રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટનાં આદેશ મુજબ ફાયર વિભાગ દ્વારા ફાયરના NOC માટેની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે. તેમજ લોકો પણ આ માટે જાગૃત બન્યા છે. જેમાં તંત્ર દ્વારા આપવામાં આવેલા ફાયર NOCને સ્થાનિકોએ જ ગેરકાયદે ગણાવ્યું છે. રાજકોટનાં કાલાવડ રોડ નજીક રંગોલી પાર્ક નામની હાઉસિંગ બોર્ડની સોસાયટી આવેલ છે. અમદાવાદના FSO દ્વારા આ બિલ્ડિંગને ફાયર NOC અપાયું હતું. છતાં સ્થાનિકોએ તેને ગેરકાયદે ગણાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન થયાનો આરોપ લગાવતા આજે અમદાવાદથી FSO સહિતની ટીમ આવી પહોંચી હતી. અમદાવાદથી FSO ધ્રુવકુમાર સોની તેમની ટીમ સાથે આવ્યા
રંગોલી પાર્કનાં રહેવાસી ભીખાલાલ સહાયતાએ આ અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો ફાયર NOC લેવા માટે પ્રયાસ કરે છે. પરંતુ અમને ફાયર NOC મળ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ. કારણ કે, આ માટે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરીને અપાયેલા આ ફાયર NOCનાં મુદ્દે અમે ગાંધીનગરથી લઈ પ્રધાનમંત્રી સુધી રજુઆતો કરતા આજે અમદાવાદથી FSO ધ્રુવકુમાર સોની તેમની ટીમ સાથે આવ્યા છે. તમામ મુદ્દે ચકાસણી કરાઈ રહી છે. ફાયર ફાઈટરને પસાર થવાની જગ્યા નિયમ કરતા ઓછી
નિયમોના ઉલ્લંઘન અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, અમારા બિલ્ડિંગમાં સ્ટ્રેચર લિફ્ટ અપાઈ નથી. ફાયર ફાઈટરને પસાર થવાની જગ્યા પણ નિયમ કરતા અહીં ઓછી છે. નિયમો મુજબ આ માટે 12 મીટર જગ્યા હોવી જોઈએ. જેના બદલે અહીં માત્ર 5 મીટર જગ્યા રાખવામાં આવી છે. સામેના બિલ્ડિંગમાં એક્ઝિટ ગેટ માટેની જગ્યા હોવા છતાં પણ અલગ બનાવ્યો નથી. તેમજ ટ્રાન્સફોર્મર પણ જોખમી રીતે રાખવામાં આવ્યા છે. ત્યારે ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટના થાય તો મોટી નુકસાની કે જાનહાનિ થવાનો ભય છે. બહાર નીકળવા માટેનો બીજો દરવાજો નથી
દિનેશભાઈ ભટ્ટનાં જણાવ્યા મુજબ અહીં ફાયર NOC આપી દેવાયું છે. ફાયરના નોર્મ્સ માટે હાઉસિંગ બોર્ડને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી પણ ફાયર સ્પ્રિંકલર સિવાયની કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. રૂડા પાસે મંજૂર કરાવેલ નકશામાં દર્શાવેલ ફાયર સ્ટેશન આપવામાં આવ્યું નથી. આ તમામ કન્ડિશન પૂરી કરવાની શરતે બીયુ આપવામાં આવ્યું હતું. પણ 7 વર્ષમાં આ પૈકીની કોઈ શરતનું પાલન કરવામાં આવ્યું નથી. છતાં પણ અહીં ફાયર NOC આપી દેવામાં આવ્યું છે. અહીં A અને B એમ બે બિલ્ડિંગ છે. જેમાં ફાયરના વાહનો જઈ શકે તે માટે એક દરવાજો છે. પણ નિયમ મુજબ બહાર નીકળવા માટેનો બીજો દરવાજો નથી. નિયમ મુજબની તમામ સગવડ ઉભી કરો
વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે બિલ્ડીંગમાં ફાયરના વાહનો પસાર થઈ શકે તેટલી જગ્યા વચ્ચે રાખવી જોઈએ. પરંતુ આ બિલ્ડીંગમાં તેના માટે પણ પૂરતી જગ્યા નથી. બિલ્ડીંગમાં નીચે દુકાનો આવેલી છે. જેને પણ ફાયર NOC મળી ગયું છે. પરંતુ ફાયર માટેનું કોઈ સાધન ત્યાં લગાવવામાં આવ્યું નથી. વીજ મીટર પાસે પણ ફાયરના સાધનો હોવા જોઈએ. જે પણ આ બિલ્ડીંગમાં જોવા મળતા નથી. આમ ફાયરના નિયમોનું અહીં ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અહીં કુલ 1164 પરિવાર એટલે કે, 5,000 કરતા વધુ લોકો રહે છે. ત્યારે નિયમ મુજબની તમામ સગવડ ઉભી કરવામાં આવે તેવી અમારી માગ છે. સ્થાનિકો દ્વારા ફાયર NOCનાં વિરોધ માટે રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ દિવસભર ચકાસણી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદથી FSO ધ્રુવકુમાર સોની સ્થાનિકોની રજૂઆતને પગલે ચેકિંગ કરવા માટે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફાયર NOC માટે FSOની નિમણૂક કરવામાં આવી છે. જો કે, સ્થાનિકોએ તેમને અપાયેલા ફાયર NOCનો વિરોધ કરતા અમે આજે બીજી વખત અહીં આવ્યા છીએ. અને સ્થાનિકોની રજુઆતને લઈને દિવસભર ચકાસણી કરવામાં આવશે. જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો તેની પૂર્તિ કરવામાં આવશે. સ્થાનિકોની કોઈપણ ગેરસમજ હશે તો તેને લાઈવ ડેમોસ્ટ્રેશન આપીને દૂર કરવામાં આવશે. આ માટે જરૂર પડ્યે આગ લાગી હોવાની મોકડ્રિલ યોજવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.