ત્રિશૂળિયા ઘાટ ભયજનક અકસ્માત માટે ઓળખાય છે. અવારનવાર અહીં અકસ્માતની ઘટના બનતી હોય છે. આજે ફરીથી એક વખત અકસ્માતની ઘટના સામે આવી હતી. એમાં અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી. આ ઘટનામાં કુલ 37 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 9 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતમાં કુલ 37 લોકો ઘાયલ, 9ની હાલત ગંભીર
આજે અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ ઉપર ટ્રિપલ અક્સ્માત સર્જાયો હતો, જેમાં મેક્સ ગાડી, કાર અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લક્ઝરી બસમાં અંજારના કુલ 28 મુસાફરો સવાર હતા, જેઓ અંબાજીથી દર્શન કરીને ઘરે પરત જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલોની સંખ્યા વધારે હોવાથી 4 જેટલી 108 મારફત 37 ઇજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 9 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા છે. લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં બે વાહનને અડફેટે લીધા
અંબાજી નજીક આવેલા ત્રિશૂળિયા ઘાટમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આજે અંજારથી અંબાજી દર્શેનાર્થે આવેલા યાત્રિકોની લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી, જેથી લક્ઝરી બસમાં સવાર 28માંથી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને ત્રણથી ચાર જેટલી 108 મારફત સારવાર અર્થે દાતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ‘એર ભરાય તો બ્રેક ન લગાવી શકાય’ : ડ્રાઇવર
બસના ડ્રાઈવર દિલીપ માળીએ જણાવ્યું હતું કે બ્રેક લાઈન તૂટી ગઈ હતી. સ્પીડ બ્રેકર કુદાવ્યા પછી ગાડી કંટ્રોલ થતી નહોતી. એર ભરાય તો બ્રેક ન લગાવી શકાય. આ બાજુ નાખું તો ગાડી ખાઈમાં જાય એમ હતી, જેથી મેં બીજી બાજુ ઘણી કન્ટ્રોલ કરી, બારીઓમાંથી રાડો પણ નાખી કે ‘ભાઈ, બ્રેક ફેલ થઈ ગઈ…બ્રેક ફેલ થઈ ગઈ’ લક્ઝરીમાં અંજારના યાત્રિકો સવાર હતા
બસના કંડક્ટર નિખિલે જણાવ્યું હતું કે બસમાં 28 લોકો સવાર હતા. ગાડી કચ્છથી આવી હતી. ઓચિંતાની બ્રેક ફેલ થતાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. બધાને ઈજાઓ થઈ છે, ખાલી નાનાં બાળકોને કોઈ ઈજાઓ થઈ નથી. 37માંથી 9 લોકો ગંભીર રીતે ઘાયલ
દાંતા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર કે. કે. સિંહે જણાવ્યું હતું કે અંબાજી અને દાંતાની વચ્ચે અકસ્માત થયો હતો. અમને મળેલી માહિતી મુજબ એક લકઝરી અને બે ગાડી પલટી મારી ગઈ હતી. અમારે ત્યાં કુલ 32 ઈજાગ્રસ્તો આવ્યા હતા, જેમાંથી 6 લોકોને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. બીજા લોકો હાલ અહીં સારવાર હેઠળ છે. અકસ્માતની તસવીરો…