેશનને મળ્યો હતો. સોલા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો
સોલા પોલીસ દ્વારા સમગ્ર મામલે અભિપ્રાય જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, તેઓ જે અકસ્માતે મોત સમજતા હતા તે યુવકનું મોત ડંડા જેવી વસ્તુઓથી માર મારવાથી થયું હોય તેવું સ્પષ્ટ થયું હતું. એટલે કે, 20 મહિના બાદ પોલીસને ખબર પડી હતી કે જે યુવકની લાશ બ્રિજ નીચેથી મળી હતી તે ખરેખર કોઇએ તેની હત્યા કરીને ફેંકી દીધી હતી. આ મામલે હાલ સોલા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 20 મહિના પછી સ્પષ્ટ થયું કે યુવકની હત્યા થઈ છે: પીઆઇ
આ સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન. ભૂકાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે અનેક વખત સોલા સિવિલ હોસ્પિટલને પત્ર લખ્યો હતો અને અભિપ્રાય માગ્યો હતો. જે આવતા 20 મહિના થયા અને સ્પષ્ટ થયું કે મૃતક યુવકની હત્યા થઈ છે. આ યુવક કોણ છે જે ઓળખી શકાયું નથી. જે તે સમયે તેના નિયમ પ્રમાણે લાશના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. તેના ડીએનએ માટે કેટલાક સેમ્પલ રાખવામાં આવ્યા છે, પરંતુ હવે આ સમગ્ર તપાસે નવો વળાંક લીધો છે. આ મામલે મને જાણ નથી: સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ
આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દીપીકા સિંગલ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી તો જાણવા મળ્યું કે, સમાન્ય રીતે આવા રિપોર્ટ સીધા પોલીસ સ્ટેશન જતા હોય છે. આ મામલે મને જાણ નથી પણ હું તપાસ કરીને તમને જણાવીશ. શું થઈ ફરિયાદ
હું કે. એન. ભૂકણ, પોલીસ ઇન્સ્પેક્ટર, સોલા હાઇકોર્ટ પોલીસ મારી સ.ત. ફરિયાદ હકીકત એવી છે કે, ગઈ તા. 1/2/2023ના રોજ પોલીસ કંટ્રોલ રૂમના કલાક 15/16 વાગ્યાથી કેસ નં. 19508નો મેસેજ મળ્યો કે, “એસ.જી. હાઈવે કારગીલ પેટ્રોલ પંપની સામે ટોયોટા શો રૂમને ત્યાં ઉપરોકત જગ્યાએ બિનવારસી લાશ મળી આવી. ‘જે મેસેજ આધારે મેસેજવાળી જગ્યાએ પો.સબ.ઇન્સ. બી.એલ.સુસરાએ જઈ તપાસ કરતા મૃતક અજાણ્યો પુરૂષ (ઉ.વ.25થી 30)ના આશરાનો જેના નામ-સરનામાની ખબર નથી. તે શરીરે પાતળા બાંધાનો, રંગે ઘઉં વર્ણનો, ઉંચાઈ આશરે 5.6 ફૂટની જેને શરીરે બન્ને હાથે કાંડાના ભાગે તથા પીઠના ભાગે તથા બેઠકના ભાગે ઘસરકા તેમજ ચકામાના નિશાન જોવા મળ્યા તેમજ કપાળના ભાગે છોલાયેલા નિશાન જોવા મળ્યા હતા. જે અજાણ્યો પુરૂષ ગઈ તા. 1/2/2023ના કલાક 15:00 વાગ્યા પહેલાં કોઈપણ સમયે કોઇ અગમ્ય કારણોસર કારગીલ ચાર રસ્તા પર આવેલી સ્પીનલ નામની સાઇટ ઓફિસના ઓટલા ઉપર મૃત હાલતમાં મળી આવ્યો હોય જે મૃતકની લાશ ઉપર ઈન્કવેસ્ટ પંચનામું ભરી પેનલ ડોક્ટર દ્વારા મૃતકનું પી.એમ. કરાવવા તજવીજ કરવામાં આવી હતી. મૃતકનું સોલા સિવિલ હોસ્પિટલના પી.એમ. નં. 33/2023 તા. 5/2/2023ના પી.એમ. કરાવવામાં આવ્યું તેમજ આ કામે મૃતક અંગે જાણ કરનાર અક્ષય રાકેશભાઈ પટેલ (ઉ.વ.24, રહે, મ.નં. 42, જુહુપાર્ક સોસા, સ્વસ્તીક સ્કૂલની સામે નવા વાડજ, અમદાવાદ શહેર)ની જાહેરાત આધારે મૃતક યુવકના મોત બાબતે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન અ.મોત નં. 13/2023 સી.આર.પી.સી. કલમ 174 મુજબની રજિસ્ટર કરવામાં આવી હતી. પી.એમ. નોટમાં મોતનું ચોક્કસ કારણ cause of death is shock and hemorrhage due to injuries sustained over bodyનું લખાઈ આવ્યું હતું. જેથી આ બાબતને આર.એમ.ઓ. સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ શહેર પાસેથી અભિપ્રાય માંગતા પી.એમ. કરનાર ડોક્ટરે અજાણ્યા પુરુષની લાશના શરીર ઉપરના ઈજાના નિશાન કોઇ બોથડ પદાર્થ જેવા કે લાકડી કે પટ્ટા મારવાથી થઈ શકે અને આ પ્રકારની ઇજાના નિશાનો માર મારવાથી થઈ શકે તેવો લેખિત અભિપ્રાય આપ્યો છે. જેથી તા. 1/2/2023ના કલાક 15:00 વાગ્યા પહેલાં કોઇપણ સમયે કોઇ અજાણ્યા આરોપીએ કારગીલ ચાર રસ્તા ઉપર આવેલી સ્પીનલ નામની સાઈટ ઓફિસના ઓટલા ઉપર, સોલા અમદાવાદ ખાતે કોઇ અગમ્ય કારણોસર મૃતક અજાણ્યા પુરૂષ (ઉ.વ. 25થી 30)ના આશરાના જેનું નામ સરનામું જણાઈ આવ્યું નથી તેને શરીરે બોથડ પદાર્થ જેવા કે લાકડાના દંડા કે પટ્ટાનો માર મારી મોત નીપજાવી ગુનો કર્યો હોય મારી અજાણ્યા આરોપી વિરુધ્ધમાં ઈ.પી.કો. કલમ 302 મુજબ કાયદેસર તપાસ થવા ફરિયાદ છે. મારા સાહેદ ફરિયાદમાં જણાવ્યું તથા પોલીસ તપાસમાં મળી આવે તે વિગેરે છે. એટલી મારી ફરિયાદ હકીકત બરાબર અને ખરી છે.