જગત કલ્યાણના કાર્યમાં તન અને મનથી યોગદાન આપી દાદાનું વિજ્ઞાન એક-એક મનુષ્ય સુધી પહોંચાડવાના ભાવ સાથે નવલખી મેદાનમાં 25 લાખ ચો. ફૂટ જગ્યામાં “જોવા જેવી દુનિયા“ ઊભી કરાઈ છે. જ્યાં 10 થી 18 નવેમ્બર સુધી દેશ-દુનિયાના 5 લાખથી વધુ લોકો ભેગા થશે. દાદા ભગવાનની 117મી જન્મજયંતી અંતર્ગત 6 મહિનાથી ડોક્ટરો, વકીલ, ઉદ્યોગપતિઓ, ઈજનેર સહિત 8 હજાર સ્વયંસેવકો કચરો સાફ કરવો, જમીન સમથળ કરવી, ટેન્ટ ઊભા કરવા સહિતની વિવિધ સેવામાં જોડાયા છે. જેમાં વકીલે નવલખી મેદાની ઉબડ-ખાબડ જમીન પર જેસીબી ફેરવી જમીન સમથળ કરવાની સેવા આપી હતી. જ્યારે ડોક્ટરે જાતે જર્મન ડોમ ઊભા કરાવવાની સેવા લીધી હતી. મહોત્સવમાં પ્રચારની સેવામાં જોડાયેલા ઈજનેર દીપક દાડિયાએ કહ્યું કે, ઉંમર, જાતિ, વર્ણ, ધર્મ, ઊંચ-નીચના ભેદભાવ વગર સૌને સાચી સમજણનો ખજાનો મળે તે માટે નવલખી ગ્રાઉન્ડ ખાતે 25 લાખ ચોરસ ફૂટમાં “જોવા જેવી દુનિયા“ નગરીનું નિર્માણ કરાયું છે. જોવા જેવી દુનિયામાં શું શું હશે? | બાળકો, યુવાનો અને માતા-પિતા માટે પણ કાર્યક્રમ
થીમ પાર્ક
5 લાખ ચોરસ ફૂટમાં બનેલા થીમ પાર્કમાં વિક્રમ-વેતાળ નામનું લાઇવ નાટક, સાઇરન અને મેં કોન હૂં? કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમો સાંજે 4:30 થી રાત્રે 10:30 સુધી યોજાશે. દરેક ઉંમરના મુલાકાતીઓને તત્ત્વજ્ઞાનના રહસ્યોની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને વાસ્તવિક સમજ મળશે. સત્સંગ હોલ
સવા લાખ ચોરસ ફૂટમાં બનેલા સત્સંગ હોલમાં 15 હજાર લોકો બેસી શકશે. દીપકભાઈનો પ્રશ્નોત્તરી સત્સંગ 11મીએ સવારે 10થી 12.30 અને સાંજે 5.30 થી 7.30, જ્યારે 12 અને 13મીએ સવારે 10થી 12:30 અને રાત્રે 8થી 10:30 કલાકે અને 15મીએ સવારે 10થી 12:30 સુધી યોજાશે. ફુડ પ્લાઝા
એક સાથે 500 લોકો ફુડ પ્લાઝામાં વસ્તુઓ આરોગી શકશે. ફુડ પ્લાઝા જોવા જેવી દુનિયાના પ્રવેશની જમણી બાજુએ હશે. બુક સ્ટોલ
સત્સંગ હોલ પાસે જ બુક સ્ટોલ હશે, જેમાં દાદા ભગવાનના પ્રકાશનો જોવા મળશે. ભોજન શાળા
25 હજાર લોકો એક સાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન શાળામાં રોજ જમવાની સુવિધા માટે સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત રહેશે. ચિલ્ડ્રન પાર્ક
5 લાખ ચોરસ ફૂટમાં બનેલા ચિલ્ડ્રન પાર્કમાં દાદા ભગવાને આદર્શ જીવન જીવવા આપેલા સિદ્ધાંતો બાળકો અને યુવાનોને પણ સમજાય તે રીતે રજૂ કરાશે. ખાસ કરીને પપેટ શો, યુ ટર્ન, ચાલો બનીએ સુપર હિરો અને પેરેન્ટ્સ પાઠશાળા કાર્યક્રમો 4 ડોમમાં યોજાશે. કાર્યક્રમ સાંજે 4:30 થી રાત્રે 10:30 વાગ્યા સુધી યોજાશે. સાથે બાળકોને વર્કશોપ “પેરન્ટ્સ કી પાઠશાળા” દરેક માતા-પિતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેશે. ઉપરાંત એમ્ફી થિયેટરમાં નાટક, ગેમ્સ, ગ્રૂપ સિંગિંગ, ગ્રૂપ ડાન્સ, ક્વિઝ અને લકી ડ્રોમાં બાળકો અને યુવાનો ભાગ લઇ શકશે. દાદા ભગવાનની ટપાલ ટિકિટનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થશે
વડોદરા | દાદા ભગવાનના જન્મજયંતી મહોત્સવનો શુભારંભ 10 નવેમ્બરના રોજ સાંજે 6 વાગે દાદા ભગવાનની સ્મૃતિ ટપાલ ટિકિટના વિમોચન સાથે થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થશે. ત્યારબાદ બાળકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવશે. રાત્રે 10.30 વાગ્યા સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 400 ડ્રોન આકાશને વિવિધ રંગોથી ભરી દેશે. સિક્યુરિટી, પાર્કિંગ સહિતની 40થી વધુ સમિતિ બનાવાઈ
જન્મોત્સવ દરમિયાન સિક્યુરિટી, પાર્કિંગ, હોલ મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, સેવાર્થી મેનેજમેન્ટ, હેલ્થ સેન્ટર સહિત 40થી વધુ સમિતિ બનાવાઈ છે. જ્યારે દેશ અને વિદેશમાંથી 20 હજારથી વધુ અનુયાયીઓ જન્મોત્સવમાં ભાગ લેવાના છે. ઉપરાંત 9 દિવસના આ મહોત્સવ દરમિયાન સ્વયંસેવકોની ટીમો વિવિધ સેવાઓમાં જોડાયેલી રહેશે.