બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવતું સંગઠન ઇસ્કૉન હવે કટ્ટરપંથીઓના નિશાના પર છે. કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામે ઇસ્કૉન પર પૂર્વ શેખ હસીના સરકારના સમર્થક હોવાનો આરોપ લગાવતા તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. જ્યારે બાંગ્લાદેશમાં સંચાલિત ઇસ્કૉન એક બિન રાજકીય સામાજિક સંગઠન છે. ઇસ્કૉન તરફથી બાંગ્લાદેશમાં 18 મંદિરોનું સંચાલન કરાય છે, સાથે જ અનેક સામાજિક કાર્યક્રમો પણ થાય છે. જેમાં તમામ ધર્મોના લોકોને ભોજન વિતરણ સામેલ છે.
યૂનુસ સરકાર સાથે નિકટતાને કારણે હિફાઝતે પોતાની માંગના સમર્થનમાં ચટગાંવમાં રેલી કરી હતી. પોલીસની હાજરીમાં હિફાઝતે હિન્દુ વિરોધી નારેબાજી પણ કરી હતી. ચેતવણી: ગતિવિધિઓ પર રોક નહીં તો દેશવ્યાપી દેખાવો
હિફાઝત-એ-ઇસ્લામના ચટગાંવ શાખાના નેતા મુફ્તી હારૂન ઇઝહારે ઇસ્કૉન પર ધાર્મિક ઉપરાંત રાજકીય ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યૂનુસને સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઇસ્કૉન બાંગ્લાદેશમાં વિદેશી સાંસ્કૃતિક એજન્ડા લાગૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે સમાજ માટે ખતરો બની રહ્યો છે. ઇઝહારે કહ્યું કે તેમની માંગ જનતાનો અવાજ છે અને જો ઇસ્કૉન પર પ્રતિબંધ નહીં લગાવાય, તો વિરોધ વધુ ઉગ્ર થઇ શકે છે. અમે દેશવ્યાપી દેખાવો કરીશું. તેમનો વિરોધ સમાજને અસ્થિરતાથી બચાવવાનો છે. ફેસબુક પોસ્ટ બાદ ભડકેલી હિંસામાં અત્યાર સુધી 53 લોકોની ધરપકડ
ચટગાંવમાં ફેસબુક પોસ્ટ બાદ ભડકેલી હિંસામાં અત્યાર સુધી 53 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 49 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. પોલીસ અનુસાર ભીડે વેપારી ઉસ્માન અલી અને તેમના ભાઇની દુકાનને સળગાવાવનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને સૈન્યએ સ્થિતિ કાબૂમાં લેવા માટે પગલાં લીધા પરંતુ ભીડે તેમના પર એસિડ ફેંક્યું. હિંસામાં 12 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઇસ્કૉનનો દાવો – ચટગાંવ હિંસા સાથે અમારે કોઇ સંબંધ નથી
ચટગાંવમાં થયેલી ઘટના બાદ ઇસ્કૉને કહ્યું કે સંગઠનને હજારી લેનની હિંસા સાથે કોઇ લેવાદેવા નથી. ઇસ્કૉન મંદિરના સંચાલન સમિતિના સભ્ય ગૌરાંગ દાસ બ્રહ્મચારીએ કહ્યું કે સંગઠનના કેટલાક નેતાઓએ ધાર્મિક સૌહાર્દને લઇને હિફાઝત-એ-ઇસ્લામના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. પરંતુ આ ઘટનામાં ઇસ્કૉનનો કોઇ હાથ નથી. સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.