રાજકોટના કેન્સર કેર ફાઉન્ડેશને 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડેને અનોખી અને સાહસિક રીતે ઊજવવાનું નક્કી કર્યું છે. સંસ્થા ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહી છે, જેમાં વિશ્વભરના કેન્સર વોરિયર્સ કૃષ્ણનગરી દ્વારકાથી શિવનગરી સોમનાથ સુધી 250 કિલોમિટર કાયકિંગ એટલે કે દરિયાનું ખેડાણ કરશે. વિશ્વમાં સંભવતઃ પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે કેન્સર વોરિયર્સ દરિયામાં સાહસિક પ્રવૃત્તિ કરશે. આ માટે વિનામૂલ્યે 20 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. રજિસ્ટ્રેશન માટે આ વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરો
9824810036 આ ઇ-મેઇલ આઇડીથી પણ સંપર્ક કરી શકાશે cancercarefoundation.rajkot@gmail.com
www.cancercarefoundation.org કેન્સર વોરિયર્સની ફિઝિકલ-મેન્ટલ એબિલિટી ચકાસાશે
રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશનના સેક્રેટરી બંકિમ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સર વોરિયર્સ માટે કાયકિંગનું આ પ્રથમ વખત આયોજન છે, જેમાં સૌપ્રથમ તો આ કેન્સર વોરિયર્સને સ્વિમિંગ પૂલમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં તેઓ 500 મીટર સ્વિમિંગ કરી શકતા હોવા જોઈએ. જેમની સાથે લાઈફ બોટ પણ રાખવામાં આવશે. આજથી(9 નવેમ્બર) ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં શરૂઆતના એક મહિના સુધી તેમને સ્વિમિંગ પૂલમાં તાલીમ આપવામાં આવશે અને ત્યાર બાદ ઓપન વોટરમાં લઈ જવામાં આવશે, એટલે કે પોરબંદર અને નવા બંદર સહિતના દરિયાકાંઠે સ્વિમિંગ અને કાયકિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એમાં સૌપ્રથમ તો આ કેન્સર વોરિયર્સની ફિઝિકલ એબિલિટી ચકાસવામાં આવશે અને આ સાથે જ તેમની માનસિક સ્થિતિ 250 કિલોમીટર સુધી કાયકિંગ કરવાની છે કે નહીં એ તમામ બાબતો ચકાસ્યા બાદ સિલેક્શન કરવામાં આવશે. અગાઉ દ્વારકાથી સોમનાથ સુધી 20 બાળકોએ સ્વિમિંગ કર્યું હતું. બહેનોને HPV વેક્સિન અપાશે
રાજકોટના કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અશ્વિન સોલંકીએ જણાવ્યું હતુ કે કેન્સર કેર ફાઉન્ડેશન અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન દ્વારા 25 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી દ્વારકાથી સોમનાથ સુધી દરિયામાં કાયકિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ 10 દિવસ સુધી ચાલશે. એ દરમિયાન દ્વારકાથી સોમનાથ સુધીના દરિયાકિનારાનાં 5 મોટાં સેન્ટર ઉપરાંત 30 ગામડાંમાં વેક્સિનેશન કેમ્પ અને મેમોગ્રાફી ફ્રી કરવામાં આવશે, જેમાં બહેનોને સર્વાઇકલ એટલે કે ગર્ભાશયનું કેન્સર ન થાય એ માટે HPV વેક્સિન આપવામાં આવશે અને કેન્સર અંગે જાગૃતિ આપવામાં આવશે. અત્યારસુધી 12 રજિસ્ટ્રેશન થયાં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયાનો સૌથી મોટો અને લાંબો એટલે કે 250 કિલોમીટરનો દરિયાકિનારાનો પ્રવાસ કેન્સર વોરિયર્સ દ્વારા કરવામાં આવશે. અત્યારસુધી આ પ્રકારનો પ્રવાસ કોઈપણ જગ્યાએ થયો નથી, જેનો ઉદ્દેશ એકમાત્ર એ છે કે કેન્સર પછીનું જીવન જીવવા યોગ્ય છે અને ફરી વખત કેન્સર ન થાય એ માટેના પ્રયાસો કરવાના છે. એનો સંદેશો પણ કેન્સર વોરિયર્સ ભાઈઓ અને બહેનો જ આપશે. એ માટે હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે, જેમાં અત્યાર સુધી 12 રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. હાલ કેનેડાથી 2, યુ.કે, ઓડિશા અને મહારાષ્ટ્રથી 1-1 કેન્સર વોરિયર્સની એન્ટ્રી આવી ચૂકી છે. વર્ષ 2019માં કેન્સર કેર ફાઉન્ડેશનની શરૂઆત થઈ
