રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે 73 વર્ષીય મહેન્દ્ર મહેતા નામના વ્યક્તિ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સામે ફોર્જરી, એક્ષટોર્શન, ચીટિંગ સહિતની કલમ હેઠળ 56 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે રાજકોટ શહેર સાઇબર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, જૂનાગઢ, પાટણ સહિતના કુલ સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમજ શનિવારના આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જૂનાગઢના હિરેન સુબા અને પાટણના વિપુલ દેસાઈના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઇમને 56 લાખમાંથી 6 લાખ રૂપિયા પરત અપાવવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. તમારું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે
7 ઓક્ટોબર 2024ના રોજ 73 વર્ષના નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્ર મહેતાએ તેમની સાથે 56 લાખના ફ્રોડની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં મહેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, 11 જુલાઈ 2024ના રોજ પોતે પત્ની સાથે હોસ્પિટલમાં હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપી હતી. તેમજ ત્યાર બાદ અન્ય નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારા આધાર કાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. જે બેંક એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ અઢી કરોડ રૂપિયા છે. એકાઉન્ટ સાયબર ફ્રોડમાં વાપરવામાં આવ્યું છે તેમજ મની લોન્ડરિંગમાં પણ તેનો ઉપયો કરવામાં આવ્યો છે. તો સાથે જ તમારું અરેસ્ટ વોરંટ પણ કાઢવામાં આવ્યું છે. દર 2 કલાકે વ્હોટ્સએપમાં કોલ કરી રિપોર્ટ લેતો
ત્યાર બાદ અજાણ્યા વ્યક્તિએ મહેન્દ્ર મહેતાને દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહ્યું હતું. તેમજ સવાર, બપોર અને સાંજ ફોટા પાડીને વોટ્સએપ મોકલવાનું કહેતા મહેન્દ્ર મહેતા પોતાનો ફોટો પણ મોકલી આપતા હતા. અજાણ્યા વ્યક્તિ દ્વારા વ્હોટ્સએપમાં SEBIનો મની લોન્ડરીંગ બાબતનો લેટર તથા ડાઈરેક્ટરેટ ઓફ એનફોર્સમેન્ટ, RBI તેમજ કેનરા બેન્કનું તેમના નામવાળુ ATM કાર્ડ, કેનરા બેન્કનું તેમના નામવાળુ બેન્ક સ્ટેટમેન્ટ વગેરે ડોક્યુમેન્ટ વ્હોટ્સએપ મારફતે મોકલતો હતો. આમ મહેન્દ્ર મહેતાને અજાણ્યા વ્યક્તિ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ત્યાર બાદ ક્રમશ: મહેન્દ્ર મહેતા પાસે કેટલીક મિલકત છે તેમજ કેટલા બેંક એકાઉન્ટ છે તેમાં કેટલા નાણાં પડ્યા છે તેમજ મ્યુચ્યુઅલ ફંડ, શેર સહિતમાં કેટલા નાણાં રોકવામાં આવ્યા તે સહિતની વિગતો મંગાવી હતી. જે વિગતો મહેન્દ્ર મહેતા દ્વારા અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવામાં આવી હતી. જુદા-જુદા બેંક એકાઉન્ટમાં 56 લાખ ટ્રાન્સફર કરાવ્યા
અજાણ્યા વ્યક્તિ દ્વારા મહેન્દ્ર મહેતાને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે રહેલા તમામ નાણાં મની લોન્ડરિંગના છે કે કેમ તે બાબતે ક્રોસ વેરિફિકેશન કરવા માટે તમે હું જે બેંક એકાઉન્ટ નંબર આપું તેમાં નાણાં ટ્રાન્સફર કરો જેથી મહેન્દ્ર મહેતા દ્વારા ઓરિસ્સાના એક એકાઉન્ટમાં 50 લાખ તેમજ અન્ય એકાઉન્ટમાં 6 લાખ ટ્રાન્સફર કર્યા હતા. મહેન્દ્ર મહેતાને જણાવવામાં આવ્યું હતું કે, તમારા નાણાં ત્રણ દિવસમાં ઓડિટ વેરિફિકેશન કર્યા બાદ તમને પરત મોકલી દેવામાં આવશે. પરંતુ છ દિવસ સુધી કોઇપણ જાતનો કોલ ન આવતા મહેન્દ્ર મહેતાએ સમગ્ર મામલે પોતાના પૌત્રને વાત કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આમ 15 દિવસ સુધી મહેન્દ્ર મહેતા ડિજિટલ એરેસ્ટ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બેંક એકાઉન્ટ શોધી આપનારને 5,000 તો ભાડે આપનારને 15,000 ચૂકવતા
પોલીસ દ્વારા હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સાતેય આરોપીઓને શનિવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા વિપુલ દેસાઈ અને હિરેન બુશા નામના વ્યક્તિઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉત્તર ગુજરાતમાં એકાઉન્ટ ભાડે લેવા તેમજ ભાડે ચડાવવા બાબતે વિપુલ દેસાઈ કમાન સંભાળતો હતો. જ્યારે સૌરાષ્ટ્રનો વહીવટ હિરેન બુશા તેમજ મયંક નામના વ્યક્તિ પાસે હતો. પોલીસ તપાસમાં એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિને પ્રતિ માસ 15,000 રૂપિયા જ્યારે બેંક એકાઉન્ટ શોધી લાવનાર વ્યક્તિને 5,000 રૂપિયા કમિશન પેટે ચૂકવવામાં આવતા હતા. સાયબર ક્રાઈમે સાત આરોપીને ઝડપી પાડ્યા
રાજકોટ સાયબર ક્રાઈમના ACP ભરત બસીયાએ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં અરજદારને મુંબઇ પોલીસની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની સાથે 56 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે બાબતે રાજકોટ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ સાયબર ક્રાઈમ પીઆઇ બી.બી. જાડેજા અને એમ.એ. ઝણકાત દ્વારા 7 આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી હિરેન મુકેશભાઈ બુશા અને વિપુલ લાભુભાઈ દેસાઈના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ આરોપીઓના કોની સાથે કનેક્શન છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાતેય આરોપીઓ ખાતા ધારકો છે કે જેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હતા. આ આરોપીઓના કોની સાથે કનેક્શન છે? કોને નાણાં ટ્રાન્સફર કરવાના હતા તે સહિતની બાબતે તપાસ કરવામાં આવશે. અન્ય રીતે આ પ્રકારના કિસ્સા આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય છે પરંતુ હજુ અમે આઇપી એડ્રેસ ચકાસી રહ્યા છીએ. પોલીસ કે કોઇ એજન્સી કોઇપણ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરતી નથી અને આ પ્રકારના કોલ પણ કરતી નથી. પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે
રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસે હાલ તો એકાઉન્ટ ભાડે આપનાર તેમજ એકાઉન્ટ ભાડે લેનારા વ્યક્તિઓની ધરપકડ કરી છે, પરંતુ આગામી સમયમાં ધરપકડનો આંક વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. સમગ્ર મામલાના તાર સુરત, ઓરિસ્સા, દિલ્હી સહિતના શહેરો સાથે જોડાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ સમગ્ર મામલાના તાર આંતરરાષ્ટ્રી કંબોડિયા સાથે જોડાયેલા હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા નાની માછલીઓને ઝડપી પાડવામાં આવી છે. જોકે, મોટા મગરમચ્છ ક્યારે પકડાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા હિરેન બુશા અને વિપુલ દેસાઈની પૂછપરછ કરવામાં આવશે. બંને કોના કહેવા પર માર્કેટમાંથી બેંક એકાઉન્ટ ભાડા ઉપર મેળવતા હતા. તેમજ જે તે બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થયા બાદ કઈ રીતે પોતાના આગળના વ્યક્તિને પૈસા મોકલતા હતા તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. ઝડપાયેલા આરોપી