એક્ટર અને ડાયરેકટર અનંત મહાદેવને તાજેતરમાં વિનોદ ખન્ના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિનોદ ખન્ના અમેરિકાના ઓશો આશ્રમમાં ગયા હોવા છતાં તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે જ્યારે ફિલ્મ ‘ઈન્સાફ’ રિલીઝ થઈ ત્યારે ટિકિટ માટે થિયેટરોની બહાર લોકોની લાંબી લાઈનો હતી. સિદ્ધાર્થ કન્નન સાથેની મુલાકાતમાં, અનંત મહાદેવને વિનોદ ખન્ના સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી. અનંત મહાદેવને કહ્યું, હું હંમેશા વિનોદ ખન્ના જેવા મોટા કલાકાર સાથે કામ કરવા માંગતો હતો. જ્યારે તમે તમારા દિલથી કંઈક ઈચ્છો છો, ત્યારે તે સાચું પણ થાય છે. જ્યારે મેં ‘રેડ એલર્ટ’ ફિલ્મ બનાવી હતી, જે નક્સલવાદીઓ પર હતી, તેમાં આશિષ વિદ્યાર્થી, સમીર રેડ્ડી અને સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સ હતા. જો કે એ ફિલ્મમાં વિનોદ ખન્નાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને મને પણ તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. અનંત મહાદેવને કહ્યું, એક સમય એવો હતો જ્યારે વિનોદ ખન્નાનું સ્ટારડમ અમિતાભ બચ્ચન માટે પડકાર બની ગયું હતું. પરંતુ જ્યારે તે પોતાની ફિલ્મી કરિયર છોડીને અમેરિકાના ઓશો આશ્રમમાં ગયા ત્યારે બધું બદલાઈ ગયું. જો કે, જ્યારે તે પાંચ વર્ષ પછી પાછા આવ્યા અને ‘ઈન્સાફ’ ફિલ્મથી તેની કારકિર્દી ફરી શરૂ કરી, ત્યારે તેની લોકપ્રિયતા એટલી જબરદસ્ત હતી કે લોકો અપ્સરા થિયેટરથી એક કિલોમીટર દૂર આવેલા મરાઠા મંદિર સુધી ટિકિટ ખરીદવા લોકો લાઈનમાં ઉભા હતા. અનંતે કહ્યું, ‘ઇન્સાફ’ ફિલ્મની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. પરંતુ ફિલ્મ બહુ સફળ રહી ન હતી. જો કે, વિનોદ ખન્ના એવા વ્યક્તિ હતા જેમણે દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં પોતાને સાબિત કર્યા, પછી તે ફિલ્મો હોય કે રાજકારણ. અનંતે આગળ કહ્યું, વિનોદ ખન્ના ખૂબ જ ખુશખુશાલ અને સારા વ્યક્તિ હતા. જ્યારે પણ હું રોલ માટે તેની પાસે જતો ત્યારે તે કહેતા, અનંત, તું મને ઓળખે છે, મારો એક રેટ છે. હું 35 લાખ જ લઉં છું. તમે એક દિવસ શૂટ કરો કે 20 દિવસ, મારી ફી એક જ રહે છે.