નીરવ કનોજીયા
શહેરના વ્યાપ સાથે વસ્તીમાં થઈ રહેલા વધારાને પહોંચી વળવા પાલિકાએ પાણી માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત રામેશરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી રોજનું 20 કરોડ લિટર પાણી લેવા માટેનું આયોજન છે. પાલિકા રામેશરા ગામ નજીક રૂા.301 કરોડના ખર્ચે ઇન્ટેક વેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે. જેને પગલે માંજલપુર, મકરપુરા અને તરસાલી સહિતના દક્ષિણમાં આવતા વિસ્તાર માટે પાણીનો અલગ સ્રોત ઊભો થશે.
પાલિકાએ વર્ષ 2040ના માસ્ટર પ્લાન અંતર્ગત શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે શેરખી ઈન્ટેકવેલની જેમ રામેશરા નર્મદા કેનાલ નજીક બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. પાલિકા નર્મદા કેનાલ થકી ભવિષ્યમાં 11 લાખ લોકોને પાણી મળી રહે તે માટે રૂા.301 કરોડના ખર્ચે ઇન્ટેકવેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે. શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારને આજવા સરોવરમાંથી પાણી અપાય છે.
તેવી જ રીતે સમા, છાણી, હરણી સહિતના ઉત્તર ઝોન અને ગોરવા, ગોત્રી સુભાનપુરા સહિતના પશ્ચિમ ઝોનને મહીસાગર નદીના અલગ-અલગ સ્રોતથી પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત શેરખી ખાતેથી નર્મદા કેનાલમાંથી પાણી લઈ તાંદલજા, હરિનગર, ગાયત્રીનગર અને વાસણા ટાંકીને પાણી અપાય છે.
આ સંજોગોમાં માંજલપુર, મકરપુરા, તરસાલી, માણેજા, દંતેશ્વર સહિતના દક્ષિણ ઝોન વિસ્તારને પાણીનો અલગ સ્રોત મળી રહે તે પ્રકારનું આયોજન છે. જેમાં રોજ 20 કરોડ લિટર પાણી અંદાજિત 11 લાખ લોકોને પૂરું પાડવામાં આવશે. પાલિકા નર્મદા કેનાલમાંથી પાણી લેવા રામેશરા ગામ નજીક ઇન્ટેકવેલ બનાવશે. જ્યારે વોટર
ટ્રીટમેન્ટ પ્લાન્ટ કપુરાઈ નજીક બનાવે તેવું આયોજન છે. નિમેટામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2026માં તૈયાર થશે
નિમેટા ખાતે એક નંબરનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જર્જરિત થયો હોવાથી તેને રિપ્લેસ કરવા 7.5 કરોડ લિટરનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાઈ રહ્યો છે, જેનું કામ માર્ચ-2026 સુધી પૂર્ણ થશે. તદુપરાંત પાલિકા દ્વારા ગાયકવાડી સમયની 750 મિમી ડાયાની લાઇનને બદલી આજવાથી સરદાર એસ્ટેટ સુધી 1500 મિમી ડાયાની લાઈન નખાઈ રહી છે. સમગ્ર પ્રોજેક્ટમાં 142 કરોડનો ખર્ચ થશે. વાઘોડિયા રોડ અને આજવા રોડ માટે વૈકલ્પિક સ્રોત તરીકે 50 એમએલડીના ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલુ
આજવા રોડ, વાઘોડિયા રોડ, પાણીગેટ, બાપોદ સહિતના પૂર્વ વિસ્તારના વિવિધ ભાગમાં પાણી માટે હાલ 50 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે. નિમેટામાં કાર્યરત ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ કે મેન્ટેનન્સ તેમજ રાયકા-દોડકાથી આવતા પાણીમાં ખલેલ પહોંચે તો આ પ્લાન્ટ અોલ્ટરનેટ સોર્સ તરીકે કામ કરશે. માર્ચ-એપ્રિલ 2025માં પ્લાન્ટ તૈયાર થશે.