વડોદરાના નવલખી મેદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જાણીતા આદ્યાત્મિક ગુરૂશ્રી દાદા ભગવાનની 117મી જન્મજયંતીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા દાદા ભગવાનની ટપાલ ટિકિટનું વિમોચન કરી કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી છે. આ આઠ દિવસના કાર્યક્રમ લાખોની સંખ્યામાં ભક્તો પધારશે. મુખ્યમંત્રએ પૂજ્ય દિપકભાઈને દંડવત પ્રણામ કર્યા
ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પર પહોંચતાની સાથે જ લોકોએ તેઓનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું. જે બાદ ભૂપેન્દ્ર પેટેલે પૂજ્ય દિપકભાઈને પુષ્પ માળા પહેરાવી દંડવત પ્રણામ કરી પગે લાગ્યાં હતાં. દાદાને સ્વાગત માટે પહેરાવેલી માળા પરત તેઓને ભૂપેન્દ્ર પટેલને પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું. જે બાદ નાના બાળકોએ પણ CMનું સ્વાગત કર્યુ હતું. સ્ટેજ પર આત્મજ્ઞાની દિપકભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટપાલ ટિકિટ વિમોચન માટે કેન્દ્રીય સંચાર વિભાગમાંથી આવેલ મહેમાન ઊપસ્થિત રહ્યાં હતાં. પ. પૂ. દાદા ભગવાનના જીવન ઉપરની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. જે બાદ ભૂપેન્દ્ર પટેલના હસ્તે દાદા ભગવાનની ટિકિટનું વિમોચન કરાયું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે મારો જ્ઞાન દિવસ છેઃ ભૂપેન્દ્ર પટેલ
અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંમ પૂ. દાદા ભગવાનના 117માં જન્મજયંતી પ્રસંગે હાજર તમામ લોકોનું સ્વાગત કરી જય સચ્ચિદાનંદના ઉચ્ચાર સાથે સભાનું સંબોધન શરૂ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્ઞાન મેળવવાના અનેક માર્ગ આપણે ત્યાં પ્રચલિત છે. પૂજ્ય દાદાશ્રીએ આપેલું આત્મજ્ઞાન એક વિશિષ્ટ જ્ઞાન છે, જે સીધું આત્મજ્ઞાન સુઘી પહોંચાડે છે. દાદાની અમૃતવાણી અને વ્યવહારમાંથી જ્ઞાનની અનુભૂતિ થાય છે. તેઓને સુરતના રેલવે સ્ટેશન પર આત્મજ્ઞાન પ્રગટ થયું હતું. પોતે કોણ છે? જગત કેવી રીતે ચાલે છે? ભગવાન ક્યાં છે? શું કરે છે? તેવુ જ્ઞાન દાદાશ્રી સારી કળા શીખવાડી રહ્યાં છે. દાદા ભગવાનની જન્મભૂમિ અને કર્મભૂમિ વડોદરામાં આજના પ્રસંગ નિમિત્તે મામાની પોળમાં પણ ઉત્સાહ છે. કેન્દ્રીય મંત્રીનો વિશેષ આભાર માનું છું. અહીંના સુંદર અયોજન માટે આયોજકોને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. પૂજ્યશ્રીના આજે આશીર્વાદ મેં મેળવ્યા છે. આજે અહીં ઘણાં બધા મહાત્માઓ ઉપસ્થિત છે. આજે મારો જ્ઞાન દિવસ છે. ખૂબ આશિર્વાદ આપજો. દાદાની પાંચ આજ્ઞામાં રહી અને નાનામાં નાના માણસના ખૂબ સારા કામ થાય અને મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે એવા આશિર્વાદ આપજો. આઠ દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે
દાદા ભગવાનની કર્મભૂમિ એવા વડોદરામાં તેમની 117મી જન્મ જયંતીની શાનદાર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે. આજથી શરૂ થયેલા આ કાર્યક્રમ અગામી તા.17 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઇ રોડ ઉપર દાદા ભગવાનનું સમાધિ સ્થાન
