રાજકોટ એસ.ટી. ડિવિઝન રાજકોટ ડેપો, સુરેન્દ્રનગર, મોરબી અને ગોંડલથી જૂનાગઢ જવા 50 જેટલી બસ રાઉન્ડ ધી ક્લોક દોડાવશે. બસપોર્ટ પર જૂનાગઢ ગિરનાર પરિક્રમા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. એક્સ્ટ્રા બસ નોન-સ્ટોપ જૂનાગઢ જશે. સૌરાષ્ટ્ર-ગુજરાત અને દૂર દૂરથી લોકો ગિરનાર પરિક્રમા કરવા આવતા હોય યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા અને લોકોને સરળ પરિવહન સુવિધા મળી રહે, લોકોને ઊભા ઊભા જવું ન પડે તે માટે વધારાની 50 જેટલી મોટી બસ રાજકોટથી સીધી જૂનાગઢ સુધી દોડાવાશે. 5 દિવસ સુધી એક્સ્ટ્રા બસ રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડશે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધારાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર હોવાનું રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામકે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભાવિકોને સરળ સુવિધા મળી રહે તે માટે 50 એક્સ્ટ્રા બસ ઉપરાંત રાજકોટથી જૂનાગઢ ઈલેક્ટ્રિક બસ અને 2×2 એ.સી. બસ સંચાલિત થઇ રહી છે. રાજકોટથી ઉપરાંત અમદાવાદ અને કચ્છથી પણ પરિક્રમા કરવા ઘણા લોકો આવતા હોય છે તેઓ રાજકોટથી આ બસ મારફત જૂનાગઢ પરિક્રમા કરવા જઈ શકશે.