બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 8 નવેમ્બરે ફેન્સ સાથે ખુશના સમાચાર શેર કર્યા. કપલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ખુશના સમાચાર મળતા જ કપલને અનેક શુભેચ્છાઓ મળી રહી છે. આ પ્રસંગે સુનીલ શેટ્ટીએ નાના બનવા બદલ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા છે. સાથે જ સુનીલ શેટ્ટીએ વર્ષો પહેલા આપેલું એક જૂનું નિવેદન પણ હેડલાઈન્સમાં છે, જેમાં તેણે નાના બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન જાન્યુઆરી 2023માં થયા હતા. આ વર્ષે, તેની સિરીઝ ‘હન્ટર ટુટેગા નહીં તોડેગા’ની પ્રમોશનલ ઇવેન્ટમાં, સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું કે શું આ તેના જીવનનો સારો તબક્કો છે. આ અંગે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, મને લાગે છે કે જીવનનો દરેક તબક્કો સુંદર છે. સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું કે, જ્યારે તમે બાળક હોવ ત્યારે તમે કરિયર ફ્રિ હોવ છો. જ્યારે તમે ટીનેજર્સ હોવ ત્યારે ઘણા નિર્ણયો લેવાના હોય છે. કોલેજની પોતાની સુંદરતા હોય છે અને બેચલર હોવાની પણ અલગ જ મજા છે. લગ્નજીવન પણ સુંદર છે અને તમારા જીવનમાં બાળકનું આવવું પણ તેની પોતાની સુંદરતા ધરાવે છે. પછી નાના બનવાની પણ, જે હું જલ્દી બનવા માંગુ છું. તેથી જીવનનો દરેક ભાગ સુંદર છે. આથિયા-રાહુલે 4 મહિના પહેલા જ લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ જુલાઈમાં મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ એપાર્ટમેન્ટ મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં સ્થિત એક બહુમાળી ઈમારત સંધુ પેલેસમાં છે. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 3350 ચોરસ ફૂટ છે, જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. આથિયા અને રાહુલે 15 જુલાઈએ આ એપાર્ટમેન્ટ માટે 1.20 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી તેમજ 30,000 રૂપિયાની નોંધણી ફી ચૂકવી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરી 2023ના રોજ થયા હતા. બંને 4 વર્ષથી રિલેશનશિપમાં હતા. આથિયા શેટ્ટીએ 2015માં આવેલી ફિલ્મ ‘હીરો’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તે ‘મુબારકાન’, ‘નવાબઝાદે’ અને ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. અથિયા 2019 થી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.