યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ડોનાલ્ડ ટ્રમ્પે સાથે ફોન પર વાતચીત કરી હતી. જ્યારે ટ્રમ્પ ઝેલેન્સ્કી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઈલોન મસ્ક પણ તેમની સાથે ફોન પર હાજર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ-ઝેલેન્સકી અને મસ્ક વચ્ચેની વાતચીત કુલ 25 મિનિટ સુધી ચાલી હતી. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ તેમના નિવાસ સ્થાન માર-એ-લાગોમાં ઈલોન મસ્ક સાથે હતા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી જીત મેળવવા બદલ ઝેલેન્સકીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન આપવા ફોન કર્યો હતો. ટ્રમ્પે ફોન સ્પીકર પર મુક્યો હતો અને મસ્કે પણ ઝેલેન્સકી સાથે વાત કરી હતી. ઝેલેન્સકીએ રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને સ્ટારલિંકના માધ્યમથી ઈન્ટરનેટ સેવા પ્રદાન કરવામાં મદદ કરવા બદલ મસ્કનો આભાર માન્યો હતો. અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ન્યૂઝ એજન્સી AFPએ શુક્રવારે યુક્રેનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે બિઝનેસમેન ઈલોન મસ્કે પણ વાતચીતમાં સામેલ થયા હતા. CNN મુજબ આ વાતચીત ‘સકારાત્મક’ રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ફોન પર વાત કરી ત્યારે ઈલોન મસ્ક, ફ્લોરિડાના પામ બીચમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના નિવાસસ્થાન અને લક્ઝરી રિસોર્ટ માર-એ-લાગો ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હતા. ફોન કોલ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કને ફોન સોંપ્યો હતો અને સ્પેસએક્સના ફાઉન્ડરને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીતમાં જોડાવા જણાવ્યું હતું. અમેરિકન વેબસાઈટ Axiosએ સૌથી પહેલા દાવો કર્યો હતો કે આ વાતચીતમાં મસ્ક પણ સામેલ હતા. આ પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના એક સીનિયર અધિકારીએ સમાચાર એજન્સી AFP સાથેની વાતચીતમાં આ દાવાને યોગ્ય ઠેરવ્યો છે. રિપોર્ટમાં મીટિંગની જાણકારી ધરાવતા ત્રણ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ વાતચીત 25 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકીને આશ્વાસન આપ્યું કે તેઓ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં તેમની મદદ કરશે. ઝેલેન્સકીએ મસ્કનો આભાર માન્યો ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું કે તેઓ ડિપ્લોમેસીને વધુ એક તક આપવા માંગે છે. હું વચન આપું છું કે તમે મારાથી નિરાશ થશો નહીં. આ પછી ટ્રમ્પે મસ્કને ફોન આપ્યો. મસ્કે ઝેલેન્સ્કી સાથે વાત કરી. ઝેલેન્સકીએ યુક્રેનને ઈન્ટરનેટ સેવા આપવા બદલ મસ્કનો આભાર માન્યો હતો. મસ્કએ કહ્યું કે તે તેના સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે. 2022માં યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ યુક્રેનમાં કોમ્યુનિકેશન નેટવર્કને નષ્ટ કર્યુ હતું. ત્યારથી, મસ્કની સ્ટારલિંક સિસ્ટમ યુક્રેનમાં ઇન્ટરનેટ પ્રદાન કરી રહી છે. તુર્કીના રાષ્ટ્રપતિએ પણ ટ્રમ્પ-મસ્ક સાથે હોવાની વાત કરી હતી આ પહેલા ગુરુવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું હતું કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. તે સમયે ટ્રમ્પ અને મસ્ક સાથે ડિનર કરી રહ્યા હતા. આ દરમિયાન મસ્કનો પુત્ર પણ તેની સાથે હતો. એર્દોગને કહ્યું કે તેમણે ટ્રમ્પને મિડલ ઈસ્ટમાં યુદ્ધ રોકવા માટે અપીલ કરી હતી. તેણે મસ્ક સાથે વાતચીત કરી છે કે નહીં તે જણાવ્યું નથી. બે વિશ્વ નેતાઓ વચ્ચેની વાતચીત વચ્ચે મસ્કની હાજરી એ સંકેત છે કે ટેસ્લાના વડા આગામી સમયમાં ટ્રમ્પ સરકારમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ટ્રમ્પ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ તેમની આગામી સરકારમાં સલાહકારની ભૂમિકામાં મસ્કને સામેલ કરવા માંગે છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ મસ્કે ટ્રમ્પના પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ એવા પ્રથમ પ્રખ્યાત બિઝનેસમેન હતા જેમણે ખુલ્લેઆમ ટ્રમ્પની તરફેણમાં પ્રચાર કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, મસ્કે ટ્રમ્પના પ્રચારમાં 900 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ટ્રમ્પે ઝેલેન્સકીની ટીકા કરી હતી, તેમને શાનદાર સેલ્સમેન કહ્યા હતા
રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી મેળવ્યા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં ટ્રમ્પે ઝેલેન્સકીની ટીકા કરી હતી અને તેમને એક ‘શાનદાર સેલ્સમેન’ ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન કરદાતાઓના પૈસા યુક્રેન પર ખર્ચવાને બદલે અમેરિકન નાગરિકોની ભલાઈ માટે ખર્ચાવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું- અત્યાર સુધી જન્મેલા તમામ નેતાઓમાં કદાચ ઝેલેન્સકી શ્રેષ્ઠ સેલ્સમેન છે. જ્યારે પણ તે અમેરિકા આવે છે ત્યારે તે 60 બિલિયન ડોલર લઈ જાય છે. તે ચાર દિવસ પહેલા અમેરિકાથી 60 બિલિયન ડૉલર લઈને વતન પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ફરી જાહેરાત કરી હતી કે તેમને વધુ 60 બિલિયન ડૉલર મદદની જરૂર છે. આ ક્યારેય પુરું થશે નહીં. ટ્રમ્પ 2023થી કહી રહ્યા છે કે તેઓ 24 કલાકમાં યુદ્ધ અટકાવી દેશે ટ્રમ્પે મે 2023માં કહ્યું હતું કે યુદ્ધમાં રશિયનો અને યુક્રેનિયનો મરી રહ્યા છે. હું આ યુદ્ધનો 24 કલાકમાં બંધ કરાવી દઈશ. પછી તેમણે કહ્યું કે તે પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. ત્યારથી ટ્રમ્પ વારંવાર આ વાત કહી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચર્ચામાં ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે બાઈડને પુતિન પર યુદ્ધ લાદી દીધું છે. જો તે રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થાત.