અચાનક ટ્રેક્ટર આવી જતાં બાઈક ખાડામાં ઉતરી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે રહેતા યુવાનની દીકરીને તાવ આવતો હોવાથી તે તેના ભાઈ સાથે બાઈક પર શહેરા ખાતે સારવાર માટે લઈને જતો હતા. તે સમયે ગમનબારિયાના મુવાડા ગામે રોડ પર એક ટ્રેક્ટર આવી જતાં બાઈકચાલક બાઈક સહિત ખાડામાં પડી ગયો હતો. જેથી તેણે આ બાબતે ટ્રેક્ટરચાલકને ‘જોઈને કેમ નથી વાળતાં’ તેમ કહી ઠપકો આપ્યો હતો. જેથી ટ્રેક્ટરચાલકે યુવાન સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં એક મહિલા સહિત ત્રણ જણા સામે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. ઉશ્કેરાયેલા શખસોએ યુવકને ઝાડ સાથે બાંધી માર માર્યો
શહેરા પોલીસ મથક ખાતે યુવાનના પિતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, મારી પૌત્રીને તાવ આવતો હોવાથી મારા છોકરા હરીશ ખાંટ અને દિપક ખાંટ બપોરના સમયે શહેરા ખાતે દવાખાને જતા હતા. તે સમયે તેમના પર દીકરા હરીશનો ફોન આવ્યો હતો કે, અમે રસ્તા પર જતા હતા તે સમયે એક ટ્રેક્ટરચાલકે એકદમ તેનું ટ્રેક્ટર વળાવતાં અમારી બાઈક સાઈડમાં ઉતરી ગઈ હતી. આ મામલે ટ્રેક્ટર ચાલક બારિયા કનુભાઈ નાનાભાઈ, બારિયા અજયભાઈ કનુભાઈ અને અંબાબેન નાનાભાઈ એમ આ ત્રણેય જણે અમારી સાથે ઝગડો કર્યો છે. ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી
પિતા તાત્કાલિક તેમના ભાઈ સાથે ગમનબારિયા પહોંચ્યા હતા. ત્યાં સામેવાળા સાથે બોલાચાલી થતી હતી. આ ત્રણેય આરોપીઓએ તેમના દીકરા સાથે મારામારી કરી તેને ગડદાપાટુંનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મારનો ભોગ બનેલાને ઈજા થતાં લુણાવાડા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ત્રણ આરોપી સામે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. યુવાનને ઝાડ સાથે બાંધીને માર મારતાં હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ
આ મામલે કનૂભાઈ બારીયાએ પણવિક્રમભાઈ,હરીશભાઈ,સરદારભાઈ રહે સંભાલી સામે મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાવી છે.આમ આ મામલે સામસામી ફરિયાદ નોધાવા પામી છે.