દાદા ભગવાનના નામે પ્રચલિત અંબાલાલ મૂળજીભાઇ પટેલની કર્મભૂમિ અને જન્મભૂમિ વડોદરા રહી છે. વ્યવસાયિક પ્રવૃત્તિ દરમિયાન તેમને આત્મજ્ઞાન થતાં અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત આપી અનુયાયીઓને દિવ્ય ચેતના સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. હાલમાં દાદા ભગવાન ફાઉન્ડેશના નેજા તળે સામાજિક અને આદ્યાત્મિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ડભોઇ રોડ ઉપર દાદા ભગવાનનું સમાધિ સ્થાન અને વરણામામાં ત્રિમંદિર પ્રસિદ્ધ યાત્રાધામો છે. મુખ્યમંત્રી પણ છે દાદા ભગવાન પંથના ફોલોઅર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત શાલીન અને મૃદુભાષી હોવા ઉપરાંત આધ્યાત્મિક વિચારોના રંગે પણ રંગાયેલા છે. અડાલજ સ્થિત ત્રિમંદિરની તેઓ નિત્ય મુલાકાત લેતા રહે છે અને નવરાશની પળોમાં માનસિક શાંતિ મેળવવા દાદા ભગવાન ફાઉન્ડેશનના દિવંગત વડા સ્વ. નિરુમાના પ્રવચનોને સાંભળતા રહે છે. નિરુમા હયાત હતા તે સમયે તેમના નિત્ય આશીર્વાદ મેળવનારા ભૂપેન્દ્રભાઈ તેમની સ્મૃતિરુપે જ તેઓ જમણા હાથના કાંડા પર હંમેશા ‘નિરુમા’ લખેલું રક્ષા સૂત્ર પહેરેલું જ રાખે છે. ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશનનો નાતો આજ-કાલનો નહીં પરંતુ 20 વર્ષ કરતા પણ જૂનો છે. સ્વ. નિરુમાના વક્તવ્યો અને પ્રવચનોથી પણ ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રભાવિત થયા હતા. આ કારણથી જ તેમણે સ્વ. નિરુમા પાસેથી અસંખ્યવાર જ્ઞાનવિધિ મેળવેલી હતી. ઘણી વાર તો અમદાવાદ બહાર પણ દાદા ભગવાન ફાઉન્ડેશનના સત્સંગ અને જ્ઞાનવિધિના કાર્યક્રમમાં 10-10 દિવસ સુધી ભૂપેન્દ્રભાઈ ખડેપગે હાજર રહેતા અને એક સામાન્ય સત્સંગીની જેમ જ સેવા આપતા હતા. કોણ હતા દાદા ભગવાન?
દા ભગવાનનું મૂળ નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ હતું. તેમનો જન્મ 7 નવેમ્બર 1908ના રોજ વડોદરા પાસેના તરસાલી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મૂળજીભાઈ તથા માતાનું ઝવેર બા હતું. જ્યારે હીરાબેન સાથે તેમના લગ્ન થયા હતા. બાળપણથી જ દાદા દિવ્ય લક્ષણો ધરાવતાં હતાં. મેટ્રિક સુધી ભણ્યા હતા. અભ્યાસકાળમાં શાળામાં ભણતા સમયે પણ દ્રષ્ટિમાં આધ્યાત્મિક વિચારો જ પ્રગટ થતા રહેતા હતા. ગણિત વિષય ભણતા ભણતા પણ આ સંસારમાં અવિભાજ્ય તો ભગવાન જ છે તેનું જ્ઞાાન બાળપણમાં જ ઉદ્ભવ્યું હતું. 22મે વર્ષે શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક વાંચ્યું અને ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ. તે 1958માં પૂરી થઈ. જૂન 1958ની સમી સાંજે 6 વાગ્યાના સમયે સુરતના ધમધમતા, ભીડવાળા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર બેઠેલા શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા દાદા ભગવાન સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાદ્યું.