ગુજરાત ન્યૂઝ રૂમ । અમદાવાદ
ગુજરાતમાં 2023માં 16 હજારથી વધુ અકસ્માતમાં 7854 લોકોના મોત નીપજ્યાં છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હાલમાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, રાજ્યમાં એક વર્ષમાં કુલ અકસ્માતમાંથી 55% અકસ્માત ખુલ્લા રોડ પર થયા છે. જેમાં 4843 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે સીધા રોડ પર સૌથી વધુ 81% અકસ્માતમાં 6414 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઓવરસ્પીડિંગના કારણે 90% એટલે કે 14718 અકસ્માત થયા હતા, જેમાં કુલ મૃત્યુમાંથી 92% એટલે કે 7278 લોકોના મોત નીપજ્યા હતા. એક વર્ષમાં ટુ-વ્હીલરમાં પાછળની સીટ પર બેસનાર 708 લોકોના મોત હેલ્મેટ ના પહેરાવાના કારણે થયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં દરરોજ 42 અકસ્માતમાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગયા વર્ષ કરતાં અકસ્માતમાં વધારો થયો છે. 2022માં 15751 અકસ્માતમાં 7618 લોકોએ અને 2023માં 16349 અકસ્માતમાં 7854 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 7 હજારથી વધુ મોત ઓવરસ્પીડના કારણે
{ 2023માં કુલ અકસ્માતમાંથી 90% એટલે કે 14718 અકસ્માત ઓવરસ્પીડિંગ કારણે થયા હતા. જ્યારે કુલ મૃત્યુમાંથી 92% એટલે કે 7278 લોકોના મોત ઓવરસ્પીડિંગના કારણે નીપજ્યા હતા. ઓવરસ્પીડિંગના કારણે થતા અકસ્માતમાં 8213 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમણે હોસ્પિટલ જવાની જરૂર પડી હતી. જ્યારે 5363 લોકોને માઇનોર ઇજા થઇ હતી. એક વર્ષમાં હેલ્મેટ ના પહેરવાના કારણે 2767 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જેમાં 708 લોકો એવા હતા જે ટુ-વ્હીલરમાં પાછળની સીટ પર બેઠા હતા. હેલ્મેટ ના પહેરવાથી 2699 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. { ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ ના પહેરવાથી 899 લોકોના મૃત્યુ થયા અને તેમાં પણ 398 લોકો ડ્રાઇવર સિવાયના લોકો હતા. એટલે કે તેઓ આગળ કે પાછળની સીટ પર બેઠા હતા. 1111 લોકો સીટ બેલ્ટ ના પહેરવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમાચારથી શીખ
જવાબદારી આપણી પણ છે આવા અકસ્માતો બાદ સરકારી તંત્ર પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. પણ વાહનચાલકોની બેદરકારી પણ મોટું કારણ હોય છે. વળાંકવાળા કે લોકોની અવરજવર વધારે હોય એવા રસ્તે સાવધાની રાખવામાં આવે છે. પણ પણ રસ્તો ખાલી અને સીધો હોય ત્યારે ઝડપ વધારી દેવાય છે આ સ્થિતિમાં અકસ્માતની સંભાવના વધી જાય છે. તેથી ખાલી રસ્તો હોય ત્યારે પણ ઝડપ પર નિયંત્રણ રાખીએ અને દુર્ઘટના ટાળીએ.