દાદા ભગવાનની કર્મભૂમિ વડોદરામાં 117મી જન્મજયંતી મહોત્સવ ઊજવણી અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નિમિત્તે ઉભી કરેલી ‘જોવા જેવી દુનિયા’ વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કરશે. આગમી તારીખ 10થી 17 નવેમ્બર સુધી ભવ્ય કાર્યક્ર્મ થવા જઇ રહ્યો છે. જેનો ભવ્ય શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વાર કરાશે. દરમિયાન પરમ પૂજ્ય દાદાની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પડશે. 25 લાખ ચોરસ ફૂટમાં એક ધબકતું નગર બનશે
શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે નિર્માણ થઈ રહેલી આ “જોવા જેવી દુનિયા” એટલે 25 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું એક ધબકતું નગર બની રહ્યું છે. અહીં કળિકાળના આશ્ચર્યસમ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો 117મો જન્મજયંતી મહોત્સવ પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાની ડો. નિરુમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાંનિધ્યમાં 10થી 17 નવેમ્બર દરમિયાન ઉજવાશે. આ મહોત્સવ અંતર્ગત અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી પ્રશ્નોના સમાધાન માટે સવાર-સાંજ પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ તેમજ આત્મસાક્ષાત્કાર પામવાનો અદ્ભૂત જ્ઞાનપ્રયોગ-જ્ઞાનવિધિ યોજાશે. આ આખા મહોત્સવમાં શું હશે આકર્ષણ
આખા મહોત્સવના મુખ્ય આકર્ષણ એવા દસ લાખ ચોરસ ફૂટમાં ઉભા કરેલો ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કમાં પરમ પૂજ્ય દાદા ભગવાને આદર્શ જીવન જીવવા માટે આપેલા સિદ્ધાંતો આજના બાળકો અને યુવાનોને પણ સમજાય તે રીતે વિવિધ આધુનિક માધ્યમો જેવા કે પપેટ શો, શોર્ટ ફિલ્મ્સ, રોબોટિક્સ વગેરે દ્વારા રજૂ કરવામાં આવશે. જે તેમને જીવન જીવવાના સાચા મૂલ્યોની સમજણ પ્રાપ્ત કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ પડશે. સાથે સાથે બાળકોને પ્રેમ અને હૂંફથી ઉછેરવા જરૂરી ચાવીઓ પ્રદાન કરતી વર્કશોપ ‘પેરન્ટ્સ કી પાઠશાળા’ દરેક માતા-પિતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેશે. આ ઉપરાંત એમ્ફી થિયેટરમાં નાટક, ગેમ્સ, ગ્રુપ સિંગિંગ, ગ્રુપ ડાન્સ, ક્વિઝ અને લકી ડ્રોમાં બાળકો અને યુવાનો ભાગ લઇ શકશે. ટૂંકમાં, અહીં આવનાર દરેક ઉંમરના મુલાકાતીઓને વ્યવહારિક ગૂંચોના ઉકેલથી લઈને તત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને વાસ્તવિક સમજણ મળી રહેશે. ભવ્ય ડ્રોન શો યોજાશે
મહોત્સવનો શુભારંભ 10 નવેમ્બરના સાંજે 6 વાગ્યે પરમ પૂજ્ય દાદા ભગવાનની સ્મૃતિ ટપાલ ટિકિટના વિમોચન સાથે થશે. ત્યાર બાદ બાળકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવશે. રાત્રે 10:30 વાગ્યા સુધી ચાલનારા કાર્યક્રમમાં એક અત્યાધુનિક રોમાંચક ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 400 ડ્રોન વડોદરાના આકાશને વિવિધ રંગોથી ભરી દેશે. દરરોજ 50 હજારથી વધુ લોકો આવશે
ઉલ્લેખનીય છે કે, આ આખો કાર્યક્રમ નિઃશુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકશે. એક અનુમાન મુજબ દાદા ભગવાન પરિવારના દેશ-વિદેશમાં રહેતા અંદાજે 20 હાજરથી વધુ અનુયાયીઓ જન્મોત્સવમાં ભાગ લેવા વડોદરા આવશે. તેમની સગવડ માટે સવા લાખ ચોરસ ફૂટનો સત્સંગ હોલ તેમજ આશરે બે લાખ ચોરસ ફૂટની ભોજનશાળા ઊભી કરવામાં આવી છે. વડોદરામાં પ્રથમ વાર યોજાઈ રહેલા અનોખા અધ્યતન થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કની રોજના આશરે 50 હજાર લોકો મુલાકાત લે તેવી ધારણા છે. આ સમગ્ર કાર્યકરને લઇ 450 સ્કૂલોમાં લગભગ 2 લાખ ફ્લાયર ચિલ્ડ્રન પાર્કની માહિતીના પોસ્ટર વહેંચ્યા છે અને 1.75 લાખ ફ્લાયર ઘરે ઘરે વહેંચ્યા છે. આ અંતર્ગત લકી ડ્રો કરવામાં આવશે અને ત્યાર બાદ ઈનામ આપવામા આવશે. આ વર્ષે વડોદરામાં જન્મ જયંતીની ઉજવણી કરાશે
