મોરબીના લીલાપર ગામ પાસે રહેતા યુવાને મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. જેથી મહિલાએ યુવાનને ફોન કરીને વાંકાનેરના અરણીટીંબા ગામે પાસે બોલાવ્યો હતો. ત્યાર બાદ મહિલાના પતિએ તેના મિત્ર સાથે મળી યુવકની ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. જે બાદ યુવકનું મોટર સાઇકલ કૂવામાં અને મોબાઇલ ફોન અને લાશને નદીમાં ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. પતિએ મિત્ર સાથે મળી ગળે ટૂંપો દઈ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલી તીર્થક પેપર મીલની બાજુમાં ઝૂંપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (ઉં.વ.20)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલાં ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવી (ઉં.વ.41)એ મેરીબાઈ પાસે બીભત્સ માંગણી કરી હતી. જેથી ત્રણેય આરોપીઓએ હત્યાનું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ મહિલાને એક નવુ સીમકાર્ડ લાવી આપ્યું અને તે નંબર પરથી કેકડિયાભાઈ માવીને ફોન કરી વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા. ત્યાર બાદ ત્યાં તેમને ગળે ટૂંપો આપી દીધો હતો. મોટર સાઇકલ કૂવામાં તો લાશ-મોબાઇલ નદીમાં ફેંક્યા
કેકડિયા માવીની હત્યા બાદ તેના બાઈકને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું અને તેમનો મોબાઇલ અને લાશને ધોળકા રોડ ઉપર આવેલી નદીમાં નાખીને પુરાવાનો નાશ કર્યો હતો. હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને હત્યારા સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (ઉં.વ.32, રહે લિયારા તાલુકો પડધરી, મૂળ રહે મધ્યપ્રદેશ) અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (ઉં.વ.36, રહે લીલાપર ગામ, ખાણ વિસ્તાર, મોરબી, મૂળ રહે એમપી)ની ધરપકડ કરી છે. જ્યારે હત્યામાં સાથ આપનાર મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. ફોન કોલથી ભાંડો ફૂટ્યો
મૃતક કેકડિયાભાઈ માવી તારીખ 15/10/2024થી ગુમ હતા. જેની ગુમ થવા અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેથી તેમની શોધખોળ દરમિયાન ગુમ થયેલા કેકડીયાભાઈના મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ્સ કાઢવામાં આવી હતી. જેમાં અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ આ કોલ ક્યા નંબર પરથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જે લોકોના ફોન કોલ છેલ્લે કેકડીયાભાઇને આવ્યા હતા તે મૃતકના પડોશી જ હોવાનું માલૂમ પડ્યું હતું. જેઓ પોલીસને જાણ ના થાય તે માટે મૃતકના દીકરાની સાથે તેના પિતાની શોધ કરવામાં મદદ કરતા હતા. જો કે પોલીસને તેમના પર શંકા જતાં તેની કડક પૂછપરછ કરી હતી. જે દરમ્યાન આરોપીઓએ કેકડિયાભાઈની હત્યા કરીને લાશને ધોળકા પાસે તળાવમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આ બાબતે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.