સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં હવે 11મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે. ગેંગરેપ કેસમાં 3 આરોપી વિરુદ્ધ કોર્ટે ચાર્જફ્રેમ કર્યો છે, સાથે મહત્ત્વની વાત છે કે હાઇકોર્ટે નોટિફિકેશન મોકલીને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં પ્રાયોરિટી પર ચલાવવા માટે સૂચન કર્યું છે. ત્રણ આરોપી પૈકી એકનું મોત
માંગરોળ ગેંગરેપ કેસમાં માત્ર 15 દિવસમાં ગ્રામ્ય પોલીસ દ્વારા 3000 જેટલાં પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં ચાર્જફ્રેમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. સગીરા સાથે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપી પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે આરોપી વિરુદ્ધ 11મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે. 3000 પાનાંની ચાર્જશીટમાં 467 મુખ્ય પાનાં
આ કેસમાં બીએનએસની સેક્સન 72 (2)માં જે જોગવાઈ છે એને પણ આવરી લેવામાં આવી છે, જેથી આરોપીઓને સખત સજા થાય. કેસમાં 60થી વધુ શાહેદોનાં નિવેદન લેવાયાં છે. 3000 પાનાંની ચાર્જશીટમાં 467 મુખ્ય પાનાં છે. આ કેસમાં 19 અલગ અલગ સેક્શન હેઠળ પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. હવે 11મી તારીખે ઇન્સાફી કાર્યવાહી શરૂ થશે
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે માંગરોળમાં જે ગેંગરેપનો બનાવ બન્યો એ કેસમાં પોલીસ ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી. પ્રોસિક્યુશન દ્વારા હાલમાં દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ તોહમતનામું પણ ઘડવામાં આવ્યું છે. આ કેસમાં કુલ 96 જેટલા દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આરોપી તરફથી લીગલ એડમાંથી વકીલ ફાળવવામાં આવ્યા
સાથે તેમણે જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટ દ્વારા નોટિફિકેશન મોકલી સૂચના આવી છે એ મુજબ આ કેસને પ્રાયોરિટીમાં ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે એના પૂરતા પ્રયત્નો પ્રોસિક્યુશન તરીકે અમે કરવાના છીએ. આરોપી તરફથી લીગલ એડમાંથી વકીલ ફાળવવામાં આવ્યા છે તે આરોપીના કેસ લડશે. શું છે ઘટના
આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા. સગીરાને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો
ત્યાર બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જોકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને નરાધમોને વશ થયાં નહોતાં અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. આરોપીઓને રોકવા અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતાં. જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી, ત્યારે તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો, જેથી તેને રોકવા માટે જે-તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું. જોકે એ સમયે તેને ઈજા થઇ નહોતી. આરોપી હાથ જોડીને આજીજી કરવા લાગ્યો હતો
જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જિતેન્દ્ર ગોસ્વામીએ તેની ઉપર ફાયરિંગ કર્યું ત્યારે તે બચવા માટે ભાગી રહ્યો હતો, પરંતુ પાંચ ફૂટ દૂર ગોળી મિસ ફાયર થઈ ગઈ હતી, જેથી તે બચી ગયો હતો અને ફાયરિંગ બાદ પણ તે ભાગી રહ્યો હતો. જોકે થોડે દૂર જઈને તે રસ્તા પર બેસી ગયો અને પોતાને ગિરફતાર કરવા માટે કહ્યું હતું. હાથ જોડીને આજીજી કરવા લાગ્યો હતો. મુન્ના અને શિવશંકર પીપોદરા GIDCમાં મળ્યા હતા
જોકે સર્ચ દરમિયાન એક બાઈક મળી હતી. આ બાઇકનું રજિસ્ટ્રેશન સુરત શહેરના એક વ્યક્તિના નામે હતું. જેણે વર્ષ 2005માં એ ખરીદી હતી. પછી તે વ્યક્તિને રાતે સુરત શહેર પોલીસની ટીમ શોધતા ખબર પડી કે એ બાઈક કોઇ બીજી વ્યક્તિને વેચવામાં આવી હતી. એ ઉપરાંત ઘણા લોકોને આ બાઇક વેચવામાં આવી હતી અને છેલ્લે એક તનવીર નામની વ્યક્તિ હતી, જે આ બાઇક ઉપયોગમાં લેતી હતી અને બાદમાં તપાસમાં તેમને ખબર પડી કે તનવીર પાસેથી રાજુ નામની વ્યક્તિએ પરમ દિવસે પોતાના કામ માટે બાઈક લઇ ગયો હતો. અને એ પછી એ અને તેના બીજા બે સાગરીતો મુન્ના અને શિવશંકર પીપોદરા GIDCમાં મળ્યા હતા, બાદમાં રાતે તે લોકો ફરતા હતા. આરોપી શિવશંકરનું મોત નીપજ્યું
આ દરમિયાન પીડિતા અને છોકરો ત્યાંથી પસાર થતાં હતાં. તેમને એ લોકો જોઇ ગયા હતા અને એકલતાનો લાભ લઇને તેમની દાનત બગડી હતી અને પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન ત્રણેય આરોપીની જ્યારે ઓળખ થઇ ત્યારે સુરત શહેર ડીસીપી તેમજ સુરત ગ્રામ્યના એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, એએચટીયુ અને સ્થાનિક પોલીસના તમામ અધિકારીઓની ટીમ મળીને સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતાં ખબર પડી કે આરોપી તડકેશ્વર વિસ્તારમાં છે. આ લોકોની ભાળ મળતાં અલગ અલગ ટીમ બનાવીને આરોપી મુન્ના અને શિવશંકરને ઝડપી પાડ્યા હતા. એક આરોપીને પકડી પાડવા માટે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. હાલમાં પોલીસ પૂછપરછ દરમિયાન શિવશંકર નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એ બાદ તેનું મોત નીપજ્યું છે. જ્યારે આરોપી મુન્નાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.