આ અંગે સેવાર્થી દીપક દડિયાએ જણાવ્યું હતું કે, દાદા ભગવાનનો જન્મ પણ આ વડોદરા શહેરમાં થયો છે અને કર્મભૂમિ પણ વડોદરા શહેર છે. દર વર્ષે દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ દ્વારા અલગ અલગ શહેરોમાં દાદા ભગવાનની જન્મ જયંતી ઉજવતી હોય છે. વર્ષ 2011માં વેક્સિન ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવી હતી અને ફરી એકવાર આ વર્ષે વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આખું આયોજન 25 લાખ સ્કેવર ફૂટ જગ્યામાં કરવામાં આવ્યું છે. આ આખા આયોજનમાં વડોદરા શહેરના બાળકોથી લઇ વૃદ્ધ લોકો સુધી અહિંયાથી કંઈને કંઈ મેળવીને જાય તેવું આયોજન કરાયું છે. એકસાથે 12,000 લોકો બેસી શકે તેવો સત્સંગ હોલ
વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમને લઈ અમે છેલ્લા છ મહિનાથી તૈયારીઓ શરૂ કરી છે. આ આખી જગ્યામાં કુલ સાત જેટલા ડોમ તૈયાર કરવામાં આવે છે. એકસાથે 12,000 જેટલા લોકો બેસી શકે તેવો સત્સંગ હોલ સવા લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યો છે. બે લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે. હાલમાં અહિંયા 2,000 જેટલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે અને કાર્યક્રમ શરૂ થશે ત્યારે 5,000 જેટલા સેવાર્થી કામ કરશે. 2 લાખ ચોરસ ફૂટની ભોજનશાળા ઊભી કરાઈ
વધુમાં જણાવ્યું હતું કે, 10 નવેમ્બરે દાદા ભગવાનનો કાર્યક્ર્મ શરૂ થશે. જેમાં રોજના 50થી 60 હજાર લોકો આવી શકે છે. આ આખા આયોજનમાં વડોદરાવાસીઓને જે ગમે છે તે પ્રમાણે આખા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી 10 નવેમ્બરે ઉદ્ઘાટન સમારોહ છે અને તેમાં દાદા ભગવાનની ટપાલ ટિકિટ અમે બહાર પાડવાના છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે. 2,00,000 ફૂટ એરિયામાં ભોજનશાળા ફેલાયેલી છે અને તેમાં રોજના 25,000 જેટલા લોકો જમે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી પણ છે દાદા ભગવાન પંથના ફોલોઅર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત શાલીન અને મૃદુભાષી હોવા ઉપરાંત આધ્યાત્મિક વિચારોના રંગે પણ રંગાયેલા છે. અડાલજ સ્થિત ત્રિમંદિરની તેઓ નિત્ય મુલાકાત લેતા રહે છે અને નવરાશની પળોમાં માનસિક શાંતિ મેળવવા દાદા ભગવાન ફાઉન્ડેશનના દિવંગત વડા સ્વ. નિરુમાના પ્રવચનોને સાંભળતા રહે છે. નિરુમા હયાત હતા તે સમયે તેમના નિત્ય આશીર્વાદ મેળવનારા ભૂપેન્દ્રભાઈ તેમની સ્મૃતિરુપે જ તેઓ જમણા હાથના કાંડા પર હંમેશા ‘નિરુમા’ લખેલું રક્ષા સૂત્ર પહેરેલું જ રાખે છે. ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશનનો નાતો આજ-કાલનો નહીં પરંતુ 20 વર્ષ કરતા પણ જૂનો છે. સ્વ. નિરુમાના વક્તવ્યો અને પ્રવચનોથી પણ ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રભાવિત થયા હતા. આ કારણથી જ તેમણે સ્વ. નિરુમા પાસેથી અસંખ્યવાર જ્ઞાનવિધિ મેળવેલી હતી. ઘણી વાર તો અમદાવાદ બહાર પણ દાદા ભગવાન ફાઉન્ડેશનના સત્સંગ અને જ્ઞાનવિધિના કાર્યક્રમમાં 10-10 દિવસ સુધી ભૂપેન્દ્રભાઈ ખડેપગે હાજર રહેતા અને એક સામાન્ય સત્સંગીની જેમ જ સેવા આપતા હતા. કોણ હતા દાદા ભગવાન?
દાદા ભગવાનનું મૂળ નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ હતું. તેમનો જન્મ 7 નવેમ્બર 1908ના રોજ વડોદરા પાસેના તરસાલી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મૂળજીભાઈ તથા માતાનું ઝવેર બા હતું. જ્યારે હીરાબેન સાથે તેમના લગ્ન થયા હતા. બાળપણથી જ દાદા દિવ્ય લક્ષણો ધરાવતા હતા. મેટ્રિક સુધી ભણ્યા હતા. અભ્યાસકાળમાં શાળામાં ભણતા સમયે પણ દ્રષ્ટિમાં આધ્યાત્મિક વિચારો જ પ્રગટ થતા રહેતા હતા. ગણિત વિષય ભણતા ભણતા પણ આ સંસારમાં અવિભાજ્ય તો ભગવાન જ છે તેનું જ્ઞાાન બાળપણમાં જ ઉદ્ભવ્યું હતું. 22મે વર્ષે શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક વાંચ્યું અને ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ. તે 1958માં પૂરી થઈ. જૂન 1958ની સમી સાંજે 6 વાગ્યાના સમયે સુરતના ધમધમતા, ભીડવાળા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર બેઠેલા શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા દાદા ભગવાન સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાદ્યું.