કેન્સર કેર ફાઉન્ડેશનની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. એ વખતે મને કેન્સર ડિટેક્ટ થયું હતું અને રેડિયેશન અને કીમોથેરપીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. એ દરમિયાન કોરોના કાળ આવ્યો અને એમાં ઘણી બધી વ્યક્તિઓ મૃત્યુ પામી, જેથી મને એક વિચાર આવ્યો કે મૃત્યુ તો બધાનું નિશ્ચિત જ છે, પરંતુ કેન્સર વોરિયર્સ માટે કંઈક કરવું જોઈએ, કારણ કે મારી સાથે જે લોકો રેડિયેશન અને કીમોથેરપી લેતા હતા તેવા ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેથી કેન્સર વોરિયર્સને મોટિવેશનની સાથે જુદી જુદી પ્રકારની મદદ શરૂ કરી. એમાં સેમિનાર ઉપરાંત યોગ અને ધ્યાન શિબિર શરૂ કરી હતી. ગત વર્ષે કેન્સર વોરિયર્સનો ફેશન-શો યોજાયો હતો
ગત વર્ષે કેન્સર વોરિયર્સ બહેનો માટે ફેશન-શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દેશમાં પ્રથમ વખત થયું હતું. એમાં 16થી 78 વર્ષનાં 82 કેન્સર વોરિયર્સ બહેનોએ રેમ્પ વોક કર્યું હતું. એને લીધે આ ઇવેન્ટ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી હતી. એમાં ગિનીઝ બુક ઓફ રેકોર્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે, જેના પરિણામે કેન્સર વોરિયર્સ બહેનોનું કહેવું એવું હતું કે આ ઇવેન્ટથી અમારું આયુષ્ય 10 વર્ષ વધી ગયું છે. એનાથી કેન્સરગ્રસ્ત લોકોને ઘણું મોટિવેશન મળ્યું હતું. નવરાત્રિમાં 3000 કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યા હતા
તાજેતરમાં જ નવરાત્રિ દરમિયાન કેન્સર વોરિયર્સ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી 3000 કેન્સર વોરિયર્સ રાજકોટ આવ્યાં હતાં અને ગરબે ઘૂમ્યાં હતાં.એજેમાં કેન્સર વોરિયર્સ બાળકો, ભાઈઓ અને બહેનો ખૂબ જ ખુશીથી ગરબા રમ્યાં હતાં. કેન્સર વોરિયર્સ માટે ભોજન તેમજ રહેવાની સુવિધા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. કેન્સર ન થાય એ માટેના પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું
આ તકે કેન્સર વોરિયર્સ તેમજ કેન્સર ન થાય એ માટેના પુસ્તકનું વિમોચન પણ કથાકાર મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં એક પુસ્તક કિંત્સુગી ટેલ્સ નામનું છે. એમાં 28 કેન્સર વોરિયર્સ બહેનો દ્વારા કેન્સર પછીના સોનેરી જોડાણની સત્ય કહાનીઓ રજૂ કરવામાં આવેલી છે. એમાં આ બહેનોને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મનમાં કયા પ્રકારની લાગણીઓ ઊભી થઈ, તેમના ખુદના વિચારો સાથે ઊભું થયેલું દ્વન્દ્વયુદ્ધ, પરિવારના કયા પ્રકારના રિએક્શન આવ્યા. ઉપરાંત કેન્સરની સારવાર દરમિયાન જે મુશ્કેલીઓ પડી અને એમાંથી કઈ રીતે બહાર નીકળ્યા એની સત્ય ઘટના રજૂ કરવામાં આવેલી છે. જ્યારે અન્ય પુસ્તક છે વ્યસન એ કેન્સર. જે ભાઈઓ વ્યસની હોય છે અને તેમના માટેની તેમની શું સમસ્યાઓ હોય છે અને વ્યસનમાંથી પણ બહાર નીકળી શકાય છે અને કેન્સર થયું હોય તોપણ એમાંથી બહાર નીકળી સામાન્ય જીવન જીવી શકો છો.