CJI ચંદ્રચૂડના નામે અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તમારું નામ છે તેવું કહી વડોદરાના એક યુવકને સાયબર માફિયાઓએ સતત 34 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 1.65 લાખ રૂપિયા પડાવ્યા. કહ્યું કે જો કોઈને જાણ કરીશ તો 3 વર્ષની જેલ અને 5 લાખનો દંડ થશે. સાથે જ યુવકને બેંકમાં મોકલી તેના PPFના પૈસા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. 9 નંબર દબાવો એટલે આગળ પ્રોસેસ થશે
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા ફરિયાદી કેતનભાઇ સાવંતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને 3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે એક કોલ આવ્યો હતો. મને સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે. મારી નોકરી છૂટી ગઈ હોવાથી મને કંપનીઓમાંથી HRના કોલ આવતા હોવાથી ફોન બંધ થઈ જવાનું કહેતા હું ટેન્શનમાં આવી ગયો હતો. જેથી મેં કહ્યું હતું કે, શું પ્રોબ્લેમ થયો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે 9 નંબર દબાવો જેથી આગળ પ્રોસેસ થશે. જેથી મેં 9 નંબર દબાવતા બીજા વ્યક્તિને કોલ રિડાયરેક્ટ થયો હતો. 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તમારું નામ છે
આ વ્યક્તિએ મને કહ્યું હતું કે, તમારા બીજા નંબર પરથી SMS થઈ રહ્યા છે અને જે લોકોને SMS થાય છે એ લોકોએ ફરિયાદ કરી છે. જેથી મેં કહ્યું હતું કે, મારો આવો કોઈ નંબર નથી. જેથી સામેવાળી વ્યક્તિએ મને કહ્યું હતું કે, તમે મુંબઈની આ દુકાનમાંથી સિમકાર્ડ ખરીદ્યું હતું જેથી મેં કહ્યું હતું કે, હું ક્યારેય મુંબઈ ગયો જ નથી. જેથી તેણે મને કહ્યું હતું કે, આ મની લોન્ડરિંગનો 250 કરોડનો કેસ છે. જેમાં તમારું નામ છે અને નરેશ ગોયલના ડોક્યુમેન્ટમાં અને તેની બેંકમાં પાર્ટનરશિપમાં પણ તમારું નામ છે. એટલે તું પણ એટલો ગુનેગાર છે જેટલો નરેશ ગોયલ છે. તું અમને શિખવાડીશ, અમે અમારી રીતે કામ કરીશું
જેથી મેં કહ્યું હતું કે, મારા આધાર કાર્ડનો મિસ યુઝ થયો હોઈ શકે, જેથી તેણે મને કહ્યું હતું કે, તેં જઈને બેન્કમાં એકાઉન્ટ ખોલેલું છે. મેં તેને કહ્યું હતું કે, તમે મારું લોકેશન ચેક કરી લો. જેથી તેણે મને કહ્યું હતું કે, તું અમને શિખવાડીશ અમે અમારી રીતે કામ કરીશું અને મારી ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. પછી તેણે મને વીડિયો કોલ કર્યો હતો અને મને કહ્યું હતું કે, ઇન્ચાર્જ છે એ આવશે અને આપણે એમની સાથે વાત કરીએ. લાઈટ ચાલુ રાખીને સૂવાનું કહ્યું
ફરિયાદી કેતને જણાવ્યું હતું કે દર 8 કલાકે તેઓની શિફ્ટ બદલાતી હતી અને નવા નવા લોકો સામે આવતા હતા અને મને સૂતી વખતે પણ લાઈટ ચાલુ રાખીને સૂવાનું કહ્યું હતું. કારણ કે અંધારામાં કેમેરામાં કંઈ દેખાતું નહોતું. રાત્રે 2:00 વાગ્યે પણ મને મિસ્ટર કેતન.. મિસ્ટર કેતનની બૂમો પાડતા હતા, જેથી મારે કેમેરો સીધો કરવો પડ્યો હતો. હું સતત ટેન્શનમાં હતો કે, મારું એકાઉન્ટ સીલ થઈ જશે. મારી મમ્મી અને મારો દીકરો રસ્તા પર આવી જશે. મારું ઘર બેંક લઈ લેશે. હું મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો. હું ભયંકર રીતે હેરાન થઈ ગયો હતો. અને થતું હતું કે આ ક્યારે પૂરું થશે. લોકોને અપીલ કરું છું કે આ પ્રકારે કોઇ સાયબર માફિયા તમને કોલ કરે તો રિપ્લાય ના આપતા. તારે તારા મોબાઈલનો કેમેરો ઓન રાખવાનો છે
આ સમયે એક પોલીસ ઓફિસર બેઠેલા હતા અને પાછળ ફ્લેગ લગાવેલો હતો. એ આવીને મને ધમકાવવા લાગ્યો હતો કે, તમે આવા ધંધા કરો છો, લોકોના પૈસા પડાવી લો છો. તમે ભાગી જાઓ છો અને તારો પાર્ટનર ક્યાં છે? બધી વિગત આપ. જેથી મેં કહ્યું હતું કે હું ત્યાં હતો જ નહીં. મારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે. પછી તે દેખાતો બંધ થઈ ગયો હતો અને લોગો વાળી સ્ક્રીન આવી ગઈ હતી. પછી તેણે મને કહ્યું હતું કે અમે તારા ડોક્યુમેન્ટ લોકલ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા છે, જેથી પોલીસ તેને પકડવા આવશે. અમે એ રીતે ઇન્વેસ્ટિગેટ કરીશું અને બીજો એક રસ્તો છે. તારે મોબાઈલનો કેમેરો ઓન રાખવાનો છે અને આપણે અહીંથી જ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દઈશું. સેવિંગ એકાઉન્ટમાં જે રૂપિયા પડ્યા છે તે અમને ટ્રાન્સફર કરી દે
કેતન આગળ વાત કરતા જણાવે છે કે, જેથી મેં બદનામીના ડરથી ઓનલાઇન ઇન્વેસ્ટિગેશન કરવાનું કહ્યું હતું. તેઓએ મને કહ્યું હતું કે તમારો કેમેરો 360 ડિગ્રી ફેરવો જેથી તમારા રૂમમાં કોઈ છે કે નહીં તે અમને ખબર પડે. જેથી મેં મારો કેમેરો 360 ડિગ્રી ફેરવ્યો હતો અને મને કહ્યું હતું કે તારે આ વાત કોઈને ડિસક્લોઝ કરવાની નથી અને રૂમમાં જ બેસી રહેવાનું છે. જેથી હું મારા રૂમમાં જ બેસી રહ્યો હતો. રોહિત ગુપ્તા નામના વ્યક્તિએ મને કહ્યું હતું કે, અમને ખબર છે કે તું ઓનેસ્ટ છે અને તું આની અંદર ઇન્વોલ્વ નથી. પરંતુ આપણે એ પ્રૂફ કરવું પડશે કે તું નિર્દોષ છે. જેના માટે તારે એવિડન્સ આપવા પડશે. જેથી તારા એકાઉન્ટમાં આવેલા રૂપિયા લીગલ છે કે નહીં, નથી આવ્યા તે ચેક કરવું પડશે. અને તું તારા સેવિંગ એકાઉન્ટમાં જે રૂપિયા પડ્યા છે તે અમને ટ્રાન્સફર કરી દે. જેથી અમને ખબર પડે કે તારા રૂપિયા કયા કયા સોર્સથી આવેલા છે. દલીલ કરું તો તેઓ મારી ઉપર ગુસ્સે થઈ જતા
વધુમાં જણાવ્યું હતું કે, હું દલીલ કરું તો તેઓ મારી ઉપર ગુસ્સે થઈ જતા હતા. જેથી હું તેમને સહકાર આપતો હતો. તેઓએ મારા બેંક એકાઉન્ટની વિગતો માંગી હતી જેથી મેં કહ્યું હતું કે, મારી નોકરી છૂટી ગઈ હોવાથી મારી એફડી પરથી મેં લોન લીધી છે. જેથી તેઓએ મને પૂછ્યું હતું કે તમારા સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે, જેથી મેં કહ્યું હતું કે 40 હજાર રૂપિયા છે જેથી તેઓએ મને ₹40,000 તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું જેથી મેં ₹40,000 તેમના એકાઉન્ટમાં નાખ્યા હતા. અને મને કહ્યું હતું કે, જેવું ઇન્વેસ્ટિગેશન પૂરું થશે કે, તરત જ રૂપિયા તમારા એકાઉન્ટમાં પાછા આવી જશે. આ બધું લીગલ છે ટેન્શન ના લો
વધુમાં જણાવ્યું હતું કે, આ રૂપિયા ટ્રાન્સફર કર્યા એના માટે નોટરી પણ કરી હતી અને તેના ડોક્યુમેન્ટ પણ મને મોકલ્યા હતા અને કહ્યું હતું કે આ બધું લીગલ છે ટેન્શન ના લો. બીજા દિવસે મને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જજ આવશે અને એમની પાસેથી ઓર્ડર લેવાનો છે. અને તમારે સફેદ કપડાં પહેરીને બેસવાનું છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજ આવ્યા હતા અને તેમને ઓર્ડર પાસ કર્યો હતો. ત્યારબાદ બે કલાકમાં ઓર્ડર આવી ગયો હતો અને મને કહ્યું હતું કે તું વાંચી લે. નહીં તો, પોલીસની કસ્ટડીમાં જા
તેઓ મને દરેક ડોક્યુમેન્ટ વાંચવા માટે કહેતા હતા. જોકે મને લીગલ ડોક્યુમેન્ટ સમજાતા નહોતા જેથી તેને મને ડોક્યુમેન્ટ વાંચીને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જજે કહ્યું છે કે, તું કોર્પોરેટ કર અને તારા પીપીએફના પૈસા ઈન્વેસ્ટિગેશન દરમિયાન ટ્રાન્સફર કરી દે, નહીં તો, પોલીસની કસ્ટડીમાં જા, જ્યાં તારું ઈન્વેસ્ટેશન થશે. જેમાં છ મહિના કે વર્ષ પણ લાગી શકે છે. જેથી હું બેંકમાં ગયો હતો અને ફોર્મ ભર્યું હતું અને પીપીએફના પૈસા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. અને હું બેંકમાંથી ઘરે આવ્યો હતો. ત્રણ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયા આપવા પડશે
આ સમયે મારો કેમેરો બંધ હતો.. જેની તક લઈને મેં મારી મમ્મી અને બહેનને આ વાત કરી હતી અને કહ્યું હતું કે હું આ રીતે ફસાઈ ગયો છું. મને તે લોકોએ ધમકી આપી છે કે હું આ વાત જાહેર કરીશ તો ત્રણ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયા આપવા પડશે. ત્યારબાદ હું ઉપર ગયો હતો અને કેમેરો શરૂ કરીને બેસી ગયો હતો. ત્યારબાદ મારી બહેને સાયબર એક્સપર્ટ નીતિનભાઈનો સંપર્ક કર્યો હતો. જોકે મને ત્રણ વર્ષની જેલ અને પાંચ 5 લાખ રૂપિયા ભરવાની ધમકી આપી હોવાથી હું નીતિનભાઈ સાથે પણ વાત કરતો ન હતો. મારી પાસેથી 1.65 લાખ રૂપિયા પડાવ્યા
જો કે આ વખતે મારાથી ભૂલથી રાઉટરની સ્વિચ બંધ થઈ ગઈ હતી જેથી કોલ ડિસકનેક્ટ થઈ ગયો હતો. ત્યારબાદ મેં કોલ કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો કોલ કનેક્ટ થયો હતો. જેથી મને ડાઉટ જતા અમે નીતિનભાઈને કોલ કર્યો હતો. જેથી નીતિનભાઈ આવી ગયા હતા અને મને ડિજિટલ અરેસ્ટની સમજણ આપી હતી. જેથી તુરંત જ અમે 1930 નંબર પર ફરિયાદ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી છે. આ લોકોએ મને 3 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી લઈને 4 ઓક્ટોબરના રાત્રે 10 વાગ્યા સુધી સતત 34 કલાક સુધી સતત ડિજિટલ અરેસ્ટ રાખ્યો હતો અને મારી પાસેથી 1.65 લાખ રૂપિયા પડાવ્યા હતા.