back to top
HomeગુજરાતCRPFના જવાને 8 વર્ષના બાળકની હત્યા કરી:શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતાં...

CRPFના જવાને 8 વર્ષના બાળકની હત્યા કરી:શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતાં અપહરણ કરી ખંડણી માગી; બાળકના હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી પેટીમાં પૂરી દેતાં મોત

અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલા લાખોના નુકસાનને રિકવર કરવા CRPFના જવાને 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. CRPF કોન્સ્ટેબલે પાડોશમાં જ રહેતા બાળકની હત્યા કરી નાખી ખંડણી માગી હતી, પરંતુ બાળક અવાજ ન કરે એ માટે પોતાના ઘરમાં લઈ જઈ બાળકના હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી પેટીમાં પૂરી દેતાં ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજી ગયું હતું, પરંતુ શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો. તેની હિલચાલ પરથી પોલીસને શંકા જતાં તેની અટકાયત કરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો. આરોપીએ અપહરણ કરી 5 લાખની ખાંડણી માગી
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલી ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠપૂજાની ઉજવણીમાં લીન હતા ત્યારે અચાનક 8 વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો. બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતાં સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી, પણ નિષ્ફ્ળતા જ હાથ લાગી હતી. વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં શુભના અપહરણ અને 5 લાખની ખાંડણીનો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતાં પરિવાર ભયભીત બની ગયો હતો. પેટીમાં સંતાડવાને કારણે ગૂંગળાઈ બાળકનું મોત
પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતાં ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતાં મેસેજ ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથી જ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પાડોશમાં CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું, જેનો પરિવાર વતન ગયો હતો, જ્યારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો. પોલીસે દરોડો પાડતાં ઘરમાં CRPF કંપનીની લોખંડની પેટીમાંથી અપહૃત બાળકની લાશ મળી આવતાં પોલીસ ચોકી ઊઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટને કારણે બાળકની હત્યાનું રટણ કર્યું હતું. જેણે કડક પૂછપરછમાં શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી રિકવરી માટે અપહરણ કરી ખંડણી માગી હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને અપહરણ કરી બાંધી પેટીમાં સંતાડવાને કારણે ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આરોપી પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો
શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં CRPFમાં ફરજ બજાવે છે અને ત્યાંથી રજા લઇ તે અંકલેશ્વર આવ્યો હતો. પાડોશમાં રહેતા બાળકને જોઈ તેનું અપહરણ કરી શેરબજારમાં ગયેલી ખોટને સરભર કરવા પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ બાળકની હત્યા તો કરી નાખી હતી, પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો, આથી પેટીમાં જ મૃતદેહ મૂકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેનાં કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો, જોકે આખરે તેનો ભાંડો ફૂટી જતાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments