10 નવેમ્બરને વિશ્વ જાહેર પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં એસટી નિગમે ગુજરાતના 18367 ગામડાં સુધી એટલે કે 99.34 ટકા ગામડાં સુધી એસટી બસ દોડાવી લોકોને સુવિધા પૂરી પાડી રહ્યું છે. એસટી બસ એ ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી બની રહી છે. નિગમ દ્વારા રોજ 8320 બસ દ્વારા 42,083 ટ્રિપમાં 34.52 લાખ કિમીનો પ્રવાસ કરાય છે. જેમાં 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ મળી રોજના કુલ 27.18 લાખ મુસાફરો મુસાફરી કરે છે. ગુજરાતના છેવાડાના ગામડાંની વ્યક્તિને પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત એસટી નિગમે હાલમાં 20 વોલ્વો સ્લિપર, 50 વોલ્વો સીટર, 50 એસી સ્લીપર, 50 એસી સીટર, 50 ઇલેક્ટ્રિક, 431 નોન એસી સ્લીપર, 703 ગુર્જર નગરી, 5556 ડિલક્સ એક્સપ્રેસ, 1105 મિની બસ અને 300 લક્ઝરી બસ મળી કુલ 8320 બસ દ્વારા રાજ્યના શહેરી વિસ્તારોની સાથે છેવાડાના ગામડાં સુધી બસનું સંચાલન કર્યું છે. એસટી નિગમ પરિવહનની સાથે ટેક્નોલોજીના ઉપયોગમાં પણ અગ્રેસર છે. આ બસોમાં રોજની સરેરાશ 68 હજાર ટિકિટ ઓનલાઇન બુક થઈ રહી છે, જે દેશભરના અન્ય રાજ્યોના એસટી નિગમની સરખામણીમાં સૌથી વધુ છે. એસટી નિગમે 4 નવેમ્બરના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 1.42 લાખ ઓનલાઇન ટિકિટ બુકિંગનો દેશભરમાં રેકોર્ડ બનાવ્યો હતો. એસટી નિગમ દ્વારા તમામ બસના સરળ સંચાલન માટે 16 ડિવિઝન, 125 બસ ડેપો, 151 બસ સ્ટેશન અને 1554 જેટલા પીકઅપ સ્ટેન્ડ બનાવાયાં છે. તેની સાથે દરરોજના 10 લાખથી પણ વધુ યુઝર્સ જીએસઆરટીસીની ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. એસટી નિગમ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ સુધી બસોનું સંચાલન કરી રહ્યું છે. એસટી પરના શબ્દથી બસના ડિવિઝનની જાણ થાય છે એસટી બસમાં રોજ લાખો પેસેન્જરો મુસાફરી કરે છે. બસ ક્યાંથી ક્યાં સુધી જશે તેનું બોર્ડ લગાવવાની સાથો સાથ બસના મથાળે પાવાગઢ, આશ્રમ, અરવલ્લી, અમુલ, કચ્છ, વિશ્વામિત્રી, મોઢેરા જેવાં નામ લખેલાં હોય છે, જેથી જે-તે બસ 16 પૈકી કયા ડિવિઝનની છે તે જાણી શકાય છે. ઐતિહાસિક કે ધાર્મિક સ્થળના નામો પસંદ કરવામાં આવ્યા છે. ડિવિઝન નામ અમદાવાદ આશ્રમ ભુજ કચ્છ વડોદરા વિશ્વામિત્રી ભરૂચ નર્મદા સુરત સૂર્યનગરી વલસાડ દમણગંગા ગોધરા પાવાગઢ હિંમતનગર સાબર મહેસાણા મોઢેરા પાલનપુર બનાસ રાજકોટ સૌરાષ્ટ્ર ભાવનગર શેત્રુંજ્ય અમરેલી ગીર જૂનાગઢ સોમનાથ જામનગર દ્વારકા