રાજ્ય સરકાર દ્વારા સરકારી યોજનાઓનો સોશિયલ મીડિયા થકી પ્રચાર કરવા જિલ્લા વહીવટી તંત્રને અપાયેલા આદેશ બાદ પણ વડનગરની હોસ્પિટલ તેમજ કડી, ઊંઝા અને વિજાપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉપરાંત ચાર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોતાના ફેસબુક, ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કાર્યરત નહીં કરાતાં જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીની કચેરી કક્ષાએથી મહેસાણા જિલ્લાને સોશિયલ મીડિયા પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવ્યો છે. જેને લઇ જિલ્લાની તમામ હેલ્થ ફેસેલિટી ખાતે સોશિયલ મીડિયાના ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ કાર્યરત કરવા તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને અગાઉ થયેલી સોશિયલ મીડિયાની બેઠકોમાં તાકીદ કરાઇ હતી. ત્યાર બાદ, જિલ્લા કક્ષાએથી વારંવાર સૂચના આપવા છતાં વડનગરની જીએમઇઆરએસ હોસ્પિટલ, ઊંઝા, કડી અને વિજાપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ બલોલ, કામલી, કુકરવાડા અને ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ કાર્યરત નહીં કરાતાં તેની સીધી નોંધ સીએમ ઓફિસ દ્વારા લેવામાં આવી હતી. જેને લઇ જિલ્લા કલેક્ટર એમ નાગરાજને વડનગર હોસ્પિટલના ડીન/ સુપ્રિન્ટેન્ડેન્ટ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સર્જન અને ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અધિક્ષકોને નોટિસ પાઠવી આ અંગેનો ખુલાસો કરવા તેમજ તાત્કાલિક અસરથી સોશિયલ મીડિયા એકાઉન્ટ કાર્યરત કરી કચેરીને તેની જાણ કરવા માટે સૂચના અપાઇ છે.