આ વર્ષના પ્રથમ નવ મહિનામાં 274 દિવસોમાંથી 255 દિવસોમાં દેશમાં ક્યાંકને ક્યાંક હવામાનની વિષમ ઘટનાઓ બની હતી. આનો અર્થ એ થયો કે કાં તો તીવ્ર ગરમી પડી કે ઠંડીનું મોજું ફરી વળ્યુ તથા ભારે વરસાદ અથવા તીવ્ર દુષ્કાળ અથવા તોફાન વગેરે આવ્યા હતા. જેના કારણે 3,238 લોકોના મોત થયા હતા. 32 લાખ હેક્ટરનો પાક નાશ પામ્યો હતો અને 2.36 લાખ મકાનો નાશ પામ્યા હતા. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, 235 વિષમ હવામાન ઘટનાઓમાં 2,923 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 2022 માં, 241 વિષમ હવામાન ઘટનાઓમાં 2,755 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશમાં સૌથી વધુ 176 દિવસનું ભારે હવામાન (ખરાબ હવામાન) નોંધાયું હતું. કેરળમાં હવામાનના કારણે સૌથી વધુ 550 લોકોના મોત થયા છે. આંધ્રમાં સૌથી વધુ 85,806 મકાનોને નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં પાકને સૌથી વધુ નુકસાન થયું હતું, જે સમગ્ર દેશમાં પાકના કુલ નુકસાનમાં 60% હિસ્સો ધરાવે છે. સેન્ટર ફૉર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ)ના ‘સ્ટેટ ઑફ એક્સ્ટ્રીમ વેધર ઈન ઈન્ડિયા 2024’ રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે. દેશના 27 રાજ્યોમાં ગત વર્ષની સરખામણીએ ખરાબ હવામાનની ઘટનાઓમાં વધારો થયો છે. યુપી, કર્ણાટક અને કેરળ એવા રાજ્યો હતા કે જ્યાં પાછલા વર્ષોની સરખામણીમાં ખરાબ હવામાનના દિવસોની સંખ્યામાં 40 દિવસથી વધુનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં ગત વર્ષની સરખામણીમાં આવા દિવસોમાં 38 દિવસનો વધારો થયો છે. સીએસઈના ડાયરેક્ટર જનરલ સુનીતા નારાયણે જણાવ્યું હતું કે જે ઘટનાઓ પહેલા સદીમાં એકવાર બનતી હતી તે હવે દર પાંચ વર્ષે બની રહી છે. તેમની ફ્રીક્વેન્સી દર વર્ષે વધી રહી છે. સમાજનો સૌથી સંવેદનશીલ વર્ગ આનાથી સૌથી વધુ તેમના જાન અને માલ-મિલકતને ગુમાવીને ભોગવે છે. રિપોર્ટ મુજબ, વર્ષમાં હીટવેવની 77 ઘટનાઓ બની હતી અને આ સતત ત્રીજું વર્ષ હતું, જ્યારે ઉનાળાની સીઝનમાં હીટવેવ 50 દિવસથી વધુ ચાલ્યો હતો. કુદરતી આફત… વીજળી પડવા અને વાવાઝોડાની ઘટનાઓ સૌથી વધુ
વીજળી પડવી અને વાવાઝોડું : 274માંથી 191 દિવસ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં 1,021ના જીવ ગયા હતા. જેમાં સૌથી વધુ વીજળી પડવાને કારણે 188 લોકોનાં મૃત્યુ થયા હતા. યુપીમાં માત્ર 38 ઘટનામાં 164 લોકોનાં મૃત્યુ થયાં, મહારાષ્ટ્રમાં 76 ઘટનામાં 100 અને બિહારમાં માત્ર 14 ઘટનામાં 100 લોકોની મૃત્યુ થયા હતા. વરસાદ-પૂર-ભૂસ્ખલન : 274માંથી 167 દિવસ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. જેમાં 1,910 લોકોના જીવ ગયા હતા. સૌથી વધુ 107 ઘટનાઓ કેરળમાં ઘટી હતી, જેમાં 534 મૃત્યુ થયા હતા. હીટવેવ : 77 દિવસ હીટવેવ ચાલ્યો હતો, જેમાં 210 લોકોના મૃત્યુ થયા હતા. સૌથી વધુ 39 દિવસ હીટવેવની ઘટનાઓ ઓડિશામાં થઇ હતી, જેમાં 60 લોકોના જીવ ગયા હતા. બિહારમાં 32 હીટવેવ દિવસ દરમિયાન 49 લોકો અને ઉત્તર પ્રદેશમાં 33 હીટવેવના દિવસ દરમિયાન 2 મૃત્યુ થયા હતા. એમપી-રાજસ્થાનમાં માર્ચથી જૂનમાં સૌથી વધુ 18 અતિશય ગરમ રાત્રી નોંધાઇ હતી. યુપીમાં આવી 17, હરિયાણામાં 14 રાત્રી રહી હતી. કોલ્ડવેવ : 38 દિવસ કોલ્ડવેવ ચાલ્યો હતો, જેના કારણે 6 મૃત્યુ થયા હતા. આ બધા મૃત્યુ બિહારમાં થયા છે.
વાદળ ફાટવંુ : 2024માં વાદળ ફાટવાની 14 ઘટના સર્જાઇ હતી, જેમાં 33 લોકોના જીવ ગયા હતા. જેમાં સૌથી વધુ 12 ઘટનામાં 30ના મૃત્યુ
થયા હતા.