back to top
Homeગુજરાતગણદેવીના ગોડાઉનમાં કેમ થયું અગ્નિતાંડવ?:ટ્રકમાં ચડાવતી વખતે બેરલ લીક થતા થીનર રોડ...

ગણદેવીના ગોડાઉનમાં કેમ થયું અગ્નિતાંડવ?:ટ્રકમાં ચડાવતી વખતે બેરલ લીક થતા થીનર રોડ પર ફેલાયું, એક તણખલો પડ્યો ને 3 લોકો ભડથું થઈ ગયા, 3 સામે ગુનો દાખલ

નવસારીના બીલીમોરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શનિવારે જ્વલનશીલ પ્રવાહીમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો દાઝી ગયા હતા. આ મામલાની તપાસમાં જ્વલનશીપ પ્રવાહી જીપી થીનર હોવાનું સામે આવ્યું છે. જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા છતા તેનું બેદરકારી પૂર્વક ટ્રાન્સપોર્ટેશન કરવા મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. ટ્રાન્સપોર્ટમાં થીનરનું વહન કરાતું હોવા છતા આગ વધુ વિકરાળ બની શકે તેવી અન્ય 14 વસ્તુઓનું પણ બેદરકારી પૂર્વક ટ્રકમાં સાથે જ વહન કરાતું હોવાનું સામે આવ્યું છે. બીલીમોરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેમ થયું અગ્નિતાંડવ?
શનિવારે સવારે 8:00 થી 8:30 ના દરમિયાન ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી ટ્રકમાં GP થીનરના કુલ 8 જેટલા બેરલ લોડ થઈ રહ્યા હતા. જેમાં 3 બેરલ ચડાવ્યા બાદ ચોથું બેરલ ચડાવતી વખતે લીકેજ હોવાની જાણ થઈ હતી.જેથી બેરલને ટ્રક નીચે સાઈડમાં મૂકવામાં આવ્યું હતું. આ બેરલમાંથી લીકેજ થઈને થીનર રોડ ઉપર ફેલાયું હતું. આ ટ્રાન્સપોર્ટના શેડની બાજુમાં ફર્નિચરનું કામ શરૂ હતું. જેમાં ગ્રાઇન્ડીંગ મશીન ઉપર એક યુવાન કામ કરતો હતો. જે ગ્રાઇન્ડીંગ મશીનમાંથી એક તણખલો જમીન પર ઢોળાયેલા થીનર સુધી પહોંચતા આગે ભડકો ધારણ કરી ટ્રક સુધી આગ પ્રસરી હતી. જેની લપેટમાં કુલ સાત લોકો આવ્યા હતા જેમાં ત્રણનું ઘટના સ્થળે મોત થયા બાદ ચાર ઇજાગ્રસ્ત થયા હતા.બનાવ સ્થળે અન્ય યુવાન હતો પણ તેનો ફોન આવતા તે સ્થળ છોડી જતો રહેતા તેનો બચાવ થયો છે. આગ વધુ વિકરાળ બને તેવી વસ્તુઓ જોવા મળી
દિવ્ય ભાસ્કર દ્વારા આજે જે સ્થળે આગ લાગી હતી તે સ્થળની મુલાકાત કરી હતી.જેમાં જાણવા મળ્યું કે, જે થીનરમાં આગ લાગી હતી તેના બેરલની સાથે અન્ય દવા, ફર્નિચર, પુઠ્ઠા જેવી 14 વસ્તુઓનું પણ વહન થઈ રહ્યું હતું. જેના કારણે આગ વિકરાળ બની હતી. મોતનું કારણ બેદરકારી
બીલીમોરાના દેવસર ગામે જે આગની દુર્ઘટના બની હતી તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર GP થીનર કેમિકલ હતું. થીનર જનરલ પર્પઝ માટે અલગ અલગ ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે. આ કેમિકલ જવનલશીલ હોવાથી તેને સાવચેતીપૂર્વક વહન કરવાનો નિયમ છે.પરંતુ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં આ કેમિકલ મોકલનાર અર્જુન તેમજ તેના પિતા સોહમલાલ સહિત ટ્રાન્સપોર્ટના મેનેજરની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી છે. તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ત્રણ પૈકી મેનેજર અનુપનું સળગી જવાથી મોત થવા પામ્યું છે. બે ની અટકાયત કરી પૂછતાછ કરવામાં આવશે. કેમિકલ ક્યાંથી ક્યાં જતું હતું?
આરોપી અર્જુન અને સોહમલાલની ઓફિસ ચીખલી વિસ્તારમાં આવી છે ત્યાંથી આ કેમિકલ દેવસર ટ્રાન્સપોર્ટ ખાતે 8મી નવેમ્બરના રોજ લાવવામાં આવ્યું હતું. બીજા દિવસે 9મી નવેમ્બરના રોજ આ કેમિકલ ટ્રાન્સપોર્ટથી ટ્રકમાં લોડ થઈ રહ્યું અને રાજસ્થાનના ચિત્તોડગઢ રવાના થવાનું હતું તે પહેલા જ બેરલ બ્લાસ્ટ થતાં આગની ઘટના થઈ હતી. જેમાં 3 જીવતા ભૂંજાયા હતા. અન્ય સામાનની સાથે જ્વલનશીલ પ્રવાહીનું વહન થતું હતું
ફેક્ટરી એક્ટ તેમજ મોટર વ્હિકલ એક્ટ મુજબ કોઈપણ જ્વલનશીલ પ્રવાહીની સાથે અન્ય કોઈ ચીજ વસ્તુ વહન કરી શકાય નહિ, એવું જાણતા હોવા છતાં પણ આરોપીઓ દ્વારા બેદરકારી પૂર્વક GP થિનરની સાથે સાથે ફર્નિચર, દવા, યાર્ન તેમજ પ્લાસ્ટિકના અન્ય આઈટમ ટ્રકમાં લોડ કરી હતી. જેને કારણે આગ ફેલાવામાં મદદ મળી હતી.જેના પરિણામ સ્વરૂપ નાસભાગ મચી હતી.આગની લપેટમાં 3 બાઈક પણ આવી હતી. શેડના માલિક વિરુદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી
દેવસર ગામે ખુલ્લી જગ્યામાં કાચા શેડ બનાવીને ભાડે આપનાર બીપીન આહીરની સામે પણ ભાડા કરારની પૂછતાજ કરવામાં આવશે. જો શેડ ભાડે આપવામાં પણ બેદરકારી રાખવામાં આવી હશે તો બીપીન આહીર વિરુદ્ધ પણ ગુનો દાખલ થવાની સંભાવના છે. તપાસમાં કેટલી એજન્સીઓ જોડાઈ
આ આગની દુર્ઘટનામાં GPCB,ફેક્ટરી ઇન્સ્પેક્ટર,સ્થાનિક પોલીસ સહિત FSL ની ટીમ તપાસમાં જોતરાય છે. આ ચાર એજન્સીઓ મળીને આ કયા કારણોસર લાગી કયા કયા મુદ્દે બેદરકારી સામે આવી છે. જેવા મુદ્દા ઉપર ઝીણવટભરી રીતે તપાસ કરીને એક અહેવાલ બનાવશે બનાવમાં કસુરવારો સામે પુરાવા એકત્રિત કરવા માટે ચાર જેટલી એજન્સીઓ કામે લાગી છે. આરોપીઓનો ભૂતકાળ ખરડાયેલો
આ કેસમાં અટકાયતમાં લેવાયેલા અર્જુન તેમજ સોહનલાલ પિતા પુત્રની જોડી ભૂતકાળમાં પણ પોલીસના હાથે ચડી છે. ભૂતકાળમાં કેમિકલ અને સળિયા ચોરીના કેસમાં તેમની ધરપકડ થઈ છે. હાલમાં GP થીનર નિયમ મુજબ કે ચોરી ના માલ તરીકે વહન થતું હતું તેની પૂછપરછ આરોપી અર્જુન પાસેથી મેળવાશે. શું કહી રહી છે પોલીસ?
માહિતી આપતા DYSP ભગીરથસિંહ ગોહિલ જણાવે છે કે જ્વેલનશીલ પદાર્થ હોવાનું જાણવા છતાં પણ આરોપીઓ દ્વારા બેદરકારી પૂર્વક તેનું વહન કરી રહ્યા હતા જે દરમિયાન આગ લાગતા ત્રણ જેટલા મજૂરો ઘટના સ્થળે જ મોત થયા હતા જેમાં અન્ય ત્રણ અને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ કેમિકલ ની સાથે સાથે ફર્નિચર દવા પુઠા, જાન મળી કુલ 14 જેટલી અલગ અલગ વસ્તુઓ ટ્રકમાં લોડ કરવામાં આવી હતી જેને કારણે આ વધુ વિકરાળ બની હતી. આ કેસમાં અર્જુન અને સોહનલાલ નામના બે પિતા પુત્રની અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવવામાં આવશે. આ બંને પિતા પુત્ર ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કેસમાં અન્ય આરોપી અનુપ જે ગોડાઉનનો મેનેજર હતો